Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

આજથી રંગીલા રાજકોટમાં નાઈટ કર્ફયુ

રાત્રે ૯ થી સવારે ૬ વાગ્યા સુધી વ્યાજબી કારણ વગર ઘરની બહાર નિકળવા ઉપર પ્રતિબંધઃ કર્ફયુનું ચૂસ્ત પાલન કરાવવા પોલીસ-કોર્પોરેશન સજ્જ : રાત્રીના માર્ગો સુમસામ દેખાશેઃ શહેરની નાઈટ લાઈફને લાગશે બ્રેકઃ રાત્રીના ચા-ગાંઠીયા ખાવાના શોખીનોએ ઘરમા પુરાઈ રહેવુ પડશે

રાજકોટ, તા. ૨૧ :. દિવાળીના તહેવારો પુરા થતા અને શિયાળાએ જમાવટ શરૂ કરતા જ શહેરમાં કોરોનાએ ફરી ફૂંફાડો મારતા ચિંતિત રાજ્ય સરકારે વડોદરા, સુરતની સાથે રંગીલા રાજકોટમાં પણ આજે રાતથી અનિશ્ચિત મુદ્દત માટે કર્ફયુ લાદવાનું એલાન કર્યુ છે. આજથી રાજકોટમાં રાત્રે ૯ થી સવારે ૬ વાગ્યા સુધી કર્ફયુ રહેશે. લોકોને આ ગાળા દરમિયાન વ્યાજબી કારણ વગર ઘરમાંથી બહાર નિકળવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. પોલીસ તંત્ર કર્ફયુના કડક પાલન માટે સજ્જ બન્યુ છે.

શિયાળાના પ્રારંભ સાથે જ આક્રમક બનેલા જીવલેણ કોરોના વાયરસના કહેરને નાથવા રાજ્ય સરકારે કરેલી જાહેરાત અનુસાર બીજો હુકમ ન થાય ત્યાં સુધી અનિશ્ચિત મુદત માટે રાજકોટમાં રાત્રી કર્ફયુ ચાલુ રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે વિવિધ કલમો હેઠળ પગલા લેવામાં આવશે તેવુ પણ જાહેર કરવામાં આવ્યુ છે.

આજે રાત્રે ૯ વાગ્યાથી કર્ફયુનો અમલ શરૂ થાય એટલે શહેરીજનોને વ્યાજબી કારણ વગર ઘરની બહાર નહિ નિકળવા તંત્રએ જણાવ્યુ છે. તંત્રએ કહ્યુ છે કે કર્ફયુનો ચૂસ્તપણે પાલન કરાવાશે. ખાણીપીણીની રેકડીઓ અને બજારો આ ગાળા દરમિયાન બંધ રહેશે. વ્યાજબી કારણ વગર બહાર નિકળેલા લોકોના વાહનોને ડીટેઈન કરવા સહિતના પગલાઓ લેવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી છે.

અત્રે નોંધનીય છે કે અમદાવાદમાં સોમવાર સવાર સુધી કર્ફયુ લાદવામાં આવ્યો છે. શિયાળો શરૂ થતા જ કોરોનાનો ગ્રાફ ઉંચે જતા તંત્રને આ પગલુ લેવુ પડયુ છે. રાજકોટમાં પણ કેસ વધવાની ભીતિ હોવાથી નાઈટ કર્ફયુનો અમલ શરૂ થઈ રહ્યો છે. આજે રાતથી શહેર સુમસામ થઈ જશે.

આજે રાત્રી દરમિયાન બસો પણ નહિ ઉપડે. માસ્ક વગર નિકળનાર સામે પગલા લેવાનું પણ પોલીસ અને મ્યુનિસિપલ તંત્રએ શરૂ કર્યુ છે. ટોળાશાહી ન થાય તેની પણ ટકોર કરવામાં આવી રહી છે. સોશ્યલ ડીસ્ટન્સનો ચૂસ્ત અમલ પણ કરાવવામાં આવશે. રાજ્ય સરકારે નાઈટ કર્ફયુ જાહેર કરતા આજે રાતથી કોર્પોરેશનની ટીમો પોલીસને સાથે રાખીને ખાણીપીણીની લારીઓ, રેસ્ટોરન્ટો, દુકાનો વગેરે બંધ કરાવવા નિકળશે. તે ઉપરાંત દિવસ દરમિયાન કોરોનાની ગાઈડ લાઈન અંગે જાગૃતિ લાવવામાં આવે તેવો પ્રચાર પણ કરવામાં આવી રહ્યો છે.

આજે રાતથી કર્ફયુનો અમલ શરૂ થશે એટલે રાજકોટની નાઈટ લાઈફને ફરી બ્રેક લાગી જશે. રાત્રીના જમા થતા ટોળાઓ પણ હવે જોવા નહી મળે. રાત્રે પણ ધમધમતા વિવિધ રાજમાર્ગો સુમસામ જણાશે.

રાત્રીના ચા-ગાંઠીયા અને નાસ્તાના શોખીન લોકોને મુશ્કેલી પડશે. તેઓના પોતાના શોખ ઉપર થોડા દિવસ કાબુ પણ રાખવો પડશે.

(2:50 pm IST)
  • ઈરાકમાં આતંકી હુમલો: આઠના મોત:બગદાદ: ઈરાકના સલાહાદિન પ્રાંતમાં આઈએસઆઈએસ આતંકીઓએ હુમલો કરતા 6 સૈનિકો સહિત 8 લોકો માર્યા ગયાના અહેવાલો મળે છે. (પ્રતીકાત્મક તસ્વીર) access_time 12:46 am IST

  • કોરોનાનું હોટસ્પોટ બની ગયેલા ભુજમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે તંત્ર એક્શનમાં મોડમાં : ભુજ શહેર અને તાલુકામાં કોવિડ ગાઈડલાઈનની અમલવારી માટે ટિમોની રચના :ભુજના 12 વોર્ડ માટે 4 અને તાલુકા માટે બે ટીમોની થઈ રચના:મદદનીશ કલેક્ટર અને ભુજ પ્રાંત અધિકારી મનીષ ગુરવાણીએ કર્યો હુકમ access_time 11:19 pm IST

  • દેશમાં કોરોનાનો કહેર યથાવત : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 44,906 કેસ નોંધાયા :કુલ કેસનો આંકડો 90,95,543 થયો :એક્ટીવ કેસ ઘટીને 4,40,470 થયા:વધુ 43,797 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 85,19,764 રિકવર થયા :વધુ 497 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,33,260 થયો access_time 1:05 am IST