Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

સંપત્તિનો અસલી હકદાર કોણ નોમિની કે ઉત્તરાધિકારી ?

નવી દિલ્હી,તા. ૨૧: લોકો વારંવાર નોમિની અને ઉત્તરાધિકારીને એક જ સમજી લે છે. ખરેખર તે બંનેના અર્થ જ નહીં, અધિકારી પણ અલગ અલગ છે. નોમિની કોઇ પણ ચલ-અચલ સંપતિનો માલિક નથી હોતો. તે માત્ર તમારા પૈસાની સલામતી રાખનાર હોય છે. બીજી બાજુ કાનુની ઉત્તરાધિકારી તે હોય છે. જે વ્યકિતના નિધન પર તેની સંપતિ પ્રાપ્ત કરવા માટે સત્તાવાર રૂપે હકદાર છે, એમ વિશ્લેષકોનું માનવું છે.

કોઇ વીમા કંપનીની પોલીસીમાં નોમિની હોય કે બેન્ક ખાતામાં, પણ નોમિની હોવું માલિકીનો હક નથી આપતું જો ખાતા ધારકે કોઇને નોમિની બનાવ્યા છે. અથવા વીમા પોલીસીમાં વીમાધારકે કોઇને નોમિની બનાવ્યા છે તો તે નોમિની માત્ર લેવડદેવડ પુરતા સીમિત છે. જો બેન્ક અકાઉન્ટહોલ્ડરે કોઇ વસિયતનામુ બનાવ્યું અથવા વીમાધારકનું કોઇ વસિયત નથી તો રકમ તમામ કાયદાકીય વારસામાં બરાબર વહેંચાશે.

મિલ્કતના માલિકના મૃત્યુ પછી તેના સંબંધીઓને સંપતિ સોંપવામાં આવે છે. જન્મ ગ્રહણ કરવાની સાથે પૈતૃક સંપતિ પર ઉતરાધિકાર પ્રાપ્ત થાય છે. હિન્દુ ઉત્તરાધિકારી અધિનિયમ ૧૯૫૬ મુજબ પુત્ર, પુત્રી, વિધવા, માતા કલાસ-૧ ઉત્તરાધિકારીમાં આવે છે. જ્યારે પિતા, પુત્ર અને પુત્રીનો પુત્ર-પુત્રી, ભાઇ-બહેન  ભાઇ અને બહેનના સંતાનો કલાસ ૨ માં આવે છે. જો મૃતક મુસ્લિમ છે તો શરિયત કાનુન ૧૯૩૭ના હિસાબે સંપતિનો વારસ નક્કી થશે. ક્રિશ્ચિયનનો મામલે વારસ સામાન્ય રીતે ભારતી ઉત્તરાધિકાર અધિનિયમ ૧૯૨૫ હેઠળ નક્કી થાય છે. જેના હેઠળ પતિ, પત્ની, પુત્ર, અને પુત્રીઓને વારસદાર માનવામાં આવશે.

વિશ્લેષકો મુજબ જો કોઇ સંપત્તિનું વસિયત ન બનાવ્યું હોય તો તેનો નોમિની બેન્ક અકાઉન્ટમાંથી નાણા કાઢી શકે છે પણ તેના ઉત્તરાધિકારીનો બધા નાણા પર બરાબર દાવો હશે અને જો કલાસ-૧ ઉત્તરાધિકારીઓમાંથી કોઇ નહીં હોય તો કલાસ - બે ઉત્તરાધિકારીઓમાં બરાબર ભાગે મિલકત વહેચાશે.

(10:11 am IST)