Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

દેશમાં ૨૦૨૦માં બાળલગ્નોમાં ૫૦ ટકાનો ઉછાળો નોંધાયો

નિષ્ણાતોને મતે બાળલગ્નના દૂષણ અને પોલીસ સ્ટેશન સુધી પહોંચતા કેસની સંખ્યા એમ બંનેમાં વધારો

નવી દિલ્હી,તા. ૨૧: દેશની આઝાદી ૭૫ વર્ષ થયા  હોવા છતાં બાળલગ્નોના સામાજિક  દુષણમાં વધારો થઈ રહ્યો છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના ડેટા મુજબ ૨૦૨૦ના વર્ષમાં અગાઉના વર્ષની સરખામણીમાં દેશમાં બાળલગ્નના કેસોમાં આશરે ૫૦ ટકાનો ચિંતાજનક વધારો થયો હતો. જોકે નિષ્ણાતો જણાવે છે કે આનો માત્ર અર્થ એવો નથી કે બાળલગ્નની ઘટનામાં વધારો થયો છે, પરતુ તેનો અર્થ એવો પણ છે  કે બાળલગ્નની ઘટના પોલીસ સ્ટેશન સુધી પહોંચી હોય તેવા કિસ્સામાં પણ વધારો થયો છે.

નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો (NCRB) ના ડેટા મુજબ વર્ષ ૨૦૨૦માં બાળલગ્ન નિવારણ ધારા હેઠળ કુલ ૨૮૫ કેસ નોંધાયા હતા. બાળલગ્નના સૌથી વધુ કેસ કર્ણાટકમાં નોંધાયા હતા. કર્ણાટકમાં બાળલગ્નના ૧૮૪, આસામમાં ૧૩૮, પશ્ચિમ બંગાળમાં ૯૮, તમિલનાડુમનાં ૭૭ અને તેલંગણામાં ૬૨ કેસ નોંધાયા હતા.

આની સામે ૨૦૧૯માં ૫૨૩ કેસ અને ૨૦૧૮માં ૫૦૧ કેસ નોંધાયા હતા. ૨૦૧૮માં બાળલગ્નના ૫૦૧, ૨૦૧૭માં ૩૯૫, ૨૦૧૬માં ૩૨૬ અને ૨૦૧૫માં ૨૯૩ કેસ નોંધાયા હતા.

ભારતના કાયદા મુજબ જો યુવતિ ૧૮ વર્ષથી ઓછી ઉમરની હોય અથવા યુવક ૨૧ વર્ષથી નાની ઉમરનો હોય અને લગ્ન થાય તો તેને બાળલગ્ન ગણવામાં આવે છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર બાળલગ્નના કેસોમાં આ વધારાનો અર્થ માત્ર એવો નથી કે આવા લગ્નોમાં ઉછાળો આવ્યો છે. આનો અર્થ એવો પણ થાય છે કે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યા હોય તેવા બાળલગ્નના કેસ વધ્યાં છે. ઘણા કેસો પોલીસ સ્ટેશન સુધી પહોચતા નથી.

એનજીઓ સંજોગના સ્થાપક સભ્ય રૂપ સેને જણાવ્યું હતું કે બાળલગ્નની ઘટનામાં વધારા માટે સંખ્યાબંધ પરીબળો કારણભૂત છે. તે બાળલગ્નોની સંખ્યા અને પોલીસ સ્ટેશન સુધી પહોંચતા આવા કેસની સંખ્યા એમ બંનેમાં વધારો દર્શાવે છે. સગીર યુવતી પ્રેમમાં પડીને ભાગીને લગ્ન કરે તેવા કેસોમાં પણ વધારો થયો છે. તેનાથી પણ બાળલગ્નોની સંખ્યા વધી છે. તેમણે જણાવ્યું હતું કે સગીર યુવક યુવતીના સંખ્યાબંધ કેસોમાં પોસ્કો લાગુ કરવામાં આવ્યો છે.

કલકતા હાઇ કોર્ટના એડવોકેટ કૌશિક ગુપ્તાએ જણાવ્યું હતું કે રાજય સરકારો, ડીએમ, સ્થાનિક પંચાયતો બાળલગ્નના ઘટનાઓ પ્રત્યે વધુ સાવધ બન્યાં છે. તેમણે જણાવ્યું હતું કે 'મને લાગતું નથી કે બાળલગ્નમાં ક્રમિક વધારો થઈ રહ્યો છે, પરંતુ લાગે છે કે આવા પોલીસ કેસોમાં વધારો થઈ રહ્યો છે. વધુ મહત્ત્વનું એ છે કે રાજય સરકારો, ડીએમ, સ્થાનિક પંચાયતો બાળલગ્નના ઘટનાઓ સામે વધુ સાવધ બન્યાં છે, તેથી પોલીસ કેસોમાં વધારો થયો છે. વહીવટીતંત્ર આવા કેસ અટકાવાની તેમની કાર્યક્ષમતા દર્શાવવા માગે છે અને આખરે જાહેર કરે છે કે કેટલાં બાળલગ્નો અટકાવ્યા.

(10:13 am IST)