Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

ભારતીય કિસાન સંઘના નેતા રાકેશ ટિકૈત સહિતના ખેડૂતોએ કેન્‍દ્ર સરકારના 3 કૃષિ કાયદા વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન દરમિયાન ગાજીપુર બોર્ડર નેશનલ હાઇવે 24નો રસ્‍તો સુપ્રિમ કોર્ટના આદેશથી ખોલી નાખ્‍યો

અમે તો રસ્‍તો રોક્‍યો જ નથી, અમારે તો દિલ્‍હી જવાનું છેઃ રાકેશ ટિકૈત

નવી દિલ્હી: કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદા વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ ગાજીપુર બોર્ડર નેશનલ હાઇવે 24 પર રસ્તો ખોલી નાખ્યો છે. ભારતીય કિસાન સંઘના નેતા રાકેશ ટિકૈત સહિત ખેડૂતોએ ગાજીપુર બોર્ડર પર ફ્લાઇઓવર નીચે દિલ્હી જતા સર્વિસ લેનને ખોલી નાખ્યો છે. ખેડૂતોએ સૌથી પહેલા આ રસ્તાને રોક્યો હતો. રસ્તો ખોલવાનો નિર્ણય સુપ્રીમ કોર્ટમાં ગયા બાદ લેવામાં આવ્યો છે.

રસ્તા પર આગળ દિલ્હી પોલીસના બેરિકેડ લાગેલા છે, જેને કારણે રસ્તો બંધ છે. રાકેશ ટિકૈતનું કહેવુ છે કે હવે દિલ્હી પોલીસ જ જાણે કે રસ્તાનું આગળ શું કરવુ છે. જ્યારે ટિકૈતને પૂછવામાં આવ્યુ કે તમે આ ટેન્ટ કેમ હટાવી રહ્યા છો? તો તેમણે કહ્યુ, હવે અમારે દિલ્હી જવુ છે. જ્યારે તેમણે પૂછવામાં આવ્યુ કે શું તમે રસ્તો ખોલી રહ્યા છો? તેમણે કહ્યુ, અમે ક્યા રસ્તો રોક્યો છે, રસ્તો પોલીસે રોકેલો છે, તેમમે પોલીસને કહ્યુ તમે પણ હટાવી લો, અમે પણ હટાવી રહ્યા છીએ. રાકેશ ટિકૈતને પૂછવામાં આવ્યુ કે શું ખેડૂત રસ્તો પુરો ખોલશે તો ટિકૈતે કહ્યુ, હાં પુરો ખોલશે.

દિલ્હીમાં સંસદ સુધી જઇશુ

રાકેશ ટિકૈતે કહ્યુ કે, તે દિલ્હીમાં સંસદ સુધી જશે, જ્યા કાયદો બનાવવામાં આવ્યો છે. અચાનક રસ્તો ખોલવામાં આવવાના સવાલ પર ટિકૈતે કહ્યુ, અમે ક્યા ખોલી રહ્યા છીએ રસ્તો, અમે તો રસ્તો રોક્યો જ નથી. અમારે તો દિલ્હી જવાનું છે. રસ્તો ખોલવા માટે મોટી સંખ્યામાં ખેડૂત હાજર છે, તેમણે અહી લાગેલા ટેન્ટ અને બીજા સામાનને હટાવવાનો શરૂ કરી દીધો છે.

સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી

દિલ્હીની સરહદો પર પ્રદર્શન કરી રહેલા ખેડૂતોના રસ્તા બંધ કરવા મામલે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે ખેડૂતોને કહ્યુ કે તે રસ્તા પરથી હટવા મામલે પોતાનો જવાબ દાખલ કરે. તેની માટે ખેડૂતોને કોર્ટે સમય પણ આપ્યો છે. આ મામલે સુનાવણી કરતા જસ્ટિસ એસકે કોલે કહ્યુ કે રસ્તો સાફ હોવો જોઇએ. અમે વારંવાર કાયદો નક્કી નથી કરી શકતા, તેમણે ખેડૂતોને કહ્યુ કે તેમણે આંદોલન કરવાનો અધિકાર છે પરંતુ તે રસ્તો જામ નથી કરી શકતા.

(5:17 pm IST)