Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

મુંદ્રાથી ઝડપાયેલ હેરોઇનનો જથ્થો ર૦,૯૦૦ કરોડનો હોવાનો ધડાકો

ટેલ્કમ પાવડર ગણાવીને ડ્રગ્સની ઇમ્પોર્ટ થતી હતીઃ ૬ દિવસની તપાસ બાદ જથ્થાની કિંમત ર૦,૦૦૦ કરોડથી વધુ હોવાનું ખુલ્યું : ડીઆરઆઇ દ્વારા અમદાવાદ, મુંદ્રા, ચેન્નાઇ, વિજયવાડા અને દિલ્હીમાં દરોડા : ચેન્નાઇ સ્થિત દંપતી તથા મુંબઇમાંથી વધુ ૩ ની ધરપકડઃ હજુ અનેક કન્ટેનરો રસ્તામાં હોવાનું પણ ખુલ્યું

નવી દિલ્હી, તા., ૨૧: ડીઆરઆઇએ  ૧૫ સપ્ટેમ્બરે મુંદ્રા પોર્ટ ઉપરથી ર કન્ટેનર જપ્ત કર્યા હતા. તેઓની પાસે માહીતી હતી કે આમા ભારતમાં સપ્લાય માટે ડ્રગ્સ લઇ જવામાં આવી રહી છે. પ્રારંભીક અનુમાનો અનુસાર ડ્રગ્સની કિંમત ૩પ૦૦ કરોડ રૂપીયા હતી પરંતુ ૬ દિવસની તપાસ બાદ ૨૦,૯૦૦ કરોડ રૂપીયાથી વધુનો જથ્થો હતો. આમાં મોટા પ્રમાણમાં હેરોઇન છે.  ટેલકોમ પાવડરની આડમાં તે ઇનપુટ કરાતું હતું.

મળતી માહીતી અનુસાર ચેન્નાઇના એક દંપતી ગોવિંદ રાજુ દુર્ગાપુર્ણ વૈશાલી અને તેના પતિ મચ્છવરમ સુધાકરે આ કન્ટેનરની ઇમ્પોર્ટ કરવાનો દાવો કર્યો હતો અને કહયું હતું કે તેઓ ટેલ્કમ પાવડર આયાત કરે છે. તેઓની વિજયવાડા સ્થિત કંપની આશી ટ્રેડીંગ કંપની ઇમ્પોર્ટર હતી.  એક્ષ્પોર્ટ કરનાર કંપની કંદહાર સ્થિત હસન હુસેન લીમીટેડ છે.

ચેન્નાઇ સ્થિત દંપતીની ધરપકડ કરવામાં આવી છે અને તેઓને ભુજની કોર્ટમાં રજુ કરાયા છે અને ૧૦ દિવસની રિમાન્ડ ઉપર લેવાયા છે. ડ્રગ્સની સપ્લાય અફઘાનીસ્થાનથી કરવામાં આવી હતી. આ પહેલા ઇરાનના એક અબ્બાસ પોર્ટ ઉપર મોકલવામાં આવી હતી અને પછી આ કન્ટેનરોમાં મુંદ્રા માટે રવાના કરવામાં આવેલ હતો.

ડીઆરઆઇ તપાસ કરી રહેલ છે અને અમદાવાદ, મુંદ્રા, ચેન્નાઇ, વિજયવાડા અને દિલ્હીમાં દરોડા પાડવામાં આવી રહયા છે. મુંબઇમાં વધુ ૩ ની ધરપકડ થઇ છે. બે અફઘાન હોવાનું કહેવાય છે. એવી પણ સંભાવના છે કે આવા વધુ કન્ટેનરો હજુ રસ્તામાં છે.

વિજયવાડામાં આવેલ આશા કંપની પ્રકાશમાં આવી છે. રાતોરાત આ કંપની તપાસ એજન્સીના રડારમાં આવી છે. રૂ.ર૦,૯૦૦ કરોડનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો. બે કન્ટેનરોમાં ર૯૮૮ કિલો  હિરોઇનનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો. વિજયવાડા પોલીસ કમિશ્નરના કહેવા મુજબ જથ્થો દિલ્હી મોકલવાનો હતો.

(3:20 pm IST)