Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

PSIને ઢોર માર મરાયોઃ પોતાના જ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ના લેવાતા નોકરી છોડી

ભગવા સંગઠન સાથે જોડાયેલા વકીલને તપાસ કર્યા વિના કેરેકટર સર્ટિ. ના આપવાની ચૂકવી કિંમત! : કેરેકટર સર્ટિ. લેવા આવેલા એક વગદાર વકીલ સાથે PSIને બબાલ થતાં તેમને સસ્પેન્ડ કરાયા, અને ગણતરીના કલાકોમાં જ તેમના પર થયો ઘાતકી હુમલો

બિજનૌર, તા.૨૧: ઉત્તરપ્રદેશના બિજનૌરમાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં બજારમાં ધોળા દિવસે કેટલાક તત્વો દ્વારા PSIના ઢોર માર મારી તેમનો પગ ફ્રેકચર કરી દેવાયો હતો. આ મામલે PSIએ પોતાના જ પોલીસ સ્ટેશનમાં કેટલાક લોકો વિરુદ્ઘ પોલીસ ફરિયાદ કરાવવા પ્રયાસ કર્યો હતો. જોકે, તેના માટે ઉચ્ચ અધિકારીઓએ ઈનકાર કરી દેતા વ્યથિત થઈ ગયેલા પીએસઆઈએ નોકરીમાંથી જ રાજીનામું આપી દીધું છે. હાલ પોલીસે આ અંગે અજાણ્યા શખ્સો વિરુદ્ઘ ફરિયાદ દાખલ કરી છે.

પીએસઆઈ અરુણ કુમાર રાણા (ઉં. ૪૦ વર્ષ)ને એક સ્થાનિક વકીલ અને હિંદુવાદી સંસ્થાના મેમ્બર એવા વકીલ સાથે ઝઘડો થયો હતો. ત્યારબાદ તેમને નોકરીમાંથી સસ્પેન્ડ કરાયા હતા. સસ્પેન્શનના કલાકોમાં જ તેમના પર હુમલો થયો હતો. યુપી પોલીસમાં જોડાયા અગાઉ પીએસઆઈ રાણા BSF અને CISFમાં ફરજ બજાવી ચૂકયા છે. તેમણે પોતાના પોલીસ સ્ટેશનની હદમાં એક વગદાર માણસને તપાસ કર્યા વિના કેરેકટર સર્ટિ. ઈશ્યૂ કરવાનો ઈનકાર કરી દેતા આ બબાલ થઈ હતી.

પોતાના પર ઘાતકી હુમલો થયા બાદ જયારે PSI રાણા પોતે જયાં ફરજ બજાવતા હતા તે બિજનૌર જિલ્લાના જાલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા ગયા હતા. જોકે, તેમના ઉપરી અધિકારીઓએ રાણાએ જે નામ આપ્યા તેમની સામે ફરિયાદ લખવાને બદલે અજાણ્યા શખ્સો વિરુદ્ઘ ફરિયાદ લખી હતી. પોતાની સાથે જ આવું વર્તન થતાં હચમચી ઉઠેલા પીએસઆઈ રાણાએ નોકરીમાંથી રાજીનામું ધરી દીધું હતું.

જોકે, પીએસઆઈના રાજીનામાં પર બબાલ થતાં ઉચ્ચ અધિકારીઓએ દરમિયાનગીરી કરી તેમને શરત સાથે નોકરી પર પરત લીધા હતા. તેમની સામે ખાતાકીય તપાસ પૂર્ણ થયા બાદ જ તેમની નોકરી ચાલુ થશે, આ સિવાય તેમના પર હુમલો કરનારા બે શકમંદોને પણ પોલીસે ઝડપી લીધા છે. રાણાને સ્થાનિક વકીલ ઉમંગ કાકરાન સાથે બબાલ થઈ હતી. ગત ગુરુવારે તેમણે કાકરાનને કેરેકટર સર્ટિ. તપાસ કર્યા વિના ઈશ્યૂ કરવાનો ઈનકાર કરી દીધો હતો. એવા પણ આક્ષેપ કરાઈ રહ્યા છે કે રાણાએ વકીલને લાફો પણ માર્યો હતો.

આ ઘટનાના બે દિવસ બાદ રાણાને નોકરીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા અને તેમની સામે ખાતાકીય તપાસ શરુ કરવામાં આવી હતી. પોતે સસ્પેન્ડ થયા તેના કલાકોમાં જ રાણા પર ચાર શખ્સોએ હુમલો કર્યો હતો. તમામ હુમલાખોરોએ માસ્ક પહેર્યું હતું, અને રાણા કરિયાણું ખરીદવા નીકળ્યા ત્યારે તેમના પર હુમલો કરાયો હતો. જેમાં તેમના પગમાં ફ્રેકચર થઈ જતાં તેમને હોસ્પિટલ લઈ જવાયા હતા.

રાણાએ જણાવ્યું હતું કે તેઓ કેરેકટર સર્ટિ.ના કાગળ પર તપાસ વિના સહી કરવા નહોતા ઈચ્છતા. જોકે, તેમણે તેના માટે ઈનકાર કર્યો ત્યારે તેમના પર દબાણ કરાયું હતું. ત્યારબાદ ઉમંગ કાકરાને તેમના વિરુદ્ઘ ફરિયાદ કરી દેતા તેમને સસ્પેન્ડ કરાયા હતા. ત્યારબાદ ભરબજારમાં તેમના પર હુમલો કરાયો હતો, હુમલાખોરોને પણ તેઓ જાણતા હતા. જયારે તેઓ તેમના વિરુદ્ઘ ફરિયાદ કરવા ગયા તો તેના માટે ઈનકાર કરી દઈ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ લખવામાં આવી હતી.

આ ઘટના બાદ તેઓ જિલ્લા એસપી ઓફિસમાં પોતાનું રાજીનામું આપવા પહોંચ્યા હતા. જોકે, તેમનું રાજીનામું નહોતું સ્વીકારાયું. ત્યારબાદ તેમણે એસપી, ડીઆઈજી અને એડીજીને રાજીનામું ઈમેલમાં મોકલ્યું હતું. આ મામલે બિજનૌરના એસપી ધર્મવીર સિંહે જણાવ્યું હતું કે એક એકિટવિસ્ટને લાફો મારવા બદલ પીએસઆઈને સસ્પેન્ડ કરાયા હતા. પોલીસે ઉમંગ કાકરાન સહિત બે આરોપીની ધરપકડ કરી છે. જોકે, રાણાએ પોતાને રાજીનામું આપ્યું હોવાનો તેમણે ઈનકાર કર્યો હતો.

(3:53 pm IST)