Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

હોટશોટસમાં કામ માટે રાજે સંપર્ક કર્યાનો યૂટ્યૂબર પુનીત કૌરનો દાવો

પોર્ન ફિલ્મ કેસમાં વધુને વધુ સપડાતો રાજ કુંદ્રા : રાજ કુંદ્રાએ તેનો વીડિયો જોયા બાદ હોટશોટના વીડિયોમાં કામ કરવા સોશિયલ મીડિયા ઉપર મેસેજ કર્યાનો દાવો

મુંબઈ, તા.૨૧ : બોલિવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીનો પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રા અશ્લીલ ફિલ્મો બનાવવાના કેસમાં ખૂબ ખરાબ રીતે ફસતો જઈ રહ્યો છે. તેની વિરુદ્ધ પોલીસે પુરાવા ભેગા કરી લીધા છે, જેમાં તેની વોટ્સએપ ચેટ પણ સામેલ છે. અત્યારસુધીની પોલીસ તપાસમાં તે સ્પષ્ટ થઈ ગયું છે કે, રિપુ સુદન બાલકૃષ્ણ કુંદ્રા ઉર્ફે રાજ કુંદ્રા અશ્લીલ ફિલ્મો બનાવવાનું અને તેને વેચવાનું કામ કરી રહ્યો હતો. એક તરફ જ્યાં લોકો રાજ કુંદ્રાને દોષી ગણાવી રહ્યા છે, તો કેટલાક લોકો તેને ફસાવવાનું ષડયંત્ર હોવાનું કહી રહ્યા છે. હવે એક પોપ્યુલર યૂટ્યૂબર પણ રાજ કુંદ્રા સામે મેદાનમાં આવી ગઈ છે.

યૂટ્યૂબર પુનીત કૌરે સોશિયલ મીડિયામાં દાવો કર્યો છે કે, રાજ કુંદ્રાએ તેની કુખ્યાત એપ હોટશોટસના વીડિયોમાં કામ કરવા માટે સંપર્ક કર્યો હતો. પુનીતે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું છે કે, રાજ કુંદ્રાએ તેનો વીડિયો જોયા બાદ હોટશોટના વીડિયોમાં કામ કરવા માટે સોશિયલ મીડિયા પર મેસેજ કર્યો હતો.

બીજી ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પુનીતે લખ્યું છે કે, તેને પહેલા લાગ્યું હતું કે મેસેજ સ્પેમ છે. તેણે લખ્યું છે 'હું વિશ્વાસ નહોતી કરી શકતી કે, આદમી આટલો વાહિયાત છે. મને થયું હતું કે, મોકલવામાં આવેલો મેસેજ સ્પેમ હશે. હે ભગવાન આને જેલમાં સડવા દેજે'

સોમવારે રાતે રાજ કુંદ્રાની પોલીસે ધરપકડ કરી હતી. બાદમાં મંગળવારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

કોર્ટે સુનાવણી કરતાં ૨૩ જુલાઈ સુધી તેને કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. અશ્લીલ ફિલ્મો બનાવવા બદલ પોલીસે રાજ કુંદ્રા સિવાય અન્ય કેટલાકની પણ ધરપકડ કરી છે.

(7:44 pm IST)