Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

કેપ્ટન અમરિન્દર સિંહની ગઠબંધન ઓફર ભાજપ માટે પંજાબમાં સાબિત થઈ શકે છે ગેમચેન્જર

અકાલી દળ સાથે સંબંધ તૂટ્યા બાદ પંજાબમાં બીજેપીને એક મજબૂત સાથીની જરૂર છે

ચંડીગઢ,તા.૨૧: પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહેં કોંગ્રેસ સાથે કડવો અધ્યાય સમાપ્ત કરી નાખ્યો છે અને તેઓ આગામી વિધાનસભા ચૂંટણીમાં નવી પાર્ટી બનાવીને ઉતરવાની તૈયારીમાં છે. નવી પાર્ટીની જાહેરાત સાથે કેપ્ટને બીજેપી સાથે સંભવિત ગઠબંધન તરફ પણ ઈશારો કર્યો છે. બીજેપી પણ કેપ્ટનના માધ્યમથી રાજયમાં પોતાની પકડ મજબૂત કરવાનો પ્રયત્ન કરશે. જોકે, કેપ્ટને કિસાન આંદોલનના સમાધાન જેવી શરત પણ મૂકી છે.

પંજાબ બીજેપીના મહાસચિવ સુભાષ શર્માનું કહેવું છે, કેપ્ટને બીજેપી સાથે ચૂંટણી પૂર્વે ગઠબંધનની ઈચ્છા જાહેર કરી છે જે સ્વાગતને યોગ્ય પગલું છે. પંજાબના લોકોની ભલાઈ માટે કોઇપણ ગઠબંધન અમને સ્વીકાર્ય છે. રાજયમાં બીજેપી અને અકાલી દળ વચ્ચે નવા કૃષિ કાયદાઓને લઈને સંબંધ તૂટી ગયા છે. હવે બીજેપી લીડરશિપને આશા છે કે કેપ્ટન તેમને એક એવો ચહેરો આપી શકે છે જે કોંગ્રેસ, આપ, અકાલી દળ-બીએસપીનો વિકલ્પ બની શકે છે. ૨૦૧૭ના વિધાનસભા ચૂંટણીમાં બીજેપી અને અકાલી દળે સાથે મળીને ૧૧૭માંથી ૧૮ સીટ જીતી હતી. બીજેપીએ દાવો કર્યો હતો કે અકાલી દળની સરકાર વિરુદ્ઘ એન્ટી ઇન્કમબન્સીના કારણે આવું થયું. બીજેપીને એ ચૂંટણીમાં ત્રણ સીટો મળી હતી.

શર્માએ કહ્યું કે પંજાબ કોંગ્રેસમાં ઉથલપાથલ હોવા છતાં અમરિન્દરની લોકપ્રિયતા યથાવત છે. તેઓ કહે છે- સૌથી મોટી વાત એ છે કે રાષ્ટ્રહિતના મુદ્દા પર તેઓ સ્ટેન્ડ લે છે. બીજેપીની વિચારધારા પણ કંઈક આવી જ છે. પંજાબમાં કેપ્ટનનું કદ બહુ મોટું છે. દરેક સમુદાય તેમનો આદર કરે છે. જો તેમની સાથે ગઠબંધન થાય તો અમે રાજયમાં મજબૂત શકિત બનીને ઉભરશું.

શર્માનું કહેવું છે કે, રાજયના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની સને રાજય કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિધ્ધુ વચ્ચે વિવાદ હવે ચાલતો રહશે. આગામી મહિનાઓમાં બંને વચ્ચેનો વિવાદ સાર્વજનિક રૂપે સામે આવી જશે. તો અન્ય વિકલ્પ આપની પાસે પણ એક લોકપ્રિય ચહેરાની કમી છે. એટલા માટે આ ગઠબંધન (કેપ્ટન-બીજેપી)થી રાજયના લોકોને ફાયદો મળશે.

શર્માનું માનવું છે કે, કેટલાંક વિસ્તારોમાં પાર્ટીને એક સેકશનથી વિરોધનો સામનો કરવો પડી શકે છે. પરંતુ કેટલાંય એવા વિસ્તાર છે જે બીજેપીના મજબૂત કિલ્લા છે. તેઓએ જણાવેલ કે, ગઠબંધન પર વાતચીત તો કેન્દ્રીય લીડરશિપ કરશે પણ ગ્રાઉન્ડ પર બીજેપીના કાર્યકર્તા એ પાર્ટીઓ સાથે મળીને કામ કરશે જે પંજાબનું ભલું ઈચ્છે છે.

કિસાનોના મુદ્દાને ઉકેલવાની કેપ્ટનની શરત પર શર્મા કહે છે, કેન્દ્ર સરકાર પહેલા પણ કિસાનો સાથે વાતચીત કરી ચૂકી છે. જો એ જ દિશામાં પ્રયત્ન કરવામાં આવે તો કિસાનોના ફાયદા માટે કંઈક સમાધાનની આશા રાખી શકાય છે.

(10:58 am IST)