Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

ચીન હવે દુનિયાને પરમાણુ સંકટમાં ધકેલશે ? તાઇવાન મુદ્દે જાપાનને પરમાણુ બોંબથી હુમલાની ધમકી આપી

આમ તો ચીન તાઈવાન મુદ્દે હંમેશાથી આક્રમક રહે છે પરંતુ આ પ્રકારની પરમાણુ હુમલાની ધમકી કદાચ પહેલીવાર સામે આવી છે

બેઈજિંગ,તા.૨૧: દુનિયાને કોરોના મહામારીમાં ધકેલનારું ચીન પરમાણુ હુમલાની કહાની પણ રચી શકે છે. ચીને તાઈવાન મુદ્દે જાપાન પર પરમાણુ હુમલાની ધમકી આપી છે. ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી (CPC) એ એક વીડિયો બહાર પાડ્યો છે. જેમાં કહેવાયું છે કે જો જાપાન તાઈવાનની મદદ કરવાની ભૂલ કરશે તો તેના પર પરમાણુ બોમ્બથી હુમલો કરવામાં આવશે. આમ તો ચીન તાઈવાન મુદ્દે હંમેશાથી આક્રમક રહે છે પરંતુ આ પ્રકારની પરમાણુ હુમલાની ધમકી કદાચ પહેલીવાર સામે આવી છે.

‘Fox News’ ના એક રિપોર્ટ મુજબ CPC ની મંજૂરીથી આ વીડિયો એક ચેનલ પર ચલાવવામાં આવ્યો છે. વીડિયોમાં કહેવાયું છે કે 'અમે સૌથી પહેલા પરમાણુ બોમ્બનો ઉપયોગ કરીશું. અમે સતત પરમાણુ બોમ્બનો ઉપયોગ કરતા રહીશું અને ત્યાં સુધી કરતા રહીશું જયાં સુધી જાપાન કોઈ પણ શરત વગર આત્મસમર્પણ ન કરે.' તાઈવાન ન્યૂઝનું કહેવું છે કે આ વીડિયોને ચીનના પ્લેટફોર્મ Xigua પર ૨ મિલિયન વ્યૂઝ મળ્યા બાદ ડિલિટ કરી દેવાયો હતો પરંતુ વીડિયોની કોપી યુટ્યૂબ અને ટ્વિટર પર અપલોડ કરી દેવાઈ છે.

ચીનની આ ધમકી એવા સમયે આવી છે જયારે લગભગ બે અઠવાડિયા પહેલા જાપાને તાઈવાનના સાર્વભૌમત્વની રક્ષા કરવા અંગે વાત કરી હતી. જાપાનના ડેપ્યુટી પીએમ તારો અસો એ કહ્યું હતું કે જાપાને ચોક્કસપણે તાઈવાનની રક્ષા કરવી જોઈએ. તેમણે વધુમાં કહ્યું હતું કે તાઈવાનમાં કોઈ મોટી ઘટના ઘટે તો જાપાનના અસ્તિત્વ માટે જોખમ ઊભુ થશે. આથી આવી સ્થિતિમાં જાપાન અને અમેરિકાએ મળીને તાઈવાનની રક્ષા માટે કામ કરવું પડશે.

આ બાજુ ચીનના વિદેશ મંત્રાલયના પ્રવકતા ઝાઓ લિજિયને પણ નિવેદન આપ્યું છે. સ્કાય ન્યૂઝ ઓસ્ટ્રેલિયાના રિપોર્ટ મુજબ લિજિયને કહ્યું કે જાપાને તાઈવાન મુદ્દે પોતાની સોચ બદલવી જોઈએ. ચીની પ્રવકતાએ કહ્યું કે અમે એકવાર ફરીથી જાપાનને તાઈવાન મુદ્દે પોતાની સોચ બદલાવાનો આગ્રહ કરીએ છીએ. ક્ષેત્રીય શાંતિ અને સ્થિરતા જાળવી રાખવા માટે આ જરૂરી છે. જાપાને ચીનના સાર્વભૌમત્વ અને પ્રમાણિકતા પ્રત્યે સન્માન દાખવવું જોઈએ. ઝાઓ લિજિયને એ પણ કહ્યું કે તાઈવાન અમારો ભાગ છે અને તે વિશુદ્ઘ રીતે ચીનનો આંતરિક મામલો છે.

(10:22 am IST)