Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

ન્યૂઝીલેન્ડની મહિલા ક્રિકેટ ટીમને ઈંગ્લેન્ડમાં ધમકીઓ મળીઃ હોટલો અને વિમાનોમાં બોમ્બ મુકાશે

ન્યૂઝીલેન્ડની વુમન્સ ટીમ હાલમાં ઈંગ્લેન્ડના પ્રવાસે છેઃ બંને ટીમો વચ્ચે આજે ત્રીજી વનડે લેસેસ્ટરમાં રમાશે

લંડન,તા.૨૧: ન્યૂઝીલેન્ડની મહિલા ક્રિકેટ ટીમને ઇંગ્લેન્ડમાં બોમ્બની ધમકી મળી હોવાના અહેવાલ છે. ધમકીમાં ટીમ હોટલમાં બોમ્બ મૂકવાની વાત કરવામાં આવી હતી. આ મામલો સામે આવ્યા બાદ ન્યૂઝીલેન્ડ ટીમની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ન્યૂઝીલેન્ડની મહિલા ક્રિકેટ ટીમ હાલમાં ઈંગ્લેન્ડના પ્રવાસે છે અને વનડે સીરિઝ રમી રહી છે.

બંને ટીમો વચ્ચે ત્રીજી વનડે આજે ૨૧ સપ્ટેમ્બરે લેસેસ્ટરમાં રમાવાની છે. એક અહેવાલ અનુસાર, ન્યૂઝીલેન્ડની ટીમના એક ખેલાડીનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે, ટીમ હોટલમાં બોમ્બ મૂકવામાં આવશે. આ સાથે ન્યૂઝીલેન્ડ જતા વિમાનમાં બોમ્બ મુકવાની ધમકી પણ આપવામાં આવી હતી.

ન્યૂઝીલેન્ડના ખેલાડીઓએ ટ્રેનિંગ પણ નહોતી કરી. આ પછી એવું માનવામાં આવતું હતું કે, કદાચ ત્રીજી વનડે નહીં હોય. પરંતુ ન્યુઝીલેન્ડ ટીમના પ્રવકતાએ કહ્યું કે, હજુ સુધી આવું કશું વિચારવામાં આવ્યું નથી.

આ બાબત વિશે માહિતી આપતા પ્રવકતાએ કહ્યું કે, જેમ કે બધા જાણે છે, ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડને ન્યૂઝીલેન્ડ ક્રિકેટને ધમકી આપતો ઇમેઇલ મળ્યો છે. જો કે તે મહિલા ટીમ વિશે કહેવામાં આવ્યું નથી પરંતુ તેને ગંભીરતાથી લેવામાં આવી છે અને તપાસ કરવામાં આવી છે. આમાં કશું મૂળભૂત નહોતું. ન્યૂઝીલેન્ડની મહિલા ટીમ લેસેસ્ટર પહોંચી ગઈ છે. તેમની સુરક્ષા વધારવામાં આવી છે. 

ન્યૂઝીલેન્ડના પ્રવકતાએ ધમકીને પગલે ટીમે તાલીમ રદ કરી હોવાના અહેવાલોને નકાર્યા હતા. તેમણે કહ્યું કે ટીમને આજે પ્રેકિટસ કરવાની જરૂર નહોતી , ન્યૂઝીલેન્ડ ક્રિકેટ આ મામલે કશું કહેશે નહીં. તે જ સમયે, અહેવાલોમાં કહેવામાં આવી રહ્યું છે કે ધમકી બાદ કેટલાક ખેલાડીઓ ડરી ગયા છે.

(3:27 pm IST)