Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને મળી દિવાળીની ભેટ : ડીએમાં ૩ ટકાનો વધારો

કેન્દ્રીય કેબીનેટે લીધો નિર્ણયઃ હાલ ૨૮ ટકા ડીએ મળે છે જે હવે વધીને ૩૧ ટકા થશેઃ ૧ કરોડ કર્મચારીઓ-પેન્શનરોને ફાયદો : ૧લી જુલાઈથી અમલી બનશેઃ ડીએનો વધારો આપી સરકારે કર્મચારી વર્ગને રાજીના રેડ કરી દીધા

નવી દિલ્હી, તા. ૨૧ :. દિવાળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને સરકારે એક મોટી ગીફટ આપી છે. કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં ૩ ટકા વધારાને મંજુરી આપી છે.

આજે યોજાયેલી કેબીનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ડીએમાં ૩ ટકાના વધારા સાથે હવે મોંઘવારી ભથ્થુ ૩૧ ટકા થઈ જશે. આ ડીએ વધારાનો લાભ ૧ કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોન મળશે. અત્રે નોંધનીય છે કે જુલાઈમાં સરકારે મોંઘવારી ભથ્થામા ૧૧ ટકાનો વધારો કરી તેને ૨૮ ટકા કર્યુ હતું. આ પહેલા ડીએનો દર ૧૭ ટકા હતો.

છેલ્લા ૩ મહિનાના ગ્રાહક ભાવાંકના આધારે સંકેત મળ્યો હતો કે સરકાર મોંઘવારી ભથ્થુ વધારશે. સરકારનો આજનો નિર્ણય ૧લી જુલાઈથી અમલી બનશે. હવે ૩ ટકાના વધારા સાથે ડીએ વધીને ૩૧ ટકા થઈ ગયુ છે.  કેન્દ્રીય કર્મચારીના મોંઘવારી ભથ્થામા વર્ષમાં બે વાર વધારો થાય છે. જો કોઈ કર્મચારીનું મૂળ વેતન ૨૦ હજાર હોય તો તેને મોંઘવારી ભથ્થા તરીકે અત્યારે ૫૬૦૦ રૂ. મળે છે. આ રકમ મૂળ વેતનના ૨૮ ટકા છે. જો ડીએમાં ૩ ટકાનો વધારો ઉમેરીએ તો કર્મચારીને નવુ ડીએ રૂ. ૬૨૦૦ થશે. એટલે કે તેને ૬૦૦નો વધારો મળશે. મોંઘવારી ભથ્થુ વધવાથી બીજા એલાઉન્સમાં પણ વધારો થશે. જેમાં ટ્રાવેલ અને સીટી એલાઉન્સ સામેલ છે. પીએફ અને ગ્રેચ્યુટીમાં પણ ફાયદો થશે.

(3:09 pm IST)