Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

જાણો ભારતના સૌથી શાતિર જાસુસ ‘બ્‍લેક ટાઇગર'ની કહાણીઃ પાકિસ્‍તાને સજા એ મૌતની સજા આપેલ પણ તે પહેલા જ તેમનું જેલમાં બિમારીથી અવસાન થયેલ

અમદાવાદઃ દરેક દેશ પોતાની આંતરિક સુરક્ષા માટે જાસૂસી એજન્સીઓ રાખતી હોય છે. અને તેમાં અનેકો સિક્રેટ એજન્ટસ્ કામ કરતા હોય છે. એક એજન્ટનું જીવન ખૂબ જ અઘરૂ હોય છે. કારણ કે તે કોઈ પણ સમય કે કોઈ પણ સ્થિતીમાં પોતાની ઓળખ છતી ના કરી શકે. જેના કારણે એજન્ટ બન્યા બાદ તેની પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફ બન્ને અલગ-અલગ થઈ જતી હોય છે. ત્યારે, જાણો ભારતના સિક્રેટ એજન્ટ બ્લેક ટાઈગર વિશે.

23 વર્ષના યુવાનથી RAWની ટીમ ચકીત થઈ?

રવિંદર કૌશિકની સ્ટોરી લખનઉથી શરૂ થાય છે. રવિંદર 23 વર્ષનો હતો અને તેને એક્ટિંગનો ખૂબ ક્રેઝ હતો. જેના કારણે તે રંગમંચ સાથે જોડાયેલો હતો. જેના કારણે તે લખનઉમાં એક શો માટે પહોંચ્યો હતો. ત્યાં ભારતની સિક્રેટ સર્વિસ એજન્સી RAW (રિસર્ચ એન્ડ એનાલિસીસ વિંગ)ની ટીમ એક સિક્રેટ ઓપરેશન માટે આવી હતી. તે સમયે ત્યાં હાજર દરેક લોકો રવિંદરના પરફોર્મન્સને જોઈને ચકિત થયા હતા. જ્યારે, તેની અદાકારી RAWની ટીમને પણ ખૂબ પસંદ આવી હતી. અને ત્યારબાદ RAWએ રવિંદરને એક એજન્ટ તરીકે કોર્વટ ઓપરેશન પર કામ કરવા માટેની ઓફર આપી હતી. દેશ સેવાની વાત સાંભળીને રવિંદરે RAW તરફથી મળેલી તક હસતા હસતા સ્વીકારી હતી અને ત્યારબાદ શરૂ થઈ રવિંદર કૌશિકથી એજન્ટ બ્લેક ટાઈગર બનવાની આખી કહાની...

ટ્રેનિંગમાં કર્યું ધર્મ પરિવર્તન

રવિંદરે 1971માં દિલ્લીમાં ટ્રેનિંગ લીધી હતી. જે સમયે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયાને થોડો સમય વીત્યો હતો. જેના કારણે ભારતને દર હતો કે પાકિસ્તાન ફરીથી આવું કોઈ કાવતરૂ કરી શકે છે. જેના કારણે તેને પાકિસ્તાન એક સિક્રેટ મિશન માટે મોકલવામાં આવ્યો હતો. જ્યાં તેણે પાકિસ્તાન આર્મીની ગોપનીય જાણકારી ભારતને પહોંચાડવાની હતી. રવિંદર કૌશિક ધર્મે હિન્દુ હતો અને તેને પાકિસ્તાન જેવા મુસ્લીમ દેશમાં જઈને મુસ્લીમ ઓળખ ઉભી કરવાની હતી. રવિંદર એક્ટિંગમાં તો માહિર હતો પણ તેણે એક મુસ્લીમનો રોલ કરવાનો હતો. જેના માટે રવિંદર કૌશિક ઉર્દુ ભાષા શીખી હતી અને તેના પર કોઈને શંકા ન જાય તેના માટે તેણે ખતના પણ કરાવ્યું હતું અને તે સંપૂર્ણ રીતે દેશ હિત અને દેશની સુરક્ષા માટે મુસ્લિમ રંગમાં રંગાઈ ગયો હતો.

કેવી રીતે પાકિસ્તાન આર્મીમાં મળી એન્ટ્રી?

તમામ રિતે તૈયાર થયા બાદ રવિંદર કૌશિક નબી અહેમદ શાકીર બનીને પાકિસ્તાનમાં પહોંચી ગયો હતો. અને મિશન તરફ આગળ વધતા તેણે કરાંચી યુનિવર્સીટીમાં વકીલાતનો અભયાસ શરૂ કર્યો હતો. અભ્યાસ, પૂર્ણ કર્યા બાદ રવિંદરે પાકિસ્તાન આર્મીમાં અરજી કરી હતી અને તેની અરજી સ્વીકારાતા તેની પાકિસ્તાન આર્મીમાં એન્ટ્રી થઈ હતી.

પાકિસ્તાની આર્મી વચ્ચે શાતીર બ્લેક ટાઈગર

રવિંદર પાકિસ્તાની આર્મીમાં જોડાયો અને તેણે ઘણી બધી ગુપ્ત માહિતી ભારતીય સિક્રેટ એજન્સીને આપવાની શરૂ કરી. હેરાન કરે એવી વાત તો એ છે કે રવિંદર એટલી ખૂફિયા રીતે કામ કરતો હતો કે કોઈ દિવસ પાકિસ્તાની આર્મીને તેના પર શંકા ગઈ નહોતી. રવિંદર દરેક કામ પોતાની સુજબુજથી કરતો અને કોઈ પણ પગલા લેવા પહેલા વિચારતો. માત્ર આટલું જ નહીં પરંતુ રવિંદર પાકિસ્તાની આર્મીનો મેજર પણ બની ગયો હતો.

લવ સ્ટોરી ઓફ સ્પાય ઈન પાકિસ્તાન!

રવિંદર તેના મિશન દરમિયાન એક સ્વરૂપવાન પાકિસ્તાન યુવતી અમાનત સાથે પ્રેમમાં પડ્યો હતો અને થોડા જ સમયમાં તેણે અમાનત સાથે નિકાહ કર્યા હતા. જ્યારે, થોડા સમય બાદ તેની પત્નીએ બાળકને જન્મ આપ્યું હતું. તેની જિંદગી હવે 2 ફાંટામાં ફંટાઈ ગઈ હતી એક તરફ દેશ પ્રેમ અને બીજી બાજુ પરિવાર પ્રેમ. જેમાં, એક દિવસ RAW પાસેથી રવિંદરને મેસેજ આવ્યો હતો કે તેની મદદ માટે RAW વધુ એક સહયોગી મોકલી રહી છે. જેની સહમતી રવિંદરે આપી હતી.

ખુલી ગયું જાસૂસનું કવર!

રવિંદરનો સહયોગી ઈનાયત મસિહા પાકિસ્તાન પહોંચી તો ગયો પણ તેવું કવર ખુલી ગયું હતું અને તે પકડાઈ ગયો હતો. પકડાયા બાદ તે ઈનાયતે લાંબા સમય સુધી યાતનાઓ સહન કરી હતી. પરંતુ, આખરે તે ટૂટી ગયો અને તેણે રવિંદરની ઓળખ તેમજ મિશન વિશેની માહિતી પાકિસ્તાન આર્મીને આપી દિધી. જેના કારણે રવિંદર કૌશિક AKA બ્લેક ટાઈગરની ઓળખ ઉજાગર થઈ હતી.

પાકિસ્તાન મહાત આપી બચી નીકળ્યો બ્લેક ટાઈગર

1983માં રવિંદરની ઓળખ ઉજાગર થઈ હતી અને તે વાત પાકિસ્તાન આર્મીમાં ચારોકોર ફેલાઈ ગઈ હતી. જેના કારણે રવિંદર પાકિસ્તાની આર્મીમાંથી ભાગી છુંટયો હતો અને તેણે ભારત પાસે મદદ માંગી હતી. પરંતુ, એક એજન્ટની ઓળખ થાય તો કોઈ પણ દેશ તેનો સાથ નહીં આપે તેવી જ રીતે ભારતે પણ તેને મદદનો ઈન્કાર કર્યો હતો. જેના પગલે તે પાકિસ્તાની સુરક્ષા એજન્સીના હાથે પકડાયો હતો અને તેને સિયાલકોટની જેલમાં પુરી દેવામાં આવ્યો હતો. અનેકો વર્ષ સુધી તેનું યોન શોષણ કરવામાં આવ્યું. અનેકો યાતના તેના પર ગુજારવામાં આવી. પરંતુ તેનો દેશ માટે પ્રેમ ઓછો થયો ન હતો અને પાકિસ્તાન તેની પાસેથી કોઈ માહિતી કઢાવી ના શક્યું હતું.

બ્લેક ટાઈગરને અપાઈ સજાએ મોત

1985માં પાકિસ્તાન આર્મી રવિંદરથી કંટાળી અને તેના પર કેસ ચલાવવામાં આવ્યો અને તેના પર અનેકો આરોપ લગાવવામાં આવ્યા. જેમાં, તેને કોર્ટે ફાંસીની સજા સંભળાવામાં આવી. જો કે પાકિસ્તાની સુપ્રિમ કોર્ટે આ સજાને ઉમર કેદની સજામાં ફેરવી હતી. ત્યારે, 16 વર્ષની લાંબી કેદ બાદ 2001માં બ્લેક ટાઈગરનું પાકિસ્તાનની જેલમાં ટ્યુબરક્લોસીસની બિમારીથી મૃત્યુ થયું હતું.

ભારતમાં બે ગજ જમીન પણ નસીબના થઈ શૂરવીરને

રવિંદરના મૃત્યુ બાદ તેનું શરીર પણ ભારતીય સરકારે સ્વીકાર્યું ન હતું. જે સમયે રવિંદરની ધરપકડ થઈ હતી તે સમયે ઈન્દીરા ગાંધીની સરકાર હતી અને તે સરકારે તમામ રેકોર્ડ નષ્ટ કરી નાખ્યા હતા. રવિંદર જ્યારે જેલમાં હતો ત્યારે તેણે પોતાના પરિવારને અનેકો પત્ર લખ્યા હતા. અને જેમાં તેણે તેના પર ગુજરતી યાતનાઓ વિશે પણ જણાવ્યું હતું.

(5:44 pm IST)