Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

બ્રેક્ઝિટથી ભારતીય લોકોને લાભ, નોકરીની તક મળશે

બ્રેક્ઝિટથી વિશ્વના અનેક દેશોને આંચકો લાગશે : બ્રિટનમાં બ્રેક્ઝિટ બાદ કસ્ટમ સંબંધિત દસ્તાવેજની કાર્યવાહી માટે યુકેમાં કસ્ટમ સ્ટાફની અછત ઉભી થઈ

નવી દિલ્હી, તા. ૨૦ : બ્રેક્ઝિટ યુરોપ, યુકે કે દુનિયાના અન્ય દેશો માટે ભલે આંચકા સમાન હોય પરંતુ ભારતીય કંપનીઓની સાથો સાથ ભારતીય નાગરિકો માટે લાભદાયક છે. બ્રેક્ઝિટથી ભારતીયો માટે નોકરીઓની મોટા પ્રમાણમાં તકો ઉભી થશે. ખાસ કરીને કસ્ટમ સ્ટાફની.

યુકેની કંપનીઓમાં બ્રેક્ઝિટ બાદ કસ્ટમ સંબંધિત દસ્તાવેજની કાર્યવાહી પૂરી કરવા બ્રિટનમાં કુશળ કસ્ટમ સ્ટાફની અછત ઉભી થઈ છે. હવે આ તમામ કંપનીઓને સસ્તા વિદેશી કામદારોની જરૂર છે. યુકેની કંપનીઓના આ વલણથી રોમાનિયા અને ભારત જેવા દેશોમાં મોટા પ્રમાણમાં નવી રોજગારી ઉભી થઈ શકે છે.

કોરોના મહામારી વચ્ચે સેવાઓની વધતી માંગને ધ્યાનમાં રાખી આંતરરાષ્ટ્રીય કંપનીઓ માટે માલના પરિવહનનું કામકાજ સંભાળતી એક્સપેડિએટર પીએલસીએ રોમાનિયામાં કારીગરોની ભરતી શરૂ કરી દીધી  છે. કંપનીના ગ્રુપ માર્કેટિંગ મેનેજર ડેવ ગ્લેડને જણાવ્યુ હતું કે, આ દેશમાં યુરોપિયન સંઘના કસ્ટમ નિયમોના નિષ્ણાંતોની સારી એવી સંખ્યા છે. જે ૨૦૦૭માં બ્લોકમાં સામેલ થયુ હતું. જેથી ખૂબ ઓછા ખર્ચે સારા નિષ્ણાતો મળી રહ્યા છે. યુકેમાં કસ્ટમ ક્લિયરન્સ પ્રતિનિધિઓનો પગાર ખૂબ વધારેછે.

મેટ્રો શિપિંગ લિ. યુકેની ટોચની રિટેલર્સ અને ઓટોમોટિવ કંપનીઓને માલનો સપ્લાય પૂરો પાડે છે. તેણે બ્રેક્ઝિટ સંબંધી દસ્તાવેજી કાર્યવાહી માટે ભારતના ચેન્નઈમાં વધારાના ૧૭ સ્ટાફની ભરતી કરી હતી. ઇંગ્લેન્ડની કંપની બર્મિંગઘમમાં પણ વાર્ષિક રૂ. ૧,૨૦,૦૦૦ વધારાની કસ્ટમ જાહેરાતો સંભાળી શકે છે.

મર્યાદિત ક્ષમતાના લીધે ઓગસ્ટમાં પણ બ્રેક્ઝિટમાટે નવા ક્લાયન્ટ લેવાનુ બંધ કરી ચૂકેલી મેટ્રોના બિઝનેસ ડેવલપમેન્ટ ડિરેક્ટર, ગ્રાન્ટ લિડેલે જણાવ્યુ હતુ કે, યુકેમાં એક કર્મચારી રાખવાની કિંમતમાં તે ભારતમાં ૬ થી ૭ લોકોને નોકરી પર રાખી શકે છે. સરકાર માટે પણ કસ્ટમ એજન્ટની અછત મોટો પડકાર છે. આ સ્થિતિનો સૌથી વધુ લાભ ભારતને થઈ શકે છે.

(12:00 am IST)