Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

અરુણાચલમાં એર ક્રાફ્ટ ગન સાથે મહિલા કેપ્ટન તૈનાત

ભારતે એલએસી પર મોટા પાયે હથિયાર તૈનાત કર્યા : સરિયા અબ્બાસી ચાર વર્ષથી સેનામાં છે, યુપીની રહેવાસી છે અને બાયોટેકનોલોજીમાંથી બીટેકની ડિગ્રી મેળવી છે

નવી દિલ્હી, તા.૨૧ : ભારત અને ચીન વચ્ચેના તનાવને લઈને લાઈન ઓફ એક્ચ્યુલ કંટ્રોલ પર ભારતે મોટા પાયે ઘાતક હથિયારો બોર્ડર પર રાખ્યા છે. ચીનના સંભવિત વિમાની કે ડ્રોન હુમલાને પહોંચી વળવા માટે ભારતે એર ડિફેન્સ ગન એલ-૭૦ પણ તૈનાત કરવામાં આવી છે. સરહદ પરની જમાવટ વચ્ચે આવી જ એક એર ક્રાફ્ટ ગન સાથે અરુણાચલમાં તૈનાત મહિલા કેપ્ટન સરિયા અબ્બાસીની તસવીર સોશ્યલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહી છે.

અરુણાચલની દુર્ગમ બોર્ડર પર એન્ટી એરક્રાફ્ટ ગન સાથે દેખાયેલી આ મહિલા અધિકારીમાં યુઝર્સને રસ પડવા માંડ્યો છે. કેપ્ટન સરિયા અબ્બાસી ચાર વર્ષથી સેનામાં છે. તે યુપીની રહેવાસી છે અને બાયોટેકનોલોજીમાંથી બીટેકની ડિગ્રી મેળવી ચુકી છે.

સરિયાના પિતાનુ નામ તહેસીન અબ્બાસી છે અને તે ઓલ ઈન્ડિયા રેડિયોના સ્ટેશન ડાયરેક્ટર રહી ચુકયા છે. જ્યારે સરિયાના માતા રેહાના સ્કૂલમાં આચાર્ય છે.

(8:49 pm IST)