Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

કેમિકલ ઉદ્યોગમાં કારમી મંદી : નિકાસમાં ૨૫%નો ઘટાડો

યુક્રેન અને રશિયા વચ્‍ચે યુધ્‍ધ બાદ કેમિકલની નિકાસમાં ઘટાડો નોંધાતા અનેક એકમોને અસર : ડોમેસ્‍ટિક માર્કેટ સાથે વિદેશોમાં પણ ડિમાન્‍ડ ઓછી હોવાથી કેટલાક એકમો મુશ્‍કેલીમાં

નવી દિલ્‍હી,તા. ૨૧: રશિયા અને યૂક્રેન વચ્‍ચે છેલ્લા છ મહિનાથી ચાલી રહેલા યુદ્ધને લીધે કેમિકલ ઉદ્યોગ પર મોટી અસર પડી છે. રશિયા પર મુકાયેલા પ્રતિબંધને લીધે યુરોપ સહિત દુનિયાના કેટલાક દેશોમાં ઊર્જા સંકટ સર્જાયું છે. જેથી ત્‍યાં કેટલીક ઇન્‍ડસ્‍ટ્રી બંધ થવાની રાહ પર છે. જેની સીધી અસર કેમિકલ ઉદ્યોગ પર પડી છે. વિદેશોમાં ડાઇઝ અને કેમિકલના નિકાસમાં ૨૫ ટકાનો ઘટાડો થયો છે. બીજી બાજુ ભારતમાં પણ ટેક્‍સ્‍ટાઇલ, ફાર્મસી, એગ્રીકલ્‍ચર સહિત તમામ ક્ષેત્રોમાં મંદીના લીધે સ્‍થાનિક બજારમાં પણ કેમિકલ વેપાર ઘટયો છે. જેથી કેમિકલ ઉદ્યોગમાં હાલ મુશ્‍કેલીનો દોર છે. મોટા એકમોને પણ નુકસાન ટાળવા માટે યુનિટો બંધ રાખવાની નોબત આવી છે.

કેમિકલ ઉદ્યોગનાં સૂત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ સુરત અને દક્ષિણ ગુજરાત સહિત રાજયભરમાં મોટાપાયે કેમિકલ ઉદ્યોગ ફેલાયો છે. સુરત અને દક્ષિણ ગુજરાતના કેમિકલ એકમોમાં ડાઇ અને અલગ-અલગ ઇન્‍ડસ્‍ટ્રીમાં વપરાતા કેમિકલ તૈયાર કરવામાં આવે છે. આ કેમિકલ ટેક્‍સ્‍ટાઇલ, ફાર્મસી, એગ્રીકલ્‍ચર સહિત અનેક ઉદ્યોગોમાં વેચવામાં આવે છે. તે સિવાય કેટલાક ઉદ્યોગકારો અહીંથી જર્મની, ફ્રાંસ, સ્‍પેન, થાઇલેન્‍ડ, ઇન્‍ડોનેશિયા, અમેરિકા, બ્રાઝીલ સહિતના દેશોમાં નિકાસ કરવામાં આવે છે. છેલ્લા છ મહિનાથી કેમિકલ ઉદ્યોગની હાલત બગડી છે. મોટા ઉદ્યોગકારોનું કહેવુ છે કે હાલ તેઓ નુકશાન કરીને યુનિટો ચાલુ રાખી રહ્યા છે જયારે નાના અને મધ્‍યમ યુનિટો તો બંધ થઇ જાય તેવી આશંકા વર્તાઇ રહી છે.

ઉદ્યોગકારોનું કહેવું છે કે વૈશ્વિક સ્‍તરે મંદીની અસર કેમિકલ ઉદ્યોગ પર જોવા મળી રહી છે. રશિયા અને યૂક્રેન વચ્‍ચે યુદ્ધ બાદ પરિસ્‍થિતિ વણસી ગઇ છે. રશિયા દુનિયાના અનેક દેશોમાં નેચરલ ગેસનો પુરવઠો પૂરો પાડે છે. યુદ્ધ શરૂ થયા બાદ દુનિયાના કેટલાક દેશોએ રશિયાની નિંદા કરી હતી અને ત્‍યાંથી કોઇ પણ આર્થિક વ્‍યવહાર નહીં રાખવાનો નિર્ણય લેતા આયાત પર પ્રતિબંધ મૂક્‍યો હતો. ત્‍યારબાદથી ઉદ્યોગો માટે મુશ્‍કેલી શરૂ થઇ છે. અમેરિકા, યુરોપ સહિતના દેશોમાં કેટલાક ઔદ્યોગિક એકમોમા નેચરલ ગેસ નહીં મળતા ઉત્‍પાદન બંધ કરવામાં આવ્‍યું છે. જેને લીધે ત્‍યાંના એકમોએ કેમિકલની આયાત પણ બંધ કરી છે, જેથી સ્‍થાનિક કેમિકલ ઉદ્યોગના અસ્‍તિત્‍વ સામે જોખમ ઊભું થયું છે. મંદીના લીધે કેમિકલ યુનિટોમાં ૫૦ ટકા ઉત્‍પાદન કાપ મૂકવામાં આવ્‍યો છે. કેટલાક મોટા યુનિટો પણ બંધ રાખવાની ફરજ પડી રહી છે. ડિમાન્‍ડના અભાવે આખો વેપાર ડિસ્‍ટર્બ થતા ઉદ્યોગકારો નાણાકીય સંકટ પણ અનુભવી રહ્યા છે. ઉદ્યોગકારોનું કહેવું છે કે નજીકના દિવસોમાં સમસ્‍યાનો અંત દેખાતો નથી.

 

નિકાસમાં ૨૫ ટકાનો ઘટાડો

રશિયા અને યૂક્રેન વચ્‍ચે યુદ્ધને લીધે દુનિયાના કેટલાક દેશોમાં રશિયાના નેચરલ ગેસ સહિતની વસ્‍તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્‍યો છે, જેથી ત્‍યાં ઔદ્યોગિક સંકટ સર્જાતા સુરત અને દેશભરમાંથી નિકાસ થતા ડાઇઝ અને કેમિકલમાં ઘટાડો થયો છે. તે સિવાય ઘરેલુ બજારમાં પણ ટેક્‍સ્‍ટાઇલ, ફાર્મસી, એગ્રીકલ્‍ચર સહિત તમામ ક્ષેત્રોમાં મંદી હોવાથી કેમિકલ ઉદ્યોગ સામે સંકટ સર્જાયું છે.

- કેમિકલ ઉદ્યોગકાર

(10:38 am IST)