Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

ફેસબુક લાઈવના ચક્કરમાં બોટ પલટી જતાં બેનાં મોત

ઉત્તર પ્રદેશના બલિયાની ચોંકાવનારી ઘટના : બોટમાં ડ્રાઈવર નહતો, આ યુવક જાતે બોટ ચલાવતા હતા, આ વેળા મોજ મસ્તી કરતા ફેસબૂક લાઈવ કરવા લાગ્યા

બલિયા, તા. ૨૨ : ઉત્તર પ્રદેશના બલિયામાં ફેસબૂક લાઈવ દરમિયાન બોટ પલટી જતાં બે યુવકોનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે બલિયા જિલ્લામાં આવેલા બંસડીહ કોતવાલી વિસ્તારના મરીતર ગામ નજીક સુરહા પાસે ફેસબુક લાઇવના ચક્કરમાં અચાનક એક બોટ પલટી થઈ ગઈ હતી. અકસ્માતમાં બે યુવકોનાં મોત નીપજ્યાં છે. અકસ્માત દરમિયાન બોટ પર યુવકો સવાર હોવાનું જાણવા મળ્યું છે.

બાંસડીહ કોતવાલીના પ્રભારી રાજેશ કુમાર સિંહે જણાવ્યું હતું કે, મૈરિટાર ગામના યુવકો સુરહા તળાવ વચ્ચે બનેલા ટેકરા પર જવા માટે નાની બોટમાં નીકળ્યા હતા. બોટમાં કોઈ ડ્રાઈવર નહોતો. યુવક જાતે બોટ ચલાવતા હતા. દરમિયાન મોજ મસ્તી કરતા કરતા ફેસબૂક લાઈવ કરવા લાગ્યા હતા. દરમિયાન અચાનક બોટ અનિયંત્રિત થઈને પલટી ગઈ હતી. જેટલા પણ યુવકો નાવ પર સવાર હતા તેઓ પાણીમાં ડૂબી ગયા.

બોટ પલટી ગઈ ત્યારે યુવકો 'બચાવો-બચાવો'ની બૂમ પાડવા લાગ્યા. અવાજ સાંભળીને નજીકના લોકોએ તમામ યુવકોને તળાવમાંથી બહાર કાઢ્યા હતા. જેમાં બે યુવકોની સ્થિતિ ગંભીર હોવાથી જિલ્લા હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં બંને યુવકોને મૃત જાહેર કરાયા હતા. તેમણે કહ્યું કે બંને મૃતક યુવકોની ઓળખ અનુજ ગુપ્તા અને દીપક ગુપ્તા તરીકે થઈ છે.

યુવકોને પાણીમાંથી બહાર કાઢનારા લોકોએ જણાવ્યું હતું કે પોલીસે બંને યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે. જો કે, પહેલીવાર નથી થયું. પહેલા પણ સેલ્ફી, સોશિયલ મીડિયા સ્ટેટસ બનાવવામાં આવા અકસ્માતો સર્જાયા છે.

(7:32 pm IST)