Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

લદ્દાખ બાદ ચીન ઉત્તરાખંડ સરહદ પર સક્રિય : બારાહોતી સેક્ટરમાં સૈનિકોની તૈનાતી : જવાબ આપવા ભારત તૈયાર

ઇન્ડિયન એરફોર્સે પણ ચિન્યાલીસૌડ સહિત કેટલાક એરબેસને એક્ટિવ કરી દીધા

નવી દિલ્હી :લદ્દાખ બાદ હવે ચીન ઉત્તરાખંડ સરહદ પર પણ એક્ટિવ થતુ જોવા મળી રહ્યુ છે. 6 મહિનાથી વધુ સમય બાદ ચીની સેનાએ ઉત્તરાખંડમાં બારાહોતી સેક્ટરમાં ફરી એક વખત પોતાની એક્ટિવિટી વધારી છે. તાજેતરમાં જ અહી પીપલ્સ લિબ્રેશન આર્મી (પીએલએ)ના એક પ્લાટૂન જોવા મળ્યુ છે. આ બધુ એવા સમયે થઇ રહ્યુ છે જ્યારે તાજેતરમાં બન્ને દેશોના વિદેશ મંત્રીઓ વચ્ચે મુલાકાત થઇ છે અને તેમણે વાતચીત દ્વારા વિવાદને હલ કરવાની વાત દોહરાવી છે.

સુત્રોએ ન્યૂઝ એજન્સી એએનઆઇને જણાવ્યુ, તાજેતરમાં એક પ્લાટૂન (આશરે 35 સૈનિક) ઉત્તરાખંડના બરહોતી વિસ્તાર પાસે જોવા મળ્યા છે અને ત્યા સર્વે કર્યો છે. ઘણા લાંબા સમય બાદ ચીની સૈનિકોની આ વિસ્તારમાં ગતિવિધિ જોવા મળી છે. સુત્રોએ જણાવ્યુ કે વિસ્તારમાં ચીની સૈનિકોની હાજરી પર સતત નજર રાખવામાં આવી છે, તેમણે એમ પણ જણાવ્યુ કે ભારતીય પક્ષે અહી પુરતી વ્યવસ્થા કરી લીધી છે.

સુત્રોએ કહ્યુ કે સંરક્ષણ પ્રતિષ્ઠાનોનું માનવુ છે કે ચીની આ વિસ્તારમાં કેટલીક ગતિવિધિનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ સેન્ટ્રલ સેક્ટરમાં ભારતની ઓપરેશનલ તૈયારી ઘણી વધારે છે. સીડીએસ વિપિન રાવત અને સેન્ટ્રલ આર્મી ચીફ લે. જનરલ વાઇ દિમરીએ તાજેતરમાં આ સેક્ટરનો પ્રવાસ કર્યો હતો અને તૈયારીની સમીક્ષા કરી હતી.

સુત્રોનું કહેવુ છે કે બરહોતી પાસે એક એરબેસ પર ચીની ગતિવિધિ વધી ગઇ છે. અહી તેમણે મોટી સંખ્યામાં ડ્રોન્સની તૈનાતી કરી છે. ભારતે અહી વધારાના સૈનિકોને તૈનાત કરી દીધા છે અને કેટલાકને મહત્વના વિસ્તારમાં મોકલવામાં આવ્યા છે. ઇન્ડિયન એરફોર્સે પણ ચિન્યાલીસૌડ સહિત કેટલાક એરબેસને એક્ટિવ કરી દીધા છે. જ્યા AN-32 સતત લેન્ડ કરી રહ્યા છે. ચિનૂક હેલિકોપ્ટરોની તૈનાતી છે જે જરૂરત પડવા પર સૈનિકોને એક ઘાટીથી બીજી ઘાટીમાં પહોચાડી શકે છે

(6:52 pm IST)