Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

ભાજપ સાંસદનો બકવાસ : રાકેશ ટિકૈત ડકૈત : આંદોલન પાછળ આતંકી ફંડિંગ!

આંદોલનમાં કોઈ ખેડૂત નથી. આ રાજકીય પક્ષોના લોકો છે, જે શીખિસ્તાન અને પાકિસ્તાનથી પ્રેરિત છે.

નવી દિલ્હી :કૃષિને લગતા ત્રણ કાયદાઓ કેન્દ્ર સરકારે પસાર કર્યા હતા જેની સામે ગયા વર્ષે નવેમ્બરથી ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. તો સાથે સાથે ખેડૂતોના આંદોલનને લઈને ભાજપના નેતાઓના વિવાદાસ્પદ નિવેદનો પણ સામે આવ્યા છે. હવે તેમાં એક નવું નામ ઉમેરાયું છે. તે નામ છે અક્ષયવર લાલ ગોંડ, બહરાઈચથી ભાજપના સાંસદ છે.

યોગી સરકારના સાડા ચાર વર્ષ પૂરા થવા પર બહરાઈચમાં આયોજિત કાર્યક્રમ બાદ મીડિયા સાથે વાતચીત કરતા સાંસદ અક્ષયવર લાલ ગોન્ડે બીકેયુના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈત અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ભાજપના સાંસદે રાકેશ ટિકૈતને 'ડાકુ' કહ્યા છે. એટલું જ નહીં સાંસદે કહ્યું કે ખેડૂતોનું આંદોલન આતંકવાદી ભંડોળથી ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે આંદોલનમાં કોઈ ખેડૂત નથી. આ રાજકીય પક્ષોના લોકો છે, જે શીખિસ્તાન અને પાકિસ્તાનથી પ્રેરિત છે.

સાંસદે કહ્યું કે, જો ખેડૂતો વિરોધ કરે તો અમને ખાદ્ય ચીજો નહીં મળે. ભોજન ઉપલબ્ધ ન થાય. સફરજન, દાડમ અને અનાજ ન મળે. તેમણે કહ્યું કે આંદોલન પાછળ વિદેશમાંથી આવતા આતંકવાદી ભંડોળ અંગે કોઈ શંકા નથી. તપાસ એજન્સીઓ તેની તપાસ કરી રહી છે. સાથે જ આ નિવેદન બાદ ભારતીય કિસાન યુનિયનના કાર્યકર્તાઓમાં રોષ છે. સોમવારે ખેડૂતોએ BKU ના જિલ્લા પ્રમુખ ઓમ પ્રકાશ વર્માના નિવાસસ્થાને સાંસદ સામે કેસ કરવાની માંગણી સાથે પ્રદર્શન કર્યું હતું. આ સાથે જો માંગણી પૂરી ન થાય તો ટ્રાફિક જામ અને પ્રદર્શનની ચેતવણી આપવામાં આવી છે.

(11:10 am IST)