Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

આધુનિક ટેક્નોલોજીથી રાજુ શ્રીવાસ્તવની અટોપ્સી કરાઈ : એમ્સમાં દેશનું પહેલુ વર્ચ્યુઅલ પોસ્ટમોર્ટમ

સ્કેનમાં શરીરનો તે ભાગ પણ દેખાય છે જે જૂની પોસ્ટમોર્ટમ ટેકનિકમાં દેખાતો નથી. સમગ્ર પ્રોસેસને લાઈવ જોઈ શકાય

નવી દિલ્હી : કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું એમ્સમાં 42 દિવસની સારવાર બાદ નિધન થયું હતું. તેમના મૃત્યુ બાદ તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. એમ્સમાં આધુનિક ટેકનિકથી તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. જેમાં કોઇપણ પ્રકારની ચીર ફાડ કરવી પડી ન હતી. પોસ્ટમોર્ટમ પછી એમ્સના ફોરેન્સિક સાયન્સ ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ ડો. સુધીર ગુપ્તાએ  જણાવ્યું કે રાજુ શ્રીવાસ્તવના શરીર પર કોઈ ઈજાના નિશાન નથી. તેમને કહ્યું કે તેમના હાથ પર માત્ર ઈન્જેક્શનના નિશાન છે, તે પણ એટલા માટે કે તેમને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેઓ છેલ્લા 42 દિવસથી સારવાર લઈ રહ્યા હતા.  

સામાન્ય રીતે મૃત્યુ પછી મૃતકના સગા-સંબંધીઓ પોસ્ટમોર્ટમ કરાવવા માંગતા નથી. તેનું કારણ એ છે કે પોસ્ટમોર્ટમની પદ્ધતિને કારણે લોકોને ખૂબ જ તકલીફ પડે છે. એમ્સ નવી દિલ્હીમાં દક્ષિણ એશિયાની પહેલી વર્ચ્યુઅલ ફોરેન્સિક લેબ ખુલી છે. એમ્સના ફોરેન્સિક વિભાગના પ્રમુખ સુધીર ગુપ્તાએ જણાવ્યું કે કોઈપણ પ્રકારના ચીર-ફાડની જરૂર નથી. કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું પોસ્ટમોર્ટમ આ ટેકનિકથી કરવામાં આવ્યું હતું.

ડોક્ટર સુધીર ગુપ્તાએ જણાવ્યું કે મૃતકના શરીરને પહેલા રેમ્પ પર સુવડાવવામાં આવે છે. ત્યારબાદ તેના આખા શરીરનું સીટી સ્કેન કરવામાં આવે છે. આ સ્કેનમાં શરીરનો તે ભાગ પણ દેખાય છે જે જૂની પોસ્ટમોર્ટમ ટેકનિકમાં દેખાતો નથી. સમગ્ર પ્રોસેસને લાઈવ જોઈ શકાય છે અને ઈચ્છા મુજબ પોસ્ટમોર્ટમનો ઘણી વખત અભ્યાસ કરી શકાય છે.

ડોક્ટર સુધીર ગુપ્તાએ જણાવ્યું કે આ ટેકનિક લાવવી જોઈએ કે નહીં અથવા મૃત્યુ પછી મૃતકનું પોસ્ટમોર્ટમ કરવું જોઈએ કે નહીં, એમ્સ તરફથી એક સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં 99 ટકા લોકોએ કહ્યું કે તેઓ ઈચ્છતા નથી કે મૃત્યુ બાદ તેમના પરિવારના સભ્યનું પોસ્ટમોર્ટમ કરવામાં આવે.

ડોક્ટર સુધીર ગુપ્તાએ જણાવ્યું હતું કે આ આધુનિક માર્ચરીના અભ્યાસ માટે એમ્સના ડોકટરોની ટીમે અમેરિકા અને યુરોપની મુલાકાત લીધી હતી. ત્યાંથી અભ્યાસ બાદ જર્મની અને અન્ય દેશોની ટેકનોલોજીનો સહારો લેવામાં આવ્યો. સમગ્ર વર્ચ્યુઅલ માર્ચરી બનાવવા માટે લગભગ 10 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

ડોક્ટર સુધીર ગુપ્તાએ જણાવ્યું કે જૂની ટેકનિકમાં ચિનથી નીચે સુધી શરીરના ચીરા કરવામાં આવતા હતા. ત્યારબાદ અભ્યાસ કર્યા પછી બોડીને સારી રીતે ટાંકા લેવામાં આવ્યા હતા જેથી શરીરમાંથી કોઈપણ પ્રકારનું ફ્લુઈડ બહાર ન આવે. આ સમગ્ર પ્રક્રિયામાં ઘણો સમય લાગતો હતો. કેટલીકવાર આ પ્રક્રિયામાં કલાકો લાગી જતા હતા.

(7:40 pm IST)