Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

પેટીએમ પેમેન્ટ્સ બેંકને મોટો ઝટકો : રિઝર્વ બેંકે ફટકાર્યો એક કરોડનો દંડ

અધિકૃતતાનું અંતિમ પ્રમાણપત્ર મેળવવા માટે અરજીની તપાસ કરતા પેટીએમ પેમેન્ટ્સ બેન્કે એવી માહિતી આપી છે જે વાસ્તવિક સ્થિતિને પ્રતિબિંબિત કરતી નથી.

નવી દિલ્હી : દેશની અગ્રણી પેમેન્ટ બેન્કોમાંની એક પેટીએમ  પેમેન્ટ્સ બેન્કને મોટો આંચકો લાગ્યો છે. વાસ્તવમાં, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ નિયમોના ઉલ્લંઘન માટે Paytm પેમેન્ટ્સ બેંક લિમિટેડને ફટકાર લગાવી છે. જેમાં PPBLને એક કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ દંડ ચુકવણી અને સમાધાનની કલમ 6 (2) ના ઉલ્લંઘન બદલ  ફટકારવામાં આવ્યો છે.

રિઝર્વ બેન્ક દ્વારા જાહેર કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે પેટીએમ(Paytm) પેમેન્ટ્સ બેંકનો કેસ પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ એક્ટના નિયમોના  ભંગ  સાથે  જોડાયેલો  છે. કેન્દ્રીય બેંકે જણાવ્યું હતું કે અધિકૃતતાનું અંતિમ પ્રમાણપત્ર મેળવવા માટે પેટીએમ પેમેન્ટ્સ બેંકની અરજીની તપાસ કરતા અમને જાણવા મળ્યું છે કે પેટીએમ પેમેન્ટ્સ બેન્કે એવી માહિતી આપી છે જે વાસ્તવિક સ્થિતિને પ્રતિબિંબિત કરતી નથી

 

આરબીઆઈએ શોધી કા્ઢયું કે પેટીએમ પેમેન્ટ્સ બેન્કે એવી માહિતી આપી છે જે વાસ્તવિક સ્થિતિને પ્રતિબિંબિત કરતી નથી. “આ ચુકવણી અને સમાધાન પ્રણાલી અધિનિયમની કલમ 26 (2) નું ઉલ્લંઘન હોવાથી પેટીએમ પેમેન્ટ્સ બેંકને નોટિસ આપવામાં આવી હતી.

વ્યક્તિગત સુનાવણી દરમિયાન મળેલા લેખિત જવાબો અને મૌખિક માહિતીની સમીક્ષા કર્યા બાદ, આરબીઆઈને આક્ષેપો સાચા હોવાનું જણાયું હતું. તેની બાદ PPBLપર દંડ ફટકારવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

પેટીએમ પેમેન્ટ્સ બેંક ઉપરાંત આરબીઆઈએ અન્ય કેસમાં વેસ્ટર્ન યુનિયન ફાઈનાન્સિયલ સર્વિસ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી હતી. સેન્ટ્રલ બેન્કે વેસ્ટર્ન યુનિયનને 27.8 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સેન્ટ્રલ બેંકે કહ્યું કે વેસ્ટર્ન યુનિયન દ્વારા મની ટ્રાન્સફર સર્વિસ સ્કીમ (MTSS) ના કેટલાક નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. વેસ્ટર્ન યુનિયનને નાણાકીય વર્ષમાં 30 થી વધુ રેમિટન્સની મંજૂરી આપવા બદલ દંડ કરવામાં આવ્યો છે.

તાજેતરમાં જ RBI એ દેશની સૌથી મોટી સરકારી બેંક SBIને પણ દંડ ફટકાર્યો હતો. RBI એ નિયમનકારી સૂચનાઓનું પાલન ન કરવા બદલ SBI પર 1 કરોડ રૂપિયાનો દંડ કર્યો છે. SBI પર આ કાર્યવાહી ભારતીય રિઝર્વ બેંક (ફ્રોડ્સ વર્ગીકરણ અને વાણિજ્યિક બેંકો અને પસંદગીની નાણાકીય સંસ્થાઓ દ્વારા રિપોર્ટિંગ) નિર્દેશો 2016 ના નિર્દેશોના ભંગ બદલ કરવામાં આવી હતી.

(12:39 am IST)