Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

રોજ બાજરાના ૪ રોટલા ખાઉં છું, કોરોના નહીં થાય : ધારાસભ્ય બૈજનાથ કુશવાહા

એમપી વિધાનસભામાં માસ્ક ન પહેરવા બદલ બચાવ : દેશમાં કોરોનાએ માથું ઊંચક્યું તે છતાં જનસેવકો બેફિકર, ગૃહમાં કોરોના ગાઈડલાઈનની લીરા ઊડાવતા ધારાસભ્યો

ભોપાલ, તા. ૨૨ : એક તરફ દેશના વિવિધ રાજ્યોમાં કોરોનાએ ફરી એક વખત માથું ઉંચક્યું છે. જેમેં મધ્ય પ્રદેશ પણ સામેલ છે. તો બીજી તરફ સરકારમાં બેઠેલા જન પ્રતિનિધિઓ પોતે સરકાર દ્વારા નક્કી કરાયેલી કોરોના ગાઇડલાઇનનું પાલન કરતા નથી.

મધ્ય પ્રદેશમાં સોમવારથી શરુ થયેલા વિધાનસભાના બજેટ સત્રમાં ધારાસભ્યો કોરોના ગાઇડલાઇનનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરતા જોવા મળ્યા હતા. વિધાનસભાની કાર્યવાહીમાં ભાગ લેવા માટે આવેલા મોટાભાગના ઘારાસભ્યોએ માસ્ક પહેર્યુ નહોતું. ત્યારે સવાલ થાય છે કે કોરોના ગાઇડલાઇનના નિયમો માત્ર પ્રજાને લાગુ થાય છે નેતાઓને નહીં?

માત્ર એટલું નહીં પરંતું જ્યારે ધારાસભ્યોને વિશે પૂછવામનાં આવ્યું તો તેમણે જે જવાબ આપ્યા છે તે સાંભળીને હસવું કે રડવું તે ખબર નહીં પડે. મધ્ય પ્રદેશના ચંબલ ક્ષેત્રના ધારાસભ્ય બૈજનાથ કુશવાહાએ કહ્યું કે, હું દરરોજ બાજરાના રોટલા ખાવ છું, માટે મને કોરોના નહીં થાય.

ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ ચાર દિવસથી મધ્ય પ્રદેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા માટે નવા દિશા નિર્દેશ પણ જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે વિધાનસભાની અંદર ધરાસભ્યો નિયમોની ધજ્જિયા ઉડવે છે. તો લોકો પાસેથી નિયમ પાલનની આશા કઇ રીતે રાખી શકાય. માત્ર કોંગ્રેસના નહીં પણ સત્તાધારી પાર્ટી ભાજપના નેતાઓએ પણ માસ્ક પહેર્યું નહોતું.

(7:34 pm IST)