Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

સાકીનાકા બળાત્કાર મામલે વિશેષ સત્ર મામલે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું ગુજરાતમાં વિધાનસભાનું મહિનાનું સત્ર બોલાવવું જોઈએ

મહારાષ્ટ્રના રાજ્યપાલે બે દિવસીય વિશેષ સત્ર બોલાવવા સૂચન કરતા ઠાકરેએ કહ્યું આ મુદ્દો માત્ર સાકીનાકા પૂરતો મર્યાદિત નથી. એ રાષ્ટ્રવ્યાપી છે :ભાજપ શાસિત ગુજરાતમાં છેલ્લાં બે વર્ષમાં 14,229 મહિલાઓ ગુમ : દરરોજ ઓછામાં ઓછી 14 મહિલા બળાત્કાર કે જાતીય હુમલાનો ભોગ બને છે.

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ રાજ્યના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરને સાકીનાકા બળાત્કાર મામલે વિધાનસભાનું બે દિવસીય વિશેષ સત્ર બોલાવવા સૂચન કર્યું હતું.

રાજ્યપાલના આ પત્રનો જવાબ આપતાં મુખ્ય મંત્રીએ ગુજરાત, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર જેવાં રાજ્યોમાં મહિલાઓ વિરુદ્ધ થતાં અત્યાચારો ગણાવ્યા છે અને ગુજરાતમાં મહિલાઓની સુરક્ષાના મામલે એક મહિનાનું વિશેષ સત્ર બોલાવવાની માગ કરી છે.

મંગળવારે ઉદ્ધવ ઠાકરેએ રાજ્યપાલને પત્ર લખ્યો અને મહિલાઓની સુરક્ષા પર સંસદનું વિશેષ સત્ર બોલાવવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી અમિત શાહને સૂચન કરવાની સલાહ આપી.

પોતાના પત્રમાં ઠાકરેએ લખ્યું, "સાકીનાકાની ઘટના બાદ આપે મહિલાઓની સુરક્ષા માટે ચિંતા વ્યક્ત કરી. અમે પણ ચિંતિત છીએ, પણ આ મુદ્દો માત્ર સાકીનાકા પૂરતો મર્યાદિત નથી. એ રાષ્ટ્રવ્યાપી છે."

"પીડિતાઓ તમારી તરફ મીટ માંડીને બેઠી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને દેશમાં મહિલાઓ વિરુદ્ધ થતા અત્યાચારો અંગે સંસદનું ચાર દિવસનું વિશેષ સત્ર બોલાવવા લખો. ત્યાં સાકીનાકાની ઘટનાની પણ ચર્ચા કરો."

તેમણે એવું પણ કહ્યું કે આ ઘટનાએ રાજ્ય, દેશ અને સમગ્ર સમાજને કાળી ટીલી લગાડી છે.

તેમણે ઉમેર્યું "રાજ્ય સરકાર આ મામલે કડક પગલાં ભરી રહી છે અને રાષ્ટ્રીય સ્તરે આ મામલે ચર્ચા થવી જોઈએ."

પત્રમાં તેમણે દાવો કર્યો કે ભાજપશાસિત ગુજરાતમાં છેલ્લાં બે વર્ષમાં 14,229 મહિલાઓ ગુમ થઈ છે.તેમણે લખ્યું, "ગુજરાત પોલીસનો રિપોર્ટ જણાવે છે કે દરરોજ ઓછામાં ઓછી 14 મહિલા બળાત્કાર કે જાતીય હુમલાનો ભોગ બને છે. આ આંકને પગલે ગુજરાતને તો એક મહિના સુધીનું લાબું સત્ર બોલાવવું જોઈએ."

તેમણે લખ્યું, "ગુજરાત અને મહારાષ્ટ્ર બન્ને જોડિયા ભાઈઓ છે. ગુજરાત સાથે અમારો લાગણીનો સંબંધ છે. ગત સમયમાં અમદાવાદમાંથી 2908 મહિલા ગુમ થઈ છે. વર્ષ 2015થી મહિલાઓ વિરુદ્ધના અત્યાચારો ચરમ પર છે."

"મહેસાણા, રાજકોટ, વડોદરા, અમદાવાદ ગ્રામ્ય, છોટા ઉદેપુર, સુરત ગ્રામ્ય, જામનગર, પાટણ જેવા વિસ્તારોમાં મહિલાઓ પર અત્યાચારની ઘટનામાં વધારો થયો છે."

(9:05 pm IST)