Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

પેટ્રોલમાં ૫ રૂ. સુધીનો ઘટાડો આવી શકે છે

ક્રૂડનો ભાવ તૂટવા લાગ્યોઃ ૬૫ ડોલર આસપાસ થશે તો પેટ્રોલના ભાવમાં ૩ થી ૫નો ઘટાડો નક્કી

નવી દિલ્હી, તા. ૨૧ :. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવોથી ટૂંક સમયમાં રાહત મળી શકે છે. ઓપેક અને સાથી દેશો દ્વારા ક્રૂડનું ઉત્પાદન વધારવા અને કોરોનાના વધતા કેસને કારણે ક્રૂડ ઉપર પ્રેસર વધ્યુ છે. જેના કારણે તેના ભાવમાં ઘટાડો નોંધાયો છે. હાલના દિવસોમાં બ્રીન્ટ ક્રૂડ ૭૮ ડોલરથી ઘટીને ૬૮ ડોલર થઈ ગયુ છે. જેના કારણે આવતા દિવસોમાં ભારતમાં પેટ્રોલ-ડીઝલ સસ્તુ થશે તે નક્કી છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઓપેક દેશોએ ઉત્પાદન વધારવાના નિર્ણયથી ક્રૂડ ઉપર દબાણ વધ્યુ છે અને આવતા દિવસોમાં પણ તેના ભાવો વધુ ઘટે તેવી શકયતા છે. આ સપ્તાહના અંત સુધીમાં ક્રૂડનો ભાવ તૂટીને ૬૫ ડોલરની નજીક પહોંચી શકે છે. જો આવુ થશે તો ભારતીય બજારમાં પેટ્રોલ ૩ થી ૫ રૂ. સસ્તુ થઈ શકે છે. આવુ એટલા માટે કે જ્યારે ક્રૂડનો ભાવ ૬૫ ડોલર આસપાસ હતો તો પેટ્રોલનો ભાવ ૯૭ રૂ. આસપાસ હતો. હાલ ૧૦૩ રૂ. છે એટલે કે ૬૫ ડોલર થાય તો ૫ રૂ. સુધીનો ઘટાડો થઈ શકે તેમ છે.

(10:50 am IST)