Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

આવકવેરા તપાસમાં ખુલાસો

અનિલ દેશમુખે ૧૭ કરોડની આવક છુપાવી હતી

મુંબઇ, તા.૨૧: મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખે ૧૭ કરોડ રૂપિયાની આવક છુપાવી છે. દેશમુખ અને તેના પરિવારે દ્યણી બનાવટી કંપનીઓમાં નાણાંની લેવડદેવડ કરી હતી. આવકવેરા વિભાગે આ અંગે સ્પષ્ટતા કરી છે. આવકવેરા વિભાગે આ સંદર્ભમાં એક પત્ર જારી કર્યો છે.

આવકવેરા વિભાગે સોમવારે આ માહિતી આપી હતી. આવકવેરા વિભાગે દેશમુખ અને તેમના પરિવાર સાથે જોડાયેલા ટ્રસ્ટમાં નાણાંની લેવડદેવડમાં ગેરરીતિ પણ શોધી કાઢી છે. સેન્ટ્રલ બોર્ડ ફોર ડાયરેકટ ટેકસએ સ્પષ્ટતા કરી હતી કે સર્ચ દરમિયાન જાણવા મળ્યું છે કે ૧૭ કરોડ રૂપિયાની આવક છુપાવવામાં આવી છે.

આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર નાગપુરની એક અગ્રણી જાહેર હસ્તી અને તેના પરિવારના સભ્યોના સંદર્ભમાં ભૂતકાળમાં તપાસ કરવામાં આવી છે અને જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. કુટુંબ નાગપુર અને મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં શિક્ષણ ક્ષેત્ર, વેરહાઉસિંગ અને કૃષિ વ્યવસાય ક્ષેત્રમાં કામ કરે છે. નાગપુર, મુંબઈ, નવી દિલ્હી અને કોલકાતામાં સંબંધિત ૩૦ થી વધુ સ્થળો પર દરોડા પાડીને તપાસ અને સર્વે હાથ ધરવામાં આવ્યા છે. આ કામગીરીમાં દ્યણા ગુનાહિત કાગળો અને ડિજિટલ પુરાવા જપ્ત કરવામાં આવ્યા છે.

દેશમુખ પરિવારે દ્યણા બિનહિસાબી નાણાકીય વ્યવહારો કર્યા છે. જેમાં મની લોન્ડરિંગ, બોગસ જવાબદારી રસીદો, ટ્રસ્ટના નામે રોકડમાં બિનહિસાબી ખર્ચનો સમાવેશ થાય છે. મની લોન્ડરિંગ દ્વારા દિલ્હીની બનાવટી કંપનીઓમાં ૪.૪૦ કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. ટ્રસ્ટની ત્રણ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ૧૨ કરોડ રૂપિયાથી વધુનો દુરુપયોગ થયો છે.

તપાસમાં થયેલા ખુલાસા મુજબ દેશમુખ પરિવારની ૧૭ કરોડની આવક છુપાયેલી છે. ઘણા લોકરો પણ મળી આવ્યા છે. તપાસ દરમિયાન, દ્યણા બેંક લોકર બાબતે બેંકોને પ્રતિબંધિત આદેશો આપવામાં આવ્યા છે. આ અંગે વધુ તપાસ ચાલુ છે. આવકવેરા વિભાગે આ અંગે સ્પષ્ટતા કરી હતી.

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ પર મની લોન્ડરિંગ અને ૧૦૦ કરોડ રૂપિયાની ખંડણી માટે કેસ નોંધવામાં આવ્યો છે. CBI અને ED તેમની તપાસ કરી રહ્યા છે. અગાઉ ઇડીએ રિકવરી કેસમાં અનિલ દેશમુખ સામે લુક આઉટ નોટિસ જારી કરી હતી. આ નોટિસ બાદ અનિલ દેશમુખ હવે દેશ છોડી શકશે નહીં. ED એ અત્યાર સુધી ૫ વખત અનિલ દેશમુખને સમન્સ પાઠવ્યું છે. પરંતુ અનિલ દેશમુખ કયારેય પૂછપરછ માટે હાજર થયા ન હતા.

(3:47 pm IST)