Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

વૈજ્ઞાનિકોએ પણ માન્યું

ઉપવાસ કરવાથી શરીરને થાય છે અઢળક ફાયદાઓ

ઓછું ભોજન લેવું આપણા સ્વાસ્થ્ય માટે હંમેશા ફાયદાકારક માનવામાં આવે છેઃ પરંતુ હાલ ઉંદરો પર થયેલા સંશોધનમાં પણ આ વાતનો ખુલાસો થયો છેઃ આ અભ્યાસમાં સામે આવ્યું છે કે, ઉંદરોને ઓછું ખાવાથી ફાયદો થયો છે

નવી દિલ્હી, તા.૨૧: ભારતીય સંસ્કૃતિમાં ઉપવાસને હંમેશા મહત્વનો માનવામાં આવ્યો છે. આપણા પૂર્વજોએ પણ ઉપવાસના અનેક ફાયદાઓ વર્ણવ્યા છે. જયારે મુસ્લિમ સમુદાયમાં રોઝા રાખવાની પરંપરા છે અને તેના પણ અનેક ફાયદાઓ છે. ઓછું ભોજનલેવું આપણા સ્વાસ્થ્ય માટે હંમેશા ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ હાલ ઉંદરો પર થયેલા સંશોધનમાં પણ આ વાતનો ખુલાસો થયો છે. આ અભ્યાસમાં સામે આવ્યું છે કે, ઉંદરોને ઓછું ખાવાથી ફાયદો થયો છે. તેનાથી તેમનું સ્વાસ્થ્ય સારું અને ઉંમર લાંબી થઈ છે. સંશોધકોએ અભ્યાસ માટે ઉંદરોના વિવિધ ખોરાક પર સંશોધન કર્યુ અને જાણવા મળ્યું કે, એક દિવસમાં ખોરાકમાં ઓછી કેલેરી ખાતા ઉંદરો લાંબુ જીવન જીવે છે.

અભ્યાસમાં સામે આવેલી સૌથી રસપ્રદ વાત તે છે કે એક દિવસમાં વારંવાર ઓછી કેલેરીવાળો ખોરાક લેનાર ઉંદરોની સરખામણીએ એક સાથે ઓછી કેલેરીવાળો ખોરાક લેનાર ઉંદરો વધુ જીવે છે. નેચર મેટાબોલિઝમમાં પ્રકાશિત આ અભ્યાસમાં દર્શાવ્યા અનુસાર, જે ઉંદરો એક દિવસમાં એક જ વખત ખાય છે તેનું મેટાબોલિઝમ વધુ સારું જોવા મળ્યું છે.

ઉપવાસનું મહત્વ સદીઓથી આપણે જાણીએ છીએ અને વૈજ્ઞાનિકો પણ આ વાત લાંબા સમયથી જાણે છે કે ઓછી કેલેરી વાળા ખોરાક ઉંદરોનું જીવન લંબાવી શકે છે. પરંતુ આ પહેલા ઉંદરો પર અને કેલેરી મર્યાદિત કરનાર અભ્યાસમાં તેમનો ખોરાક દિવસમાં એક વખત ભોજન કરવા સુધી મર્યાદિત રાખ્યો હતો. પરંતુ સંશોધકોએ આ અભ્યાસ દ્વારા જાણવા ઇચ્છતા હતા કે શું ભોજનના સમયમાં અંતરની કોઇ ભૂમિકા છે કે નહીં.

સંશોધકોને આ અભ્યાસ બાદ જાણવા મળ્યું કે માત્ર ખોરાકનું પ્રમાણ જ જરૂરી નથી, પરંતુ કેલરી મર્યાદિત કરનાર ખોરાક તે નક્કી કરે છે કે ઉંદરો દિવસમાં કેટલા સમય સુધી ભૂખ્યા રહી શકે છે. આ સિવાય ભૂખ્યા રહેવાની મર્યાદા નક્કી કરવાથી પણ સ્વાસ્થ્ય અને જીવનને અનેક ફાયદાઓ થાય છે. સંશોધકોએ ઉંદરોને અલગ-અલગ ગૃપમાં વહેંતીને વિવિધ ખોરાક પર રાખ્યા, જેમાં કંટ્રોલ સમૂહ પાસે નિયમિત ભોજનની અમર્યાદિત પહોંચ હતી.

આ સિવાય અન્ય બે ગૃપમાં ૩૦ ટકા કેલેરી રહેલી હતી. જેમાં એક ગૃપમાં ઓછી કેલેરી વાળું ભોજન આપવામાં આવ્યું હતું અને બીજી ગૃપમાં ૩ ટકા કેલેરી વાળું ભોજન એક જ સાથે આપીને ૨૧ કલાક સુધી ભોજન વગર જ રાખવામાં આવ્યા હતા. જેમાં સામે આવ્યું કે બે વખતના ભોજન વચ્ચે ૨૧ કલાક સુધી મર્યાદિત કેલેરીવાળો ખોરાક લેનાર ઉંદરો તે ઉંદરો કરતા દોઢ વર્ષ વધુ જીવ્યા જે દિવસમાં ગમે ત્યારે ગમે તેટલું ભોજન લેતા હતા.

બીજી તરફ સતત ઓછી કેલેરી વાળું ભોજન લેનાર ઉંદરો કંટ્રોલ ગૃપની સરખામણીએ ઓછું જીવન જીવ્યા હતા. મર્યાદિત કેલેરી વાળા ખોરાક લીધા બાદ પણ ઉપવાસનો સમયગાળો નક્કી કરવો સૌથી મહત્વનો છે. જયારે જે ગૃપને કંટ્રોલ ગ્રુપ જેટલો જ ખોરાક ખાવા માટે તાલીમ અપાઇ હતી, તેને દર ૩ કલાકે ખોરાક આપવામાં આવ્યો હતો. તેનાથી જાણવા મળ્યું કે ઓછું જમવાનો કેલેરી વધુ કે ઓછી લેવા સાથે કોઇ સંબંધ નથી. બંને ગૃપને એક જ સરખા લાભ થયા છે.

સંશોધકોનું કહેવું છે કે, ટૂંકાગાળાના માનવીય અભ્યાસો તે વાતની પુષ્ટિ કરે છે કે દિવસમાં ચારથી આઠ કલાક ન ખાવાથી કેટલાક ફાયદાઓ થાય છે, પરંતુ તેના લાંબાગાળાની અસરો વિશે જાણકારી નથી. તેઓનું માનવું છે કે આજે પણ દિવસ દરમિયાન ઉપવાસ કરવાનો ચોક્કસ સમય સ્પષ્ટ નથી.

(3:52 pm IST)