Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

હાર્દિક પટેલે અજમેર શરીફ દરગાહની મુલાકાતે પહોંચ્યો લોકોની સલામતી અને કોરોનાથી મુક્તિ માટે પ્રાર્થના કરી

રાજસ્થાન વકફ બોર્ડના ચેરમેન ખાનું ખાન અને અન્ય લોકો સાથે મુલાકાત લીધી

અમદાવાદ : ગુજરાત કોંગ્રેસ વર્કિંગ કમિટિના ચેરમેન હાર્દિક પટેલે અજમેર ખાતે સૂફી સંત ખ્વાજા મોઇનુઉદ્દીન ચિસ્તી – ગરીબ નવાઝની દરગાહ પર હાજરી આપી ચાદર પેશ કરી હતી

   હાર્દિક પટેલે રાજસ્થાન વકફ બોર્ડના ચેરમેન ખાનું ખાન અને અન્ય લોકો સાથે અજમેર શરીફ દરગાહની મુલાકાત લીધી હતી.સવારે 10.30 વાગ્યે હાર્દિક પટેલ અજમેર દરગાહ પર પહોંચ્યા હતા, જ્યાં તેમનો ખાદીમ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. હાર્દિક અરજમેર દરગાહ પરિસરમાં એક કલાક જેટલો સમય રોકાયા હતા

   અજમેર શરીફ દરગાહના ખાદીમ સૈયદ સુહેલ અહેમદ નિયાઝીએ કે જે દરગાહમાં હાર્દિક પટેલની સાથે હાજર રહ્યા તેમણે ગુજરાત એક્સક્લૂઝિવ સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે હાર્દિક પટેલે દેશ અને ગુજરાતના તમામ નાગરિકોની સલામતી અને ખાસ કરીને કોરોનામાંથી મુક્તિ માટે પ્રાર્થના કરી હતી. હાર્દિક પટેલે મન્નતનો ધાગો પણ બાંધ્યો હતો.

  અજમેર શરીફ દરગાહની હાર્દિક પટેલે બીજીવાર મુલાકાત કરી છે. આ પહેલા વર્ષ 2018માં પણ હાર્દિક પટેલે અજમેર શરીફ દરગાહમાં હાજરી આપી હતી. ચાલુ નવેમ્બર મહિનાની શરૂઆતમાં ગુજરાત હાઈકોર્ટે હાર્દિક પટેલને 11મી નવેમ્બર થી 2 ડિસેમ્બર વચ્ચે 17 દિવસ ગુજરાત બહાર જવાની મંજૂરી આપી છે

   હાર્દિક પટેલ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં રજુઆત કરવામાં આવી હતી કે તેમને 12 સપ્તાહ સુધી ગુજરાત બહાર જવા મંજૂરી આપવામાં આવે. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં તેમની પાર્ટીના પ્રચાર માટે હાર્દિક પટેલ ગુજરાત બહાર જવા માંગે છે. વળી તેની સામે સુપ્રીમ કોર્ટમાં પણ ઘણા કેસ પેન્ડિંગ છે અને તેના માટે વકીલોનું માર્ગદશન જરૂરી હોવાથી અવરનવર દિલ્હી જવાની જરૂર પડે છે. વર્ષ 2015ના રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલના જામીન મંજુર કરતી વખતે અમદાવાદ સેશન્સ કોર્ટે હાર્દિકને ગુજરાત ન છોડવાની શરતે જામીન આપ્યા હતાં. આ શરતમાં રાહત મેળવવા માટે હાર્દિક પટેલ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી.

(2:34 pm IST)