Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

ભારતમાં કોરોનાથી ૫૦ લાખના મોતઃ આઝાદી પછીની સૌથી મોટી આફત

અમેરિકી અભ્યાસમાં સનસનીખેજ દાવોઃ ભારતમાં કોરોનાથી ૩૪થી ૪૯ લાખથી વધુ લોકોના મોત થયા છેઃ ભારત સરકારના આંકડાથી આ આંકડો ૧૦ ગણો ઉંચો છે : પ્રથમ લહેર અનુમાનથી વધુ ઘાતક હતીઃ બીજી લહેરમાં હજારો લોકો ઓકિસજન, બેડ અને રસીની અછતને કારણે માર્યા ગયા છે

નવી દિલ્હી, તા. ૨૧ :. ભારતને કોરોના મહામારીએ ગંભીર રીતે અસર કરી છે. દુનિયાભરમાં કોરોના સંક્રમણના મામલામાં ભારત બીજા સ્થાને અને સંક્રમિતોના મોતના મામલે ત્રીજા સ્થાને છે. વિશ્વભરમાં કોરોનાથી સંક્રમણ અને મોતના મામલામાં અમેરિકા પ્રથમ સ્થાને છે. વલ્ડોમીટરના જણાવ્યા પ્રમાણે ભારતમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા ૩ કરોડ ૧૨ લાખથી વધુ છે. જ્યારે સંક્રમણથી અત્યાર સુધીમાં ૪ લાખ ૧૮ હજારથી વધુ લોકોના મોત થયા છે. આ દરમિયાન એક અમેરિકી અભ્યાસમાં ચોંકાવનારી વાત સામે આવી છે. એક નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં કોરોનાથી ૩૪ થી ૪૯ લાખ લોકોના મોત થયા છે. આ સંખ્યા ભારત સરકારના આંકડાથી ૧૦ ગણી વધુ છે. રીપોર્ટને તૈયાર કરનારામાં ૪ વર્ષ પીએમના મુખ્ય આર્થિક સલાહકાર રહી ચૂકેલા અરવિંદ સુબ્રમણ્યમ પણ સામેલ છે.

વોશિંગ્ટનના અભ્યાસ સેન્ટર ફોર ગ્લોબલ ડેવલપમેન્ટ તરફથી જારી રીપોર્ટમાં સરકારી આંકડા, આંતરરાષ્ટ્રીય અનુમાનો, સરોલોજીકલ રીપોર્ટ અને ઘરોમાં થયેલા સર્વેને આધાર બનાવવામાં આવેલ છે. અરવિંદ સુબ્રમણ્યમ, અભિષેક આનંદ અને જસ્ટીશ સેન્ડફરએ દાવો કર્યો છે કે મૃતકોનો વાસ્તવિક આંકડો કેટલાક હજાર કે લાખ નહિ પણ ૧૦ લાખથી પણ વધુ છે.

અમેરિકી અભ્યાસમાં જણાવાયુ છે કે ભારતમાં જાન્યુઆરી ૨૦૨૦થી જૂન ૨૦૨૧ વચ્ચે કોવિડ-૧૯થી લગભગ ૫૦ લાખ લોકોના મૃત્યુ થયા છે. જેના કારણે તે વિભાજન અને સ્વતંત્રતા બાદ દેશની સૌથી મોટી માનવીય આફત બની છે. તો બીજી તરફ કોરોના વાયરસનો ડેલ્ટા વેરીયન્ટ દુનિયાભરમાં ચિંતાની નવી લહેર પેદા કરી રહ્યો છે.

સેન્ટર ફોર ગ્લોબલ ડેવલ્પમેન્ટે રીપોર્ટમાં ભારતમાં મોતના અનુમાનોની ૩ રૂપરેખા તૈયાર કરી છે. એ બધા ભારતમાં મોતના સત્તાવાર આંકડા ૪ લાખથી ૧૦ ગણા વધારે હોવા તરફ ઈશારો કરે છે. સાત રાજ્યોથી જ ૩૪ લાખ લોકોના મોત થયાનું જણાય છે.

રીપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પ્રથમ લહેર અનુમાનથી વધુ ઘાતક હતી. બીજી લહેરમાં હજારો લોકો ઓકિસજન, બેડ અને રસીની અછતથી માર્યા ગયા છે. પરંતુ માર્ચ ૨૦૨૦થી ફેબ્રુઆરી ૨૦૨૧ દરમિયાન મહામારીની પ્રથમ લહેરના આંકડાને વાસ્તવિક સમયમાં ભેગા કરવામાં નથી આવ્યા. સંભવ છે કે આ દરમિયાન માર્યા ગયેલા લોકોની સંખ્યા બીજી લહેર જેટલી જ ભયાનક હોય. આજે દેશમાં માત્ર ૭ ટકા વસ્તીને જ સંપૂર્ણ રસી લાગી છે. ભારતીય વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે ભારતમાં ત્રીજી લહેર આવી શકે છે.

(10:20 am IST)