Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

જેલમાં મુલાકાત દરમિયાન રડયો આર્યન ખાન : શાહરૂખે હિંમત આપીને રાખ્યો શાંત

શાહરૂખ ખાન આજે સવારે આર્થર રોડ જેલમાં બંધ દીકરાને મળવા માટે પહોંચ્યો હતોઃ બંને વચ્ચે ૧૫ મિનિટ વાત થઈ હતી : જેલમાં વ્યકિતગત મુલાકાત પરનો પ્રતિબંધ હટાવી લેવાતા દીકરાને મળ્યો શાહરૂખ ખાન

મુંબઇ, તા.૨૧: શાહરૂખ ખાને આજે સવારે આર્થર રોડ જેલમાં આર્યન ખાન સાથે મુલાકાત કરી હતી. ૩ ઓકટોબરે નાર્કોટિકસ કંટ્રોલ બ્યૂરો દ્વારા દીકરાની ધરપકડ થયા બાદ બોલિવુડ સુપર સ્ટાર પહેલીવાર જાહેરમાં દેખાયો હતો. જેલમાંથી કોવિડ-૧૯ના ધ્યાનમાં રાખીને વ્યકિતગત મુલાકાત પર મૂકવામાં આવેલા પ્રતિબંધને હટાવી લેવાતા શાહરૂખને આર્યનને મળવાની મંજૂરી મળી હતી.

ઈન્ડિયા ટુડેના રિપોર્ટ પ્રમાણે, શાહરૂખ ખાને આશરે ૧૫ મિનિટ સુધી જેલના અધિકારીઓની ઉપસ્થિતિમાં આર્યન ખાન સાથે વાત કરી હતી. રિપોર્ટ પ્રમાણે, મુલાકાત દરમિયાન આર્યન ખાન ભાવુક થઈ ગયો હતો. તો શાહરૂખે તેને હિંમત આપી હતી.

બોમ્બે હાઈકોર્ટે આર્યન ખાનની જામીન અરજી પર ૨૬મી ઓકટોબરે સુનાવણી કરવાનું નક્કી કર્યું છે. આર્યનના વકીલ સતિષ માનેશિંદેએ શુક્રવારે અથવા સોમવારે સુનાવણી કરવાની વિનંતી કરી હતી પરંતુ એનસીબીના એએસજી અનિલ સિંહે કહ્યું હતું કે, તેમણે હજી કોપી આપી નથી. વધુમાં, કોર્ટે વીડિયો કોલ દ્વારા સુનાવણી કરવાની માનેશિંદેની વિનંતીને નકારી હતી અને આર્યનની સુનાવણી આવતા મંગળવારે કરવામાં આવશે.

૨૦મી ઓકટોબરે એનડીપીએસ કોર્ચે આર્યન ખાનની જામીન અરજી નામંજૂર કરી હતી અને સ્ટાર કિડની લીગલ ટીમ તરત જ આદેશ સામે હાઈકોર્ટમાં ગઈ હતી. હાલ, આર્યન ખાન ક્રૂઝ પર થનારી કથિત રેવ પાર્ટીમાથી ઝડપાયેલા અન્ય સાથે આર્થર રોડ જેલમાં છે. આર્યનની જામીન અરજી નામંજૂર થયા બાદ તેના પર પ્રતિક્રિયા આપતા એનસીબીના ડિરેકટર સમીર વાનખેડેએ 'સત્યમેવ જયતે' કહ્યું હતું.

૩ ઓકટોબરે ધરપકડ થયા બાદ આર્યન ખાન બે અઠવાડિયાથી આર્થર રોડ જેલમાં બંધ છે. ૧૧ ઓકટોબરે શાહરૂખ ખાને દીકરાના કેન્ટિનના ખર્ચા માટે મની ઓર્ડર દ્વારા ૪૫૦૦ રૂપિયા મોકલ્યા હતા. ગયા અઠવાડિયે, ૧૨ દિવસ બાદ આર્યનને વીડિયો કોલ દ્વારા માતા-પિતા સાથે વાત કરવાની તક મળી હતી. જેલના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે 'આર્યને તેની માતાનો નંબર આપ્યો હતો. તેણે વીડિયો કોલ દ્વારા ૧૦ મિનિટ સાથે તેમની સાથે વાતો કરી હતી.

(3:27 pm IST)