Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

ગાઝીપુર બોર્ડર પર એક રસ્તો ખોલવામાં આવ્યો

આંદોલનના લીધે બંધ રસ્તા સામે સુપ્રીમની નારાજગી : ખેડૂતો સર્વિસ રોડ પરથી ટેન્ટ અને બીજો સામાન હટાવતા નજરે પડ્યા, રસ્તો ખુલતા લોકોની હાડમારી દૂર થશે

નવી દિલ્હી, તા.૨૧ : કેન્દ્ર સરકારના ત્રણ નવા કૃષિ કાયદા સામે વિરોધ કરી રહેલા ખેડૂતો દ્વારા દિલ્હી ગાઝીપુર બોર્ડર પરના ફ્લાય ઓવરની નીચે દિલ્હી તરફ જતો રસ્તો ખોલી નાંખ્યો છે.

સુપ્રીમ કોર્ટમાં રસ્તો ખોલવાનો મામલો ગયા બાદ અને રસ્તો રોકવાને લઈને સુપ્રીમ કોર્ટે વ્યક્ત કરેલી નારાજગી બાદ ખેડૂત આગેવાનોએ ઉપરોકત નિર્ણય લીધો હોવાનુ મનાઈ રહ્યુ છે.

મીડિયાએ રાકેશ ટિકૈતને પૂછ્યુ હતુ કે, શું અહીંથી ખેડૂતો સંપૂર્ણ પણે હટી જશે ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે, હા બધુ હટાવી દેવામાં આવશે. હવે અમે દિલ્હી જઈ રહ્યા છે અને સંસદની બહાર ધરણા પર બેસવાના છે. જ્યાં આ કાયદો બનાવ્યો છે ત્યાં હવે અમારે જવાનુ છે.

દરમિયાન ખેડૂતો સર્વિસ રોડ પર ઉભા કરાયેલા ટેન્ટ અને બીજો સામાન હટાવતા પણ નજરે પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ખેડૂત આંદોલનને શરૂ થયે લગભગ એક વર્ષ થવા આવ્યુ છે અને જ્યારથી આંદોલન શરૂ થયું ત્યારથી આ રસ્તો ખેડૂતો બંધ કરીને બેસી ગયા હતા. હવે આ રસ્તો ખુલતા લોકોની હાડમારી દૂર થશે.

(7:18 pm IST)