Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

સંઘ વડા મોહન ભાગવતે કહ્યું-CAAથી કોઈપણ મુસ્લિમને કોઈપણ પ્રકારે મુશ્કેલી નહીં પહોંચાડે.

સીએએ અને એનઆરસીનો હિન્દુ-મુસ્લિમ વિભાજન સાથે કોઈ લેવા દેવા નથી : ગુવાહાટીમાં ભાગવતે કહ્યું કે માત્ર રાજકીય લાભ માટે સીએએ અને એનઆરસીને સાંપ્રદાયિક રૂપ આપવામાં આવ્યું

ગૌહાટી :રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતે  તાજેતરમાં કહ્યું હતું કે તમામ ભારતીયોના ડીએનએ એક છે. આ નિવેદન બાદ આજે આસામમાં આરએસએસના વડા મોહન ભાગવતે કહ્યું કે સીએએ કોઈ પણ મુસ્લિમને કોઈપણ પ્રકારે મુશ્કેલી નહીં પહોંચાડે. સીએએ અને એનઆરસીનો હિન્દુ-મુસ્લિમ વિભાજન સાથે કોઈ લેવા દેવા નથી. ગુવાહાટીમાં ભાગવતે કહ્યું કે માત્ર રાજકીય લાભ માટે સીએએ અને એનઆરસીને સાંપ્રદાયિક રૂપ આપવામાં આવ્યું છે.

મોહન ભાગવત બે દિવસની મુલાકાત માટે મંગળવારે સાંજે આસામ પહોંચ્યા હતા. આરએસએસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ભાગવતે આસામના જુદા જુદા પ્રદેશો અને અરુણાચલ પ્રદેશ, મણિપુર અને ત્રિપુરા જેવા અન્ય પૂર્વોત્તર રાજ્યોના આરએસએસના વરિષ્ઠ કાર્યકરો સાથે બેઠક કરી હતી. આમાં સંગઠનને લગતા વિષયો અને કોરોના મહામારીના યુગમાં સમાજ અને લોકોના કલ્યાણ માટે લોક કલ્યાણની બાબતોની ચર્ચા કરવામાં આવી હતી.

ગુવાહાટીમાં આરએસએસના વડા મોહન ભાગવતે, વિવિધતાના મુદ્દા ઉપર ભાર મૂકતા કહ્યું હતું કે, ‘ભારત પાસે બધું છે, આપણો ઇતિહાસ 4000 વર્ષોથી આપણી સાથે ચાલે છે, આટલી બધી વિવિધતા એકસાથે અને તે શાંતિપૂર્ણ રીતે ચાલી આવી છે. અને હજુ પણ ચાલી રહી છે.

જ્યારે એવા વિચારવા વાળા આવ્યા કે, એક થવા માટે એક જ પ્રકારની જરૂરીયાત છે ત્યારે અલગતા આવી. વિવિધતાથી કોઈને પણ કોઈ પ્રકારે તકલીફ નથી. આપણા દેશમાં અલગ અલગ રાજ્યો હતા ત્યારે પણ લોકો કાશ્મિરથી કન્યાકુમારી સુધી આવતા જતા હતા.

આ સમસ્યાથી આપણે ત્યારે સમજતા થયા કે જ્યારે કહેવાયુ કે એક જ ભગવાન રહેશે. એક જ પધ્ધતિ ચાલશે. 1930થી આયોજનબધ્ધ રીતે મુસ્લિમની જનસંખ્યા વધારવાની ઝુંબેશ ચાલી. કેટલાક સંજોગોને કારણે પાકિસ્તાન સર્જાયુ પણ આસામ ના મળ્યુ. બંગાળ ના મળ્યુ. કોરીડોર માગ્યો પણ મળ્યો નથી. અને પછી એ કરાયુ કે જે મળ્યુ તે મળ્યુ બાકીનું કેવી રીતે મેળવવુ.

કેટલાક લોકો હેરાન પરેશાન થઈને અહીયા આવતા હતા. પરંતુ જનસંખ્યા વધારવા માટે આવ્યા અને તેમને સહાય પણ મળી. એ લોકો એવુ વિચારવા લાગ્યા કે તેઓ જ્યા છે ત્યાં બધુ તેમની રીતે થશે.

મોહન ભાગવત મંગળવારે સાંજે બે દિવસીય મુલાકાતે આસામ પહોંચ્યા હતા અને એક બેઠક યોજી. આ બેઠકોમાં સંગઠન સાથે જોડાયેલ બાબતો અને મહામારીના સમયમાં, સમાજ અને લોકોના કલ્યાણ માટેના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

(8:51 pm IST)