Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

૯ બાળકના પિતા ધારાસભ્યનું વસ્તી નિયંત્રણ કાયદાને સમર્થન

વસતી નિયંત્રણ કાયદાની તરફદારી કરતા ધારાસભ્ય ફસાયા : ત્રણવાર ધારાસભ્ય બનેલા રામલલ્લુ વૈશ્યએ નવ સંતાનો અંગે કહ્યું કે આ તો ભગવાનની ઈચ્છાની વાત છે

ભોપાલ, તા.૨૧ : ઉત્તર પ્રદેશમાં વસ્તી નિયંત્રણ કાયદો આવ્યા બાદ અન્ય રાજ્યો પણ તેની તૈયારી કરી રહ્યા છે. જેમાં મધ્યપ્રદેશનો પણ સમાવેશ થાય છે. કાયદાનું સમર્થન કરતાં ભાજપના એક ધારાસભ્ય હાલ ચર્ચામાં આવ્યા છે, જે પોતે નવ બાળકોના પિતા છે. રામલલ્લુ વૈશ્ય નામના ધારાસભ્યનો એક વિડીયો હાલમાં વાયરલ થયો હતો, જેમાં તેમણે કાયદાની તરફદારી કરતા એવું કહ્યું હતું કે બાળકો તો ભગવાનની ઈચ્છાથી થાય છે.

મધ્યપ્રદેશની સિંગરૌલી બેઠક પરથી ત્રણવાર ધારાસભ્ય બનેલા રામલલ્લુ વૈશ્યએ વિડીયોમાં એવું પણ કહ્યું હતું કે તેમની ઉંમર હવે ૭૮ વર્ષ થઈ ગઈ છે. ૧૯૯૦થી તેમને કોઈ સંતાન નથી. પોતાના નવ સંતાનો અંગે તેમણે કહ્યું હતું કે તો ભગવાનની ઈચ્છાની વાત છે. આપણા હાથમાં કંઈ નથી. પરંતુ જો આજે વસ્તી નિયંત્રક કાયદો લવાશે, તો તે દરેક પર લાગુ પડશે.

પોતાના અન્ય એક વિડીયોમાં ધારાસભ્ય એવું પણ કહી રહ્યા છે કે, માત્ર હિંદુઓને ઓછા સંતાનો પેદા કરવા કહેવાશે અને, અને મુસ્લિમોને નહીં કહેવાય તો કઈ રીતે જનસંખ્યામાં વધારો રોકાશે? જો તેમને રોકી લેવાયા હોત તો અમે પણ રોકાઈ ગયા હોત.. મામલે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે એકવાર વિધાનસભામાં ખરડો રજૂ થઈ જાય ત્યારબાદ તેઓ કાયદા અંગે કંઈક કહી શકશે. હાલ તો પોતે એટલું કહી શકે કે તેઓ કાયદાના સમર્થક છે.

વૈશ્યએ મુસ્લિમો પર કરેલા નિવેદન અંગે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેમના નિવેદનનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે. તેમણે તો એવું કહ્યું હતું કે કાયદો દેશમાં બધા માટે સરખો હોવો જોઈએ. પછી તે મુસ્લિમ હોય, શિખ હોય, ખ્રિસ્તી હોય કે બીજા કોઈપણ ધર્મના લોકો. તેમણે જણાવ્યું હતું કે, લોકો મને પૂછે છે કે તમારે તો પોતાને નવ બાળકો છે.. આવો સવાલ કરનારાને કઈ રીતે સમજાવું કે તે મારા કાબૂમાં નહોતું. મારે ૧૯૯૦થી કોઈ સંતાન નથી. મારે બસ એટલું કહેવું છે કે કાયદો બધા માટે સરખો હોવો જોઈએ, તો હું તેનું સમર્થન કરીશ. જો મારા માટે કોઈ અલગ કાયદો હશે તો હું તેને શું કામ ટેકો આપું?

(7:46 pm IST)