Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

મોદીના રાજમાં વેપારીઓ દેશ છોડી રહ્યા છેઃ ભારતના 35000 વેપારીઓએ દેશ છોડી દીધોઃ બંગાળના નાણામંત્રી અમિત મિત્રાનો સણસણતો આક્ષેપ

મિત્રાએ ટ્‍વિટર પર લખ્‍યુ, ‘મોદી સરકારના 2014થી 2020ના શાસન દરમિયાન 35000 મોટા ઉદ્યોગપતિઓએ દેશ છોડયો': આ બાબતે સંસદમાં શ્વેત પત્ર લાવવાની માંગ કરી

કોલકાતા: પશ્ચિમ બંગાળની મમતા સરકારમાં નાણા મંત્રી અમિત મિત્રાએ ત્રણ અલગ અલગ અધ્યયનોના હવાલાથી આ દાવો કર્યો કે 2014થી 2020 વચ્ચે પીએમ મોદીના કાર્યકાળમાં 35 હજાર મોટા વેપારીઓએ દેશ છોડી દીધો છે. મિત્રાએ આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યુ કે શું આ ડરના માહોલનું કારણ છે. સાથે જ તેમણે એવી પણ માંગ રાખી કે આ મુદ્દા પર પીએમ મોદીએ સંસદમાં શ્વેત પત્ર લાવવો જોઇએ.

મિત્રાએ ટ્વીટર પર લખ્યુ, મોદી સરકારના આધીન વર્ષ 2014થી 2020 વચ્ચે 35000 મોટા ઉદ્યોગપતિઓએ દેશ છોડી દીધો છે. પલાયન મામલે વિશ્વભરમાં ભારત પ્રથમ સ્થાન પર છે. કેમ? ડરને કારણે? પીએમે પોતાના કાર્યકાળમાં વેપારીઓના આટલા મોટા સ્તર પર પલાયનને લઇને સંસદમાં શ્વેત પત્ર લાવવો જોઇએ.

એક અધ્યયનનો હવાલો આપતા મિત્રાએ લખ્યુ કે વર્ષ 2014થી 2018 વચ્ચે આશરે 23 હજાર સૌથી વધુ કમાનારા ઉદ્યોગપતિઓએ દેશ છોડ્યો છે. તે બાદ વર્ષ 2019માં 7000 ઉદ્યોગપતિ ભારત છોડીને ગયા છે અને પછી 2020માં 5000 બિઝનેસમેને દેશ છોડ્યો છે.

મિત્રાએ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલના તે નિવેદનને પણ યાદ અપાવી જેમાં તેમણે ભારતીય વેપાર જગતની ટિકા કરી હતી. આ વર્ષે ઓગસ્ટ મહિનામાં ભારતીય ઉદ્યોગ પરિસંઘની વાર્ષિક બેઠકમાં પીયૂષ ગોયલની ટિપ્પણીના 19 મિનિટના વીડિયોથી વિવાદ ઉભો થયો હતો, તે સમયે ગોયલે કહ્યુ હતુ કે ભારતીય ઉદ્યોગની વ્યાવસાયિક પ્રાથમિકતાઓ રાષ્ટ્રીય હિત વિરૂદ્ધ છે. મિત્રાએ એવો પણ સવાલ ઉઠાવ્યો કે પીયૂષ ગોયલના આવા નિવેદન આપવા પર પીએમ મોદીએ તેમણે ફટકાર કેમ ના લગાવી?

(6:12 pm IST)