Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

ઉત્તરાખંડમાં ભારે વરસાદ-પૂરથી ૭૦૦૦ કરોડનું નુકશાન

આકાશી આફત ત્રાટકતા કુલ ૫૨ લોકોના મોતઃ ૬૮૦૦૦ લોકોને સલામત સ્‍થળે પહોંચાડાયાઃ આજે ગૃહમંત્રી શાહ દ્વારા હવાઈ નિરીક્ષણ : હાલ રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં: સંખ્‍યાબંધ પૂલ અને રસ્‍તા તૂટી ગયાઃ ઉભો પાક સાફ થઈ ગયો

નવી દિલ્‍હી, તા. ૨૧ :. ઉત્તરાખંડમાં બે દિવસમાં વરસાદી તાંડવ બાદ હવે હવામાન ચોખ્‍ખુ થયુ છે. હવે સેના, વહીવટી તંત્ર અને એનજીઓએ રાહત બચાવ કાર્ય શરૂ કર્યુ છે. ભારે વરસાદથી સૌથી વધુ નુકશાન કુમાઉ જિલ્લામાં થયુ છે. અત્‍યાર સુધી ૪૯ લોકોના મોતની પુષ્‍ઠી થઈ છે તો ગઢવાલ ક્ષેત્રમાં આવેલ પોંડી જિલ્લામાં ૩ નેપાળી શ્રમિકોના મોત થયા છે. આ કુલ મૃત્‍યુઆંક ૫૨નો થયો છે. નુકશાનની વાત કરીએ તો કુમાઉ મંડલમાં ૧૫ પૂલ તૂટી ગયા છે, ૬ હાઈવે બંધ છે, ૯૨ સંપર્ક માર્ગ બંધ છે, ૨૧૭ મકાન અને દુકાનને નુકશાન થયુ છે અને ૬૮૦૦૦ લોકોને બચાવાયા છે. મુખ્‍યમંત્રી ધામીએ જણાવ્‍યુ છે કે લગભગ ૭૦૦૦ કરોડનું નુકશાન થયુ છે. પર્વત વિસ્‍તારમાં ફસાયેલા પ્રવાસીઓ અને ગ્રામીણોને રેસ્‍કયુ કરવા આજથી સેના હેલીકોપ્‍ટર અભિયાન ચલાવશે. આજે ગૃહમંત્રી શાહ હવાઈ નિરીક્ષણ કરવાના છે.
સૂત્રોના જણાવ્‍યા પ્રમાણે કુદરતી આફતમાં નૈનીતાલ તથા અલમોડા જિલ્લામાં સૌથી વધુ નુકશાન થયુ છે. ઉધ્‍ધમશીનગરમાં પાક ધોવાઈ ગયો છે. અહીં ૧૫ પૂલ તૂટી ગયા છે. ચંપાવત અને પિથોરાગઢ હાઈવે બંધ થઈ ગયો છે. નૈનીતાલ જિલ્લાના મુકતેશ્વર અને રામગઢમાં પણ ભારે નુકશાન થયુ છે. અહીં રેસ્‍કયુ અભિયાન ચાલુ છે. હવાઈ દળના બે હેલીકોપ્‍ટરોએ મોરચો સંભાળ્‍યો છે. અહીં ૬ હાઈવે તથા ૯૨ સંપર્ક માર્ગ બંધ છે. ૨૧૭ મકાનો અને દુકાનોને નુકશાન થયુ છે.
આ દરમિયાન સમગ્ર કુમાઉમાં ૬૮૦૦૦ લોકોને સલામત સ્‍થળે પહોંચાડાયા છે. નૈનીતાલથી લગભગ ૧૦૦૦ પ્રવાસીઓ સવારે માર્ગ ખુલતા જ રવાના થઈ ગયા છે. જીમ કોર્બેટ પાર્ક સાવ ખાલી છે. અહીં ભારે નુકશાન થયુ છે.

 

(11:05 am IST)