Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

રાષ્ટ્રપતિ ચૂંટણી : ઉમેદવાર અંગે આજે સહયોગી પક્ષ સાથે ચર્ચા કરશે બીજેપી : સંસદીય બોર્ડની બેઠક પણ યોજાશે

નવી દિલ્હી તા. ૨૧ : પ્રમુખ પદના ઉમેદવાર નક્કી કરવા માટે આજે ભાજપ સંસદીય બોર્ડની બેઠક યોજાશે. આ બેઠકની સાથે પાર્ટી નેતૃત્વ ઍનડીઍના તમામ સહયોગીઓ સાથે ઉમેદવારના નામ પર પણ ચર્ચા કરશે. રાષ્ટ્રપતિ પદ માટે નામાંકન ભરવાની છેલ્લી તારીખ ૨૯ જૂન છે.

ભાજપ નેતૃત્વઍ તાજેતરમાં પક્ષ પ્રમુખ જેપી નડ્ડા અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર અંગે વિવિધ પક્ષો સાથે ચર્ચા કરવાનું કામ સોંપ્યું હતું. બંને નેતાઓઍ વિપક્ષના વિવિધ પક્ષોના નેતાઓ સાથે ટેલિફોન પર ચર્ચા કરી હતી અને શાસક પક્ષના નેતાઓ અને પ્રાદેશિક પક્ષોના નેતાઓ પાસેથી તેમના સૂચનો લીધા હતા અને ઉમેદવારના નામ અંગે સર્વસંમતિ બનાવવાની પણ વાત કરી હતી. બીજી તરફ ઉમેદવાર નક્કી કરવા માટે વિપક્ષની બેઠકો પણ ચાલુ રહી હતી. વિપક્ષે અનેક નામો પર વિચાર કર્યો, કેટલાક નેતાઓઍ ઉમેદવાર બનવાનો પણ ઇનકાર કર્યો. આવી સ્થિતિમાં આરજેડીઍ પોતાનો ઉમેદવાર નક્કી કરવાનો નિર્ણય લીધો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર મંગળવારે સાંજે બીજેપીના સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાશે, જેમાં પાર્ટી નેતૃત્વ રાષ્ટ્રપતિ પદના ઉમેદવારના નામ પર ચર્ચા કરશે. બેઠક દરમિયાન ભાજપ નેતૃત્વ ઍનડીઍના તમામ સહયોગી પક્ષોના નેતાઓ સાથે પણ ચર્ચા કરશે.

(10:20 am IST)