Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

GST.. વેપાર બંધ કર્યા પછીનું રિટર્ન હવે પાછલી તારીખમાં નહીં ભરાય

મૃત્યુના કિસ્સામાં મરણના દાખલા પહેલા જીએસટીનું રિટર્ન ભરવાની નોબત : અગાઉ ધંધો બંધ કરી છેલ્લા રિટર્નમાં જુની તારીખ દર્શાવી શકાતી હતી

મુંબઇ,તા. ૨૧: વેપાર બંધ કરવામાં આવ્યા બાદ જીએસટીનું છેલ્લું રિટર્ન જીએસટીઆર ૧૦ ભરપાઇ કરવાનું હોય છે. પહેલા આ રિટર્ન બેથી ત્રણ મહિના બાદ પણ ભરી શકાતું હતું, પરંતુ જીએસટી પોર્ટલ પર એક મહિનાની અંદર જ તેને ફાઇલ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. જેથી જૂની તારીખમાં જીએસટીઆર ૧૦ ફાઇલ કરવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

કોઇ પણ વેપારી દ્વારા અથવા તો વેપારી પેઢીમાં કોઈનું મૃત્યુ થાય તો વેપાર બંધ કરીને અન્ય નામે વેપાર શરૂ કરવામાં આવતો હોય છે. આ માટે જીએસટીઆર ૧૦ ભરવાનો નિયમ જીએસટીમાં બનાવવામાં આવ્યો છે. જેથી પહેલા વેપારીઓ પેઢી બંધ કરાવવા માટે વેપાર બંધ કર્યાના બેથી ત્રણ મહિના પછી પણ  અરજી કરતા હતા.

જયારે જીએસટી પોર્ટલ પર ૧ હવેથી જૂની તારીખમાં વેપાર બંધ  કર્યાનું દર્શાવવાનું જ બંધ કરી  દેવામાં આવ્યું છે. તેના કારણે  વેપારીએ અરજી કરતા પહેલાં તમામ મહિનાઓના રિટર્ન તે નીલ ભરવાના હોય તો તે પણ ભર્યા પછી જ અરજી સ્વીકારવામાં આવશે. જેથી વેપારીની ભાગીદારી પેઢીમાં કોઇનું મૃત્યુ થાય અને પેઢી બંધ કરવાની આવે તો મરણનો દાખલો કઢાવતા પહેલા વેપારી પેઢી બંધ કરવા માટેની અરજી કરવી પડે તેવી નોબત સર્જાઇ છે. 

રિટર્ન બાકી હોય તો અરજી નામંજૂર કરાતા પરેશાની

વેપાર બંધ કર્યા બાદ રિટર્ન ભરવાના બાકી રહી ગયા હોય તેવા કિસ્સામાં પણ અધિકારીઓ દ્વારા અરજી નામંજૂર કરી દેવામાં આવે છે. તેના કારણે વેપારીઓને પરેશાની થઇ રહી છે, કારણ કે અરજી નામંજુર થયા બાદ નવેસરથી અરજી કરવાની રહેતી હોય છે. તે દરમિયાન વેપારીએ ફરીથી રિટર્ન ભરવાની સ્થિતિ ઊભી થાય છે. આવા કિસ્સામાં મોડું રિટર્ન ભરાવાના કારણે વેપારી પાસેથી દંડની પણ વસૂલાત કરવામાં આવતી હોય છે જયારે જીએસટીના નિયમ પ્રમાણે અરજી મજર કરવામાં આવ્યા બાદ પણ ટેકસ વસુલાત તો ઊભી જ રહેતી હોવાનો નિયમ છે. તેમ છતાં તેનો અમલ કરવાના બદલે વેપારીઓને પરેશાન કરાઇ રહ્યા હોવાની પણ ફરિયાદ ઊઠી છે.

(10:16 am IST)