Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

વિદ્યાર્થીઓ દેશની નવી તાકાત બનશે : નરેન્દ્રભાઇ

પેટ્રોલીયમ યુનિવર્સિટીના આઠમાં દિક્ષાંત સમારોહમાં વડાપ્રધાન મોદીનું સંબોધન : ઉર્જાની માંગ પુરી કરવા અને પર્યાવરણની જાળવણી કરવા માટે આ પણે ઉર્જા ક્ષેત્રે નવા સંશોધન કરવા પડશે : મુકેશ અંબાણી * વિડીયો કોન્ફરન્સમાં વિજયભાઇ રૂપાણીની પણ ઉપસ્થિતી

અમદાવાદ,તા. ૨૧: પંડિત દિનદયાલ પેટ્રોલિયમ યૂનિવર્સિટી (PDPU)નો આઠમો દિક્ષાંત સમારોહ યોજાયો હતો. સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રિલાયન્સના ચેરમેન અને પંડિત દિનદયાળ પેટ્રોલિયમ યૂનિવર્સિટીના પ્રમુખ મુકેશ અંબાણીએ વિદ્યાર્થીઓને સંબોધન કર્યુ હતું. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ વીડિયો કોન્ફરન્સથી ઉપસ્થિત રહ્યા હતા.

વડાપ્રધાન મોદીએ ગાંધીનગર સ્થિત પંડિત દીન દયાળ પેટ્રોલિયમ યૂનિવર્સિટીના આઠમા દીક્ષાંત સમારંભને સંબોધિત કર્યુ હતું. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યુ કે સંસ્થામાંથી પાસ થનારા વિદ્યાર્થી દેશની નવી તાકાત બનશે. પીએમ મોદીએ કહ્યુ કે પંડિત દીન દયાળ ઉપાધ્યાય પેટ્રોલિયમ યૂનિવર્સિટીના ૮માં કોન્વોકેશનના પ્રસંગે તમને બધાને ઘણી શુભેચ્છા. આજે જે સાથી ગ્રેજયુએટ થઇ રહ્યા છે, તેમના અને તેમના માતા-પિતાને પણ ઘણી શુભકામનાઓ.

વડાપ્રધાન મોદીએ કહ્યુ કે એક સમય હતો જયારે લોકો સવાલ ઉઠાવતા હતા કે આ રીતની યૂનિવર્સિટી કેટલી આગળ વધી શકશે પરંતુ અહીના વિદ્યાર્થીઓએ, પ્રોફેસર્સે અને અહીથી નીકળનારા પ્રોફેશનલ્સે આ તમામ સવાલોનો જવાબ આપી દીધો છે. તમે એવા સમયમાં ઇન્ડસ્ટ્રીમાં પગ મુકી રહ્યા છો જયારે મહામારીને કારણે આખી દુનિયાના ઉર્જા ક્ષેત્રમાં પણ મોટા બદલાવ થઇ રહ્યા છે. એવામાં આજે ભારતમાં એનર્જી ક્ષેત્રમાં ગ્રોથની, આંતરપ્રિન્યોર્શિપની અનેક સંભાવનાઓ છે.

પીએમ મોદીએ કહ્યુ કે પીડીપીયૂએ ઉદ્યોગ સહિત કેટલાક વિસ્તારમાં પોતાનો વિસ્તાર કર્યો છે ,આ રીતે તેને એનર્જી યૂનિવર્સિટીના રૂપમાં બદલો. ગુજરાત સરકારને હું તેની માટે અનુરોધ કરૂ છું, તેની કલ્પના મે કરી હતી. જો વિચાર બરાબર લાગ્યા તો તેની પર આગળ વધો.

આજે દેશ પોતાના કાર્બન ફૂટપ્રિન્ટને ૩૦-૩૫% સુધી કામ કરવાના પડકારને લઇને આગળ વધી રહ્યા છે. પ્રયાસ છે કે આ દાયકામાં પોતાની ઉર્જા જરૂરતોમાં નેચરલ ગેસની ભાગીદારીને અમે ૪ ગણી વધારી છે.

 મુકેશ અંબાણીએ કહ્યુ કે, “PDPU નરેન્દ્રભાઇના આત્મનિર્ભર ભારતના સ્વપ્નની ફળશ્રૃતિ છે. ભારતને ઉર્જા શિક્ષણમાં આત્મનિર્ભર બનાવવા માટેનો આ પ્રયાસ છે. આપણે ફકત ૧૪ વર્ષ જૂના જ છીએ છતાં રાષ્ટ્રીય સ્તરથી લઇને વૈશ્વિક ફલકે આપણે પ્રગતિ કરીશું.' આગામી સમય ભારતનો છે, કોવિડ-૧૯ પછીના દાયકામાં ભારત વિશ્વના ટોચના ત્રણ અર્થતંત્રમાંથી એક હશે .

મુકેશ અંબાણીએ કહ્યુ કે, 'શું આપણે પર્યાવરણને નુકસાન પહોચાડ્યા વગર ઉર્જાનું ઉત્પાદન કરી શકીએ. આગામી સમયમાં ભારતની ઉર્જાની માંગ પુરી કરવા માટે અને પર્યાવરણની જાળવણી કરવા માટે આપણે ઉર્જા ક્ષેત્રની અંદર અનેક નવા સંશોધન કરવા પડશે. હું વિદ્યાર્થીઓને વિશ્વાસ અપાવુ છું કે તમે સાચા ક્ષેત્રમાં કરિયરનો માર્ગ પસંદ કર્યો છે.

મુકેશ અંબાણીએ કહ્યુ કે, 'હું વિદ્યાર્થીઓને કહેવા માંગુ છું કે તમે જયારે આ કેમ્પસમાંથી બહાર નીકળો ત્યારે ભવિષ્યની ચિંતાઓ સાથે બહાર નીકળશો. ભારત અને તમારા માટે ભવિષ્ય ઉજ્જવળ છે. આપણે અનેક મુસીબતોમાંથી બહાર નીકળ્યા છીએ.

પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી, ગાંધીનગરનો આજે આઠમો પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી, ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને PDPUના ચેરમેન-ઉદ્યોગપતિ શ્રી મુકેશ અંબાણીના હસ્તે PDPUના ૪૩ Ph.D સહિત કુલ ૨૬૦૦ વિદ્યાર્થીઓને ડિગ્રી અને ડિપ્લોમાની પદવી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી એનાયત કરવામાં આવી હતી.

આ પ્રસંગે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને PDPUના ચેરમેન શ્રી મુકેશ અંબાણીએ પદવી પ્રાપ્ત વિદ્યાર્થીઓને અભિનંદન આપીને તેમને સફળ કારકિર્દી માટે શુભેચ્છાઓ આપી હતી.

કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને સામાજિક અંતર સાથે PDPU ખાતે કુલ ૯૭ ગોલ્ડ મેડલ અને Ph.Dના વિદ્યાર્થીઓને પ્રતિકરૂપે મેડલ પદવી એનાયત કરવામાં આવી હતી.

પદવીદાન સમારોહમાં MBA, PGDPM-X, B.Tech, M.Tech, B.Com(Hons.), B.A.(Hons.), B.B.A.(Hons.), B.Sc.(Hons.), M.A. અને Ph.D સહિતના કુલ ૨૬૦૦ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી.

આ પ્રસંગે PDPUના શ્રી મુકેશ અંબાણી દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આઠમો પદવીદાન સમારોહ ખુલ્લો મુકાયો હતો.

અત્રે નોંધનીય છે કોરોનાની સ્થિતિને કારણે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી નવી દિલ્હીથી, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી ગાંધીનગરથી જયારે PDPUના ચેરમેન શ્રી મુકેશ અંબાણી મુંબઈથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.

આ પ્રસંગે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે PDPU ખાતે વિવિધ પાંચ પ્રકલ્પોનું ઇ-લોકાર્પણ કરાયું હતું. જેમાં ૪૫ પ્ષ્ પ્રોડકશન ઓફ મોનોક્રીસ્ટલાઇન સોલાર ફોટો વોલાટિક પેનલ, PDPU ટેકનોલોજી બિઝનેસ ઇન્કયુબેટર, સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, ઇન્ડો-ઇયુ બાયલેટરલ પ્રોજેકટ અંડર હોરિઝન ૨૦૨૦ 'ઇન્ડિયા-ત્ર્હષ ફોર ઇન્ડિસ્ટ્રિયલ વેસ્ટ એન્ડ ડિસેલિનેશન અને ટ્રાન્સલેશનલ રિસર્ચ સેન્ટરનો સમાવેશ થાય છે.'

પદવીદાન સમારોહમાં શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સાંસદશ્રી પરિમલ નથવાણી, PDPUના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી ડી. રાજગોપાલન, ડાયરેકટર જનરલ પ્રો. એસ. સુંદર મનોહર, ફેકલ્ટી, વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતા વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા.

(4:16 pm IST)