Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

આ પહેલા હસ્તિનાપુરમાંથી માટીના વાસણો મળી આવ્યા હતા

મહાકાવ્ય મહાભારતમાં કૌરવોની રાજધાની હસ્તિનાપુરની કથાના રહસ્યો જાણવા મળશે : ASI હસ્તિનાપુરમાં કરશે ખોદકામ

મેરઠ,તા.૨૧:  મહાકાવ્ય મહાભારતમાં કૌરવોની રાજધાની હસ્તિનાપુરની કથા સાથે જોડાયેલા રહસ્યોને જાણવા માટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે પ્રયત્નો શરુ કર્યા છે. એએસાઈની ટીમ મેરઠથી લગભગ ૪૦ કિમી દૂર સાઈટ પર ખોદકામ શરુ કરશે. પાછલા ૭૦ વર્ષમાં આ પ્રકારની આ પહેલી મોટી પરિયોજના છે. આ પ્રયાસના માધ્યમથી ઈતિહાસમાં મહાભારતને જમીન પર ઉતારવા અને પહેલાની શોધોને સુરક્ષિત કરવા માટે નવા પુરાવાની શોધ કરવામાં આવશે.

એએસઆઈના નવ-નિર્મિત મેરઠ સર્કલના સુપ્રિટન્ડન્ટ આર્કિયોલોજીસ્ટ બ્રજસુંદર ગડનાયકે જણાવ્યું કે, અત્યાર સુધી પહાડી વાળા વિસ્તારોના સંરક્ષણ અને જૂના મંદિરોને નવું સ્વરુપ આપવાની પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. નિર્માણ કાર્ય પણ થયું છે. સપ્ટેમ્બર પછી જયારે ચોમાસાનો અંત આવશે ત્યારે ખોદકામને મહત્વ આપીશું. હસ્તિનાપુર તે પાંચ સ્થળોમાં શામેલ છે જેના વિકાસનું કાર્ય કેન્દ્ર તરફથી પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે. ૨૦૨૦ના કેન્દ્રીય બજેટમાં રાખાગઢી (હરિયાણા),  શિવસાગર (અસમ),  ધોળાવીરા (ગુજરાત), આદિચલ્લાનુર (તમિલનાડુ) સાથે હસ્તિનાપુરને આઈકોનિમક સાઈટ તરીકે વિકસિત કરવાનું કહેવામાં આવ્યુ હતું.

હસ્તિનાપુરમાં પહેલું ખોદકામ ૧૯૫૨માં થયુ હતું. તે સમયે આર્કિયોલોજિસ્ટ પ્રોફેસર બીબી લાલે જણાવ્યુ હતું કે મહાભાર કાળ લગભગ ૯૦૦ ઈ.સ. પૂર્વે હતું અને આ શહેર ગંગાના પુરમાં વહી ગયુ હતું. ઉલ્લેખનીય છે કે બીબી લાલ અયોધ્યામાં બાબરી મસ્જિદ નીચે ૧૨ મંદિર સ્તંભોની શોધ માટે ઓળખાય છે. મોદીનગરના મુલ્તાનિમલ મોદી કોલેજમાં ઈતિહાસના અસોસિએટ પ્રોફેસર ડોકટર કે.કે.શર્મા કહે છે કે, ૧૯૫૨ પછી કોઈ ખાસ વિકાસ નથી થયો. ૨૦૦૬માં હસ્તિનાપુરથી લગભગ ૯૦ કિમી દૂર સિનૌલીમાં એક પ્રાચીન કબ્રસ્તાનની શોધ થઈ હતી અને ૨૦૧૮માં એક તાંબાના ઘોડાથી ચાલનાર યુદ્ઘ રથની શોધે સાબિત કર્યું કે તે મહાભારતના સમયના છે. કારણકરે મહાકાવ્યમાં રથોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ગયા વર્ષે ઓગષ્ટમાં સતત વરસાદ પછી હસ્તિનાપુરમાં ત્રીજી સદી ઈસવીસન પૂર્વના માટીના વાસણની શોધ કરવામાં આવી હતી. ડોકટર શર્મા જણાવે છે કે, ડિઝાઈન બરેલીના આંવલા વિસ્તારના એક પ્રાચીન સ્તૂપ અહિચ્છત્ર સમાન હતી. અહિચ્છત્રનો ઉલ્લેખ મહાભારતમાં ઉત્ત્।રી પાંચાલની રાજધાની તરીકે કરવામાં આવ્યો છે. આ વર્ષે જાન્યુઆરીમાં જયારે એએસઆઈ મેરઠ સર્કલની સ્થાપના કરવામાં આવી તો અધિકારીઓએ કહ્યુ હતું કે, નવું સર્કલ હસ્તિનાપુર પર કેન્દ્રિત હશે. શનિવારના રોજ એએસઆઈના સંયુકત નિર્દેશક ડોકટર સંજય મંજુલ અને ક્ષેત્રીય નિર્દેશક આરતીએ હસ્તિનાપુરની મુલાકાત લીધી હતી. હસ્તિનાપુર કયા રહસ્યો ઉજાગર કરશે તે વાત તો હવે આવનારો સમય જ જણાવી શકશે.

(10:25 am IST)