Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

કોઇ કાલે ખેડૂત કાયદા પાછા ખેંચાશે નહિ

ભીડ ભેગી કરવાથી કાયદા બદલાશે નહિ : કિસાનો સમસ્યા દર્શાવે : નરેન્દ્રસિંહ તોમરની ફરી ચોખ્ખીને ચટ્ટ વાત

ગ્વાલિયર,તા.૨૨: કૃષિ કાયદાને ખતમ કરવાની કેન્દ્ર સરકારે એકવાર ફરી ના પાડી છે. મોદી સરકારમાં કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરએ રવિવારે કહ્યુ કે, કિસાન યુનિયન પોતાની સમસ્યા જણાવે તો સરકાર કૃષિ કાયદામાં સંશોધન કરવા તૈયાર છે. કૃષિ મંત્રીએ તે પણ કહ્યું કે, સરકાર કોઈપણ સમયે જરૂરી સંશોધન પર ચર્ચા કરવા તૈયાર છે.

કૃષિ મંત્રીએ કહ્યુ, 'કયાંય કોઈ ભીડ ભેગી થઈ જાય અને કહી દે કે કાયદો બદલાવી નાખો તો તેમ નહીં થાય. તોમરે કહ્યુ કે, વાતચીતનો નિર્ણય ત્યારે થાય છે, જયારે કોઈ જણાવે કે કાયદામાં શું સમસ્યા છે. અમે પણ જાણવા ઈચ્છીએ છીએ કે કાયદામાં કિસાનની વિરુદ્ઘ શું છે, એ તો કોઈ જણાવે. એવુ થોડુ થાય કે ભીડ ભેગી થઈ જાય અને કહી દે કે કાયદો હટાવી દો, એમ ન થાય. તોમરે કહ્યું કે, સરકાર ખુદ સમજવા ઈચ્છે છે કે ખામીમાં સંશોધન માટે તૈયાર છે.'

ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી મોદી પણ કહી ચુકયા છે કે સરકાર ચર્ચા કરવા તૈયાર છે. પરંતુ કિસાન નેતા પોતાની માંગો પર અડગ છે. ગાઝીપુર અને સિંધુ બોર્ડર પર કિસાન નેતાઓની બેઠક જારી છે. આ સાથે ગરમીમાં પણ આંદોલન કઈ રીતે આગળ વધારવુ તેનો પ્લાન કિસાનો કરી ચુકયા છે. ગરમીથી બચવા અહીં એસી અને કૂલરની વ્યવસ્થા થઈ રહી છે. ટેન્ટની સુવિધાઓ વધારવાની તૈયારી છે. કિસાન સંગઠનોનું કહેવું છે કે જયાં સુધી સરકાર કાયદો પરત લેશે નહીં, ત્યાં સુધી આંદોલન સમાપ્ત થવાનું નથી.

(10:32 am IST)