Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

ખેડૂત આંદોલનકારી ટિકૈતની નજર હવે ગુજરાત પર

ગાંધીજીએ રેંટિયાની મદદથી અંગ્રેજોને ભગાડેલા, અમે ચરખાની મદદથી કોર્પોરેટને ભગાડશું : આંદોલનકારી નેતા સતત લડી લેવાના મૂડમાં : ગુજરાત આવી રહ્યાની જાહેરાત : ગાજીપુરમાં ગુજરાત -મહારાષ્ટ્રના ખેડૂતો સાથેની વાતચીતમાં જાહેરાત કરી : કચ્છથી આવેલ ખેડૂતોએ ભરખો ભેટ આપ્યો

દિલ્હી,તા. ૨૨: ૩-૩ મહિનાથી કેન્દ્રના કૃષિ કાનુનોના વિરોધમાં પ્રચંડ ખેડૂત આંદોલનનું નેતૃત્વ કરી રહેલા શ્રી રાકેશ ટિકૈતે આ આંદોલન માટે સમર્થન માંગવા ગુજરાતના પ્રવાસે આવી રહ્યાના નિર્દેશો આપ્યા છે. દિલ્હી-ઉત્તર પ્રદેશની બોર્ડર ઉપર કચ્છ -ગુજરાતના ખેડૂતો સાથેની વાતચીતમાં તેમણે આ વાતો કહ્યાનું પ્રસિધ્ધ થયેલ છે. દિલ્હીથી ગાંજીપુર બોર્ડરે મહારાષ્ટ્રથી આવેલા અને કચ્છ ગાંધીધામથી આવેલા ખેડૂતોના એક જૂથ સાથે મુલાકાત દરમિયાન ટિકૈતજીએ આ વાત કરી હતી.

બીકેયુ -ભારતીય કિસાન યુનિયનના પ્રવકતાએ ફરી એક વાર કરેલ કે અંતે ખેડૂત પોતાની કૃષિ ઉપજનો કોઇ ભાગ લઇ શકતો નહિ કારણ કે નવા કાયદાઓ માત્ર ૫ મોટી કોર્પોરેટ કંપનીઓની તરફેણ કરે છે. ભારતીય કિસાન સંઘના એક નિવેદનમાં કહ્યું છે કે અમે આવી સ્થિતી સર્જાવા નહિ દઇએ. દેશનો મોટી કંપનીઓ -કોર્પોરેટ જગત આ રાષ્ટ્રની ખેત ઉપજને નિયંત્રિત કરે તેવુ બનવા નહિ દઇએ.

કચ્છ -ગુજરાતના ગાંધીધામથી આંદોલનમાં સમર્થન આપવા આવેલા ખેડૂત પ્રતિનિધિમંડળે રાકેશજીને ચરખાની ભેટ આપી હતી.

ટિકૈતે કહ્યુ કે ગાંધીજીએ અંગ્રેજોને ભારતમાંથી ભગાડી મુકવા માટે રેંટિયોનો ઉપયોગ કરેલ, અમે રેંટિયાનો ઉપયોગ કોર્પોરેટને ભગાડવા માટે કરશું. અમે નજીકના ભવિષ્યમાં જ ગુજરાત આવીશું અને ૩ ખેડૂત કાનૂનો રદ કરાવવા માટે ચાલી રહેલ ખેડૂત આંદોલન માટે સમર્થન માંગીશું. મેળવશું.

દરમિયાન હરિયાણાના રોહતકન બે ડઝન મહિલાઓ આ આંદોલનમાં જોડાઇ ગઇ છે. ખેડૂતો માટે એમ.એસ.પી માટે કાનૂની માંગણી સાથે મોદી સરકારના ૩ નવા ખેડૂત કાનૂનોની રદ કરાવવા માટે ત્રણ મહિનાથી દિલ્હીની સરહદો ઉપર હજારો ખેડૂતો શાંતિપૂર્ણ દેખાવો કરી રહ્યા છે.

ભારતીય કિસાન નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે ખેડૂત અંતમાં પોતાની કૃષિ ઉપજનો કોઈ ભાગ મેળવી શકશે નહીં. કેમકે નવા કાયદા ફકત કોર્પોરેટરનો પક્ષ લેશે. તેઓએ ઉદાહરણ આપતા કહ્યું કે ગામમાં દૂધની કિંમત ૨૦-૨૨ રૂપિયા લિટર હોય છે પણ આ મોટી વ્યાપારિક કંપનીઓની મદદથી શહેરમાં પહોંચે છે તો તેની કિંમત ૫૦ રૂપિયા પ્રતિ લિટર થાય છે. ટિકૈત ગાજીપર બોર્ડર નવેમ્બર મહિનાથી આંદોલન કરી રહ્યા છે.

ટિકૈતે કહ્યું કે મોટા વ્યાપારિક ઘરાના ખાદ્યન્નનો ભંડાર કરનારા મોટા મોટા ગોદામ બનાવી રહ્યા છે અને બજારમાં અન્નની ખામી આવવાથી તેમને પોતાની પસંદની કિંમતે વેચી રહ્યા છે. ટિકૈતે કહ્યું કે આવી સ્થિતિ નહીં થવા દઈએ. અમે ફકત આ વાતને લઈને ચિંતિત છીએ અને અમે આ થવા દઈશુ નહીં. આ દેશના પાકને કોર્પોરેટ જગત નિયંત્રિત કરે એ શકય નથી.

(10:38 am IST)