Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

ભિંડ નજીક એરફોર્સનુ મિરાજ તુટી પડ્યું :પાયલોટનો આબાદ બચાવ

વિમાન ક્રેશ થયા બાદ માંકબાગ ગામના ખેતરમાં પડી ગયું:વિસ્ફોટનો અવાજ સાંભળીને ગામના લોકો ભેગા થઈ ગયા

વાયુસેનાનું મિરાજ વિમાન  ભીંડ નજીક ક્રેશ થયું છે. મિરાજને મુખ્ય પાયલોટ અભિલાષ ઉડાવી રહ્યાં હતા, જેઓ વિમાન ક્રેશ થાય તે પહેલા જ પેરાશૂટ સાથે સલામત રીતે બહાર આવ્યા હતા. વિમાન ક્રેશ થયા બાદ માંકબાગ ગામના ખેતરમાં પડી ગયું હતું. તેના વિસ્ફોટનો અવાજ સાંભળીને ગામના લોકો ભેગા થઈ ગયા.

ગ્રામજનોએ ક્રેશ થયેલા મિરાજની તસવીરો તેમના મોબાઈલમાં કેપ્ચર કરી હતી, મિરાજના પાયલોટે સુરક્ષિત રીતે નીચે પેરાશૂટથી ઉતરાણ કર્યું હતું, આ તમામ તસ્વીરો થોડીવારમાં જ વાયરલ થઈ હતી. ઘટનાની જાણ થતાં ભીંડ પોલીસ અને એરફોર્સના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સ્થળ પરથી ભીડને હટાવીને બચાવ કામગીરી શરૂ કરી હતી.

પોલીસ અને સત્તાવાર સૂત્રોએ પ્રાથમિક માહિતીને ટાંકીને જણાવ્યું હતું કે, એરફોર્સનું આ વિમાન ભીંડના ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં ક્રેશ થયું હતું. આ વિમાન મિરાજ હોવાનું કહેવાય છે. તેનો કાટમાળ આસપાસના વિસ્તારમાં ફેલાઈ ગયો. સૂત્રોએ જણાવ્યું કે વિમાન ઉડાવનાર પાયલોટની ઓળખ ફ્લાઈટ લેફ્ટનન્ટ અભિલાષ તરીકે થઈ છે. જેઓ નજીકના ખેતરમાંથી મળી આવ્યા હતા તેમને ગ્રામજનો અને પોલીસની મદદથી સલામત સ્થળે લઈ જવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી જણાવે છે કે વિમાને ગ્વાલિયરના એરફોર્સ એરપોર્ટ પરથી ટેકઓફ થયુ હતુ. પરંતુ ટેકઓફ થયાના થોડા સમય બાદ અકસ્માત સર્જાયો હતો.

(12:52 pm IST)