Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

ઉધ્ધવ ઠાકરેનું મહારાષ્ટ્રને ૮ દિવસનું અલ્ટીમેટમ

માસ્ક નહિ પહેરો તો મહારાષ્ટ્રમાં સંપૂર્ણ લોકડાઉન લગાવાશે

ઉધ્ધવ સરકારનો કડક આદેશ : દરેક પ્રકારના ધાર્મિક - રાજનૈતિક મેળાવડા બંધ કરો નહિતર સખ્ત નિયમો થશે લાગુ

નવી દિલ્હી તા. ૨૨ : મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ તેજીથી વધી રહ્યા છે. નાઇટ કર્ફયુ અને લોકડાઉનના પ્રતિબંધો તેજીથી વધવા લાગ્યા છે. રાજ્યની ઉધ્ધવ સરકારે મહારાષ્ટ્રમાં ભીડવાળા દરેક સ્થળો પર કડક પ્રતિબંધો લગાવી દીધા છે. વધુમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેએ ૮ દિવસનું અલ્ટીમેટમ આપ્યું અને કહ્યું કે જો માસ્ક નહિ પહેરે તો સમગ્ર રાજ્યમાં લોકડાઉન લગાવું પડશે. મહારાષ્ટ્રના અમરાવતીમાં ૫ જિલ્લામાં સોમવાર સાંજથી ૧ સપ્તાહનું લોકડાઉન રહેશે. આ ઉપરાંત પૂણે અને નાસિકમાં પણ નાઇટ કર્ફયુ લગાવી દેવામાં આવ્યા છે અને શાળા - કોલેજ ૨૮ ફેબ્રુઆરી સુધી બંધ કરી દેવામાં આવ્યા છે.

મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં મારા અનેક સહયોગી સંક્રમિત થઇ ચૂકયા છે. મારા આદેશ મુજબ અધિકારીક બેઠકો હવે ફકત વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આયોજીત કરાશે.

વધુમાં ઉમેર્યું કે, ગીચવાળા રાજનૈતિક આંદોલનને થોડા સમય માટે રોકવું પડશે. મારા સહયોગી દળો અને વિપક્ષી દળો સહિત દરેકને રાજનૈતિક વિસ્તાર કરવા અને પ્રસાર કરવાની જરૂરીયાત છે પરંતુ કોરોના ફેલાવીશું નહિ.

મહારાષ્ટ્રમાં ૧૫ દિવસની અંદર પ્રતિદિન સામે આવેલા સંક્રમણના કેસોની સંખ્યા ૨૫૦૦થી વધીને ૭૦૦૦ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ઠાકરેએ કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને આજથી દરેક રાજનૈતિક, ધાર્મિક અને સામાજિક ભીડ પર રોક લગાવા કહ્યું છે અને ઠાકરેએ લોકોને અલ્ટીમેટમ આપીને કહ્યું કે તેઓ એક સપ્તાહથી ૧૫ દિવસ સુધી સઘન ચેકીંગ કરાવી પછી નક્કી કરાશે કે લોકડાઉન થશે કે નહિ.

(10:25 am IST)