Gujarati News

Gujarati News

News of Tuesday, 21st November 2023

પરાળી સળગાવનારા પાસેથી સરકારે અનાજ ન ખરીદવું જોઈએઃ સુપ્રીમ

દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણ મામલે સુપ્રીમમાં સુનાવણી ઃ પરાળી સળગાવનારાઓ વિરુદ્ધ કાર્યવાહી લગભગ ૧૦૦ એફઆરઆઈ નોંધાઈ છે અને ૨ કરોડ રૃપિયાનો દંડ પણ વસૂલ્યો હોવાની પંજાબ સરકારના વકીલની રજૂઆત

નવી દિલ્હી,તા.૨૧ ઃ આજે સુપ્રીમ કોર્ટમાં દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણ મામલે સુનાવણી થઈ હતી જેમાં કોર્ટે કહ્યું કેકેટલાક ખેડૂતો લોકોની પરવા કર્યા વિના જ પરાળી સળગાવી રહ્યા છે તો સરકાર શા માટે તેના પર કડક પગલાં લઈ રહી નથી. આ ઉપરાંત કોર્ટે કહ્યું કે કાયદાનું ઉલ્લંઘન કરનારા લોકોને આર્થિક લાભ શા માટે આપવો જોઈએ? કોર્ટે વધુમાં કહું કે સરકારે એવા ખેડૂતો પાસેથી અનાજ ન ખરીદવું જોઈએ કે જેઓ પરાળી સળગાવી રહ્યા છે.

સુપ્રીમ કોર્ટે દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણ મામલે સુનાવણી દરમિયાન પંજાબના વકીલને પૂછ્યું કે  કેટલાક ખેડૂતો લોકોની પરવા કર્યા વિના ખેતરોમાં પરાળી સળગાવી રહ્યા છે તો સરકાર શા માટે કડક પગલાં લઈ રહી નથી,  જેના જવાબમાં પંજાબ સરકાર તરફથી હાજર વકીલે કહ્યું હતું કે સરકારે પગલાં લીધાં છે જેમાં પરાળી સળગાવનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે, લગભગ ૧૦૦ એફઆરઆઈનોંધી છે અને ૨ કરોડ રૃપિયાનો દંડ પણ વસૂલ્યો છે. તેમજ અમારું સૂચન છે કે કેન્દ્ર અને તમામ રાજ્યોએ સમયસર સાથે મળીને કામ કરવું જોઈએ જેથી આગામી સિઝનમાં આ સ્થિતિ ઊભી ન થાય. આના જવાબમાં કોર્ટે કહ્યું કે આગામી સિઝનની રાહ જોવાની જરૃર નથી. અમે મામલાની દેખરેખ રાખીશું. 

આ ઉપરાંત કોર્ટે કહ્યું કે કાયદાનું ઉલ્લંઘન કરનારા લોકોને આર્થિક લાભ શા માટે આપવો જોઈએ? અને વધુમાં કહ્યું હતું કે એફઆરઆઈઅને દંડ ઉપરાંત તેમને એમએસપીથી પણ વંચિત રાખવા જોઈએ. કોર્ટે વધુમાં કહ્યું કે સરકારે એવા ખેડૂતો પાસેથી અનાજ ન ખરીદવું જોઈએ કે જેઓ પરાળી સળગાવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે જો કે એ વાત પણ સાચી છે કે જ્યારે પંજાબમાં એમએસપીમાટે અન્ય રાજ્યોનું અનાજ વેચી શકાય છે, તો પછી એક ખેડૂતનું અનાજ બીજા ખેડૂતને કેમ ન વેચી શકાય? તેથી કદાચ આ ઉકેલ નહીં આવે. સુપ્રીમ કોર્ટે બિહારનું ઉદાહરણ આપતા કહ્યું કે બિહારના લોકો હજુ પણ મશીનનો ઉપયોગ ઓછો કરે છે અને હાથથી જ લણણી કરે છે એટલે ત્યાં પરાળી સળગાવવાની ઘટનાઓ બહુ ઓછી છે.  હવે આ મામલે આગામી સુનાવણી ૫મી ડિસેમ્બરના રોજ થશે.

(7:30 pm IST)