Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

પીએમ મોદી અને સાઉદી અરબના વિદેશ મંત્રી વચ્ચે દ્વિપક્ષીય સહયોગ અને પ્રાદેશિક પરિસ્થિતિ અંગે ચર્ચા

ત્રણ દિવસની મુલાકાત બાદ પ્રિન્સ ફૈઝલ બિન રહેમાન અલ સઉદ રાત્રે ન્યૂયોર્ક જવા રવાના

નવી દિલ્હી :સાઉદી અરેબિયાના વિદેશ મંત્રી પ્રિન્સ ફૈઝલ બિન રહેમાન અલ સઉદ ત્રણ દિવસની ભારતની મુલાકાતે છે. આ દરમિયાન આજે એટલે કે 20 સપ્ટેમ્બરના રોજ તેઓ વડાપ્રધાન મોદીને મળ્યા હતા. બેઠક દરમિયાન દ્વિપક્ષીય સહયોગ અને પ્રાદેશિક પરિસ્થિતિ પર ચર્ચા કરી હતી .

બેઠક વિશે માહિતી આપતા પીએમ મોદીએ કહ્યું કે સાઉદી અરેબિયાના વિદેશ મંત્રી પ્રિન્સ ફૈઝલ બિન ફરહાન અલ સઉદનું સ્વાગત કરીને આનંદ થાય છે. આ દરમિયાન ચાલી રહેલી દ્વિપક્ષીય સહયોગની પહેલ અને પ્રાદેશિક પરિસ્થિતિ પર ચર્ચા કરવામાં આવી.

ત્રણ દિવસની મુલાકાત બાદ પ્રિન્સ ફૈઝલ બિન રહેમાન અલ સઉદ 20 સપ્ટેમ્બરની રાત્રે ન્યૂયોર્ક જવા રવાના થશે. પ્રિન્સ ફૈઝલ વિદેશ મંત્રી તરીકે પ્રથમ વખત ભારત આવ્યા છે. 19મી સપ્ટેમ્બરે પ્રિન્સ ફૈઝલે વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન અફઘાનિસ્તાનના ઘટનાક્રમ પર વિચાર વિમર્શ કરવામાં આવ્યો તેમજ રક્ષા, વ્યાપાર, રોકાણ અને ઉર્જાના ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને વધુ વધારવા પર પણ ચર્ચા કરવામાં આવી.

મંત્રણા પછી જયશંકરે બેઠકને “મૈત્રીપૂર્ણ અને ઉપયોગી” ગણાવી હતી અને અફઘાનિસ્તાન, ગલ્ફ પ્રદેશ અને ઈન્ડો-પેસિફિક પર અલ સઉદ સાથેના વિચારોનું “ખૂબ જ ઉપયોગી આદાન-પ્રદાન” કર્યું હતું. વિદેશ મંત્રીએ ટ્વીટર પર કહ્યું કે તેમણે જલદીથી સાઉદી અરેબિયા માટે સીધી ફ્લાઇટ્સ ફરી શરૂ કરવા આગ્રહ કર્યો અને તેઓએ કોવિડ સંબંધિત તમામ પડકારો પર સાથે કામ કરવા માટે સંમતિ દર્શાવી.

(12:15 am IST)