Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

રાષ્ટ્રિય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧રપમી જન્મજ્યંતિની રાજ્યવ્યાપી ઉજવણી કરાશે : અનેકવિધ કાર્યક્રમો યોજાશે :મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો નિર્ણય

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાને ૧ર સભ્યોની રાજ્યકક્ષાની સમિતિની રચના કરતા મુખ્યમંત્રી:-યુવાશક્તિ અને સાહિત્ય-કલા-સંસ્કૃતિ પ્રેમીઓ માટે મેઘાણી જીવન કવન અને લોકસાહિત્યના પ્રદાનને ઊજાગર કરાશે :ચિત્ર સ્પર્ધા-શૌર્યગીત સ્પર્ધા- લોકવાર્તા સ્પર્ધા -મેઘાણી પુસ્તકોનું ઓનલાઇન વેચાણ- અન્ય ભાષામાં રૂપાંતરણ જેવા અનેક આયોજનો અંગે બેઠકમાં ચર્ચા-પરામર્શ થયો

અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાષ્ટ્રિય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧રપમી જન્મજ્યંતિના આ વર્ષને રાષ્ટ્રિય શાયરના ગૌરવ-સન્માનને ઊજાગર કરતી રાજ્યકક્ષાની ઉજવણી તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે.
   મુખ્યમંત્રીએ આ હેતુસર વિવિધ કાર્યક્રમોનું રાજ્યવ્યાપી આયોજન અને માર્ગદર્શન માટે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાને ૧ર સભ્યોની સમિતિની રચના કરી છે
આ સમિતિમાં રમત-ગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલ અને મહિલા બાળ કલ્યાણ રાજ્યમંત્રી શ્રીમતી વિભાવરીબહેન દવે ઉપાધ્યક્ષ તરીકે રહેશે
   મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને તાજેતરમાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં રાષ્ટ્રિય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧રપમી જન્મજ્યંતિ આગામી તા. ર૮ ઓગસ્ટ-ર૦ર૧ના છે તે સંદર્ભમાં આ વર્ષની ઉજવણીને વ્યાપક સ્વરૂપે રાજ્યભરમાં ઉજવવાનું નિર્ધારીત કરવામાં આવ્યું હતું
  આ ૧રપમી જન્મજ્યંતિ ઉજવણીમાં Covid-19ની પરિસ્થિતીને ધ્યાનમાં લેતાં સરકારની વખતોવખતની સૂચનાઓ અનુસાર કાર્યક્રમો વિવિધ વિભાગો હાથ ધરે તે અંગેની ચર્ચા-વિચારણા આ બેઠકમાં હાથ ધરવામાં આવી હતી.
   રાષ્ટ્રિય શાયર ઝવેરચંદ મેઘાણીજીની આ ૧રપમી જન્મજ્યંતિને આજની પેઢી, યુવાશક્તિ અને સાહિત્ય, કલા-સંસ્કૃતિ પ્રેમીઓ માટે મેઘાણીજીના જીવન-કવન, લોકસાહિત્ય-સંસ્કૃતિમાં તેમના પ્રદાનની સ્મૃતિ ઊજાગર કરનારો અવસર બનાવવાના ઉદાત્ત ભાવથી કાર્યક્રમો યોજવાની બાબતે પણ મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
તદઅનુસાર, લલિતકલા અકાદમી અને શિક્ષણ વિભાગ સંયુકતપણે મેઘાણી જીવન-કવન આધારિત ચિત્રસ્પર્ધા શાળા-કોલેજોમાં યોજી શકે તે માટે, મેઘાણી રચિત શૌર્ય ગીતો, હાલરડાં, શૃંગાર ગીતોની સ્પર્ધાઓ, મેઘાણીજી રચિત પુસ્તકોનું ઓનલાઇન પ્રદર્શન અને વેચાણ, લોકવાર્તા સ્પર્ધા, ઇ-બૂક તૈયાર કરવી, કવિતા, નિબંધ લેખન, ગ્રામ પંચાયતોમાં મેઘાણીજીના સાહિત્યીક પુસ્તકોના વાંચન કેન્દ્રો, મેઘાણી સાહિત્યનું અન્ય ભાષામાં ભાષાંતરણ અને વિવિધ રાજ્યોના ગુજરાતી સમાજ ભવનોમાં મેઘાણી જન્મદિન ઉજવણી જેવા કાર્યક્રમોના આયોજન અંગે વિશદ પરામર્શ કરવામાં આવ્યો હતો.
    આ બધા કાર્યક્રમોના સ્વરૂપ તેમજ સરળતાએ આયોજન માર્ગદર્શન માટેની સમિતિમાં અન્ય સભ્યો તરીકે રમત-ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અધિક મુખ્ય સચિવ  સી. વી. સોમ, શિક્ષણ સચિવ  વિનોદ રાવ, યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના કમિશનર કાપડીયા, સાહિત્ય અકાદમીના અધ્યક્ષ  વિષ્ણુ પંડયા, સંગીત નાટય અકાદમીના અધ્યક્ષ પંકજ ભટ્ટ તેમજ રમત-ગમત સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના નાયબ સચિવ, સાહિત્ય અકાદમીના મહામાત્ર, સંગીત નાટક અકાદમીના સભ્ય સચિવ અને લલિત કલા અકાદમીના સચિવનો સમાવેશ કરવામાં આવ્યો છે.
  આ રાજ્યકક્ષાની સમિતિના સૂચનો અને માર્ગદર્શન અનુસાર ઉજવણીના અસરકારક અમલ માટેની એક સમિતિ રમત-ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના અધિક મુખ્ય સચિવ  સી. વી. સોમના અધ્યક્ષપદે રચવામાં આવી છે.
આ સમિતિમાં પણ શિક્ષણ, યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ, માહિતી, પ્રવાસન, પૂરાતત્વ અને સંગ્રહાલય, ગ્રંથાલય, લલીતકલા અકાદમી જેવા વિભાગોના ઉચ્ચઅધિકારીઓ અને પ્રતિનિધિઓનો સમાવેશ કરાયો છે.

(7:15 pm IST)