Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

કેન્દ્ર સરકારે ઓકિસજન નિકાસ ૭૦૦ ટકા સુધી વધારી દેતા કોરોના કાળમાં ઓકિસજનના અભાવે અનેક લોકોના મોત થયા : પ્રિયંકા ગાંધીના આક્ષેપો

ઓકિસજની અછતથી એક પણ મોત થયુ નથીઃ સ્વાસ્થ્ય રાજય મંત્રી ભારતી પ્રવિણ પવાર

નવી દિલ્હી: કોંગ્રેસ મહાસચિવ અને યુપી કોંગ્રેસના પ્રભારી પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર સરકારના ઓક્સીજનની કમીથી એક પણ મોત નહીના નિવેદનને લઇ પ્રહાર કર્યા છે. પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરી કોરોનાની બીજી લહેર દરમિયાન મોતના કારણ ગણાવ્યા હતા.

પ્રિયંકા ગાંધીએ કહ્યુ કે, મોત એટલા માટે થઇ કારણ કે મહામારીના વર્ષે સરકારે ઓક્સીજન નિકાસ 700 ટકા સુધી વધારી દીધી હતી. કારણ કે સરકારે ઓક્સીજન ટ્રાન્સપોર્ટ કરનારા ટેન્કરોની વ્યવસ્થા કરી નહતી.

પ્રિયંકા ગાંધીએ કહ્યુ કે, મોત એટલા માટે થઇ કારણ કે એંપાવર્ડ ગ્રુપ અને સંસદીય સમિતિની સલાહને નજરઅંદાજ કરી ઓક્સીજન ઉપલબ્ધ કરાવવાની કોઇ વ્યવસ્થા કરવામાં આવી નહતી. હોસ્પિટલમાં ઓક્સીજન પ્લાન્ટ લગાવવામાં કોઇ સક્રિયતા બતાવવામાં આવી નહતી. આ પહેલા રાહુલ ગાંધીએ પણ કેન્દ્રની મોદી સરકાર પર કોરોનાથી થયેલા મોતને લઇને પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યુ હતુ કે માત્ર ઓક્સીજનની કમી જ નહતી, સંવેદનશીલતા અને સત્યની ભારે કમી ત્યારે પણ હતી અને આજે પણ છે.

કેન્દ્રએ રાજ્યસભામાં આપ્યુ હતું નિવેદન

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રાજ્યસભામાં મંગળવારે કહેવામાં આવ્યુ કે કોરોના કાળ દરમિયાન ઓક્સીજનની કમીને કારણે એક પણ મોત થયુ નથી. આ નિવેદન રાજ્યસભામાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી આપવામાં આવ્યુ હતું. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યુ કે કોઇ પણ રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશે એમ નથી જણાવ્યુ કે કોઇ પણ મોત ઓક્સીજનની કમીને કારણે થયુ છે.

સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી ભારતી પ્રવીણ પવારે કહ્યુ કે, કોવિડ-19 મહામારીની બીજી લહેર દરમિયાન કોઇ પણ રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશમાં ઓક્સીજનના અભાવમાં કોઇ પણ દર્દીના મોતના સમાચાર મળ્યા નથી, તેમણે એક પ્રશ્નના લેખિત ઉત્તરમાં આ જાણકારી આપી હતી. કેન્દ્રના આ નિવેદન બાદ વિપક્ષ સરકાર વિરૂદ્ધ પ્રહાર કરવાના શરૂ કરી દીધા છે.

(5:34 pm IST)