Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

૧૦ ફૂટનો વિરાટકાય સાપ જોઈ લોકો ચૌંકયાઃ હટાવવા માટે ક્રેન બોલાવવી પડી

કેરેબિયન દેશ ડોમિનિકામાં એક વિરાટકાય સાપને હટાવવા માટે ક્રેનની મદદ લેવી પડી હતી

નવી દિલ્હી, તા.૨૧: આ ઘટનાનો એક વિડિયો સામે આવ્યો છે અને તેમાં દેખાતા સાપને દુનિયાનો સૌથી મોટો સાપ કહેવામાં આવી રહ્યો છે. ડોમિનિકાના રેન ફોરેસ્ટમાં મળેલો આ સાપ ઓછામાં ઓછો ૧૦ ફૂટ લાંબો હતો અને તેને હટાવવા માટે ક્રેન બોલાવવામાં આવી હતી. ક્રેનથી તેને પકડવામાં આવ્યો ત્યારે પણ તે હરકરત કરી રહ્યો હતો અને તેને જોઈને ક્રેન ઓપરેટર પણ હેરાન થઈ ગયો હતો.

આ સાપ ખતરનાક બોઆ કંસ્ટ્રિકટર નામની પ્રજાતિનો મનાય છે. આ પ્રજાતિના સાપ ૧૨ થી ૧૩ ફૂટ લાંબા હોય છે. આ પ્રકારના સાપ હુમલો કરતા પહેલા પોતાના શિકારને ચારે તરફથી જકડી લે છે અને દાંત વડે બટકા ભરી શિકારને મોતને ઘાટ ઉતારી દે છે.

જોકે વિડિયોમાં દેખાતો સાપ બોઆ કંસ્ટ્રિકટર પ્રજાતિનો છે કે કેમ તે સ્પષ્ટ થઈ શકયુ નથી. ડોમિનિકા ટાપુ દેશ માત્ર ૨૯ માઈલ લાંબો અને ૧૬ માઈલ પહોળો છે પણ વન્ય જીવો માટે તે સૌથી અનુકુળ મનાય છે અને એટલા માટે તેને કુદરતના ટાપુ તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ વિરાટકાય સાપને જંગલમાં કામ કરતા લોકોએ પહેલા જોયો હતો અને બાદમાં તેને હટાવવા માટે ક્રેન બોલાવવી પડી હતી.

(3:51 pm IST)