Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

ગુજરાતમાં લોકડાઉન લગાવો અથવા કડક પ્રતિબંધો મૂકો

ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની રાજયની શાખાએ ગુજરાતમાં બે સપ્તાહનું સંપૂર્ણ લોકડાઉન લગાવવાનું સૂચન કર્યુ છે : લોકડાઉન શકય ન હોય તો લોકોને બહાર નીકળતા અટકાવવા કડક પ્રતિબંધો મૂકવા જોઈએઃ તેમણે સામાજિક, રાજકીય અને ધાર્મિક બધા મેળાવડા પર પ્રતિબંધ મૂકવા પણ સૂચન કર્યુ

અમદાવાદ, તા.૨૨ :  રાજયમાં કોરોનાના સંક્રમણ બેકાબૂ થઈ ગયું છે, છતાં રાજય સરકાર લોકડાઉન લગાવવાની વાત નકારી રહી છે, પરંતુ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)ની રાજયની શાખાએ રાજયમાં બે સપ્તાહનું લોકડાઉન લગાવવાનું સૂચન કર્યું છે. ગુજરાત હાઈકોર્ટમાં પોતાના સબમિશનમાં તેણે આ સૂચન કર્યું છે.

આઈએમએના ગુજરાત ચેપ્ટરના પ્રેસિડન્ટ ડો. દેવેન્દ્ર પટેલે હાઈકોર્ટને જણાવ્યું કે, 'જો રાજય સરકાર લોકડાઉનની તરફેણમાં ન હોય તો તેણે લોકોને ઘરની બહાર નીકળતા અટકાવવા માટે વિવિધ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવાનું વિચારવું જોઈએ.'

રાજયમાં કોરોનાની સ્થિતિ પર થયેલી સૂઓમોટોની ઓનલાઈન સુનાવણી દરમિયાન જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ ભાર્ગવ કારિયાની બેન્ચ સમક્ષ પટેલે કેટલાક સૂચનો આપ્યા હતા. પટેલે બેન્ચને જણાવ્યું કે, 'સરકારે બધા પ્રકારના મેળાવડા પર પ્રતિબંધ મૂકવો જોઈએ, પછી તે સામાજિક હોય, રાજકીય હોય કે ધાર્મિક હોય. શકય હોય તો, સરકારે ૧૪ દિવસનું સંપૂર્ણ લોકડાઉન લગાવવું જોઈએ, પછી કેટલીક પ્રવૃત્તિઓ પર નિયંત્રણો મૂકી દેવા જોઈએ.'

સૂચનો પર જવાબ આપતા મનિષા શાહે સરકાર તરફથી જણાવ્યું હતું કે, લોકડાઉન લગાવવાનો નિર્ણય એ 'તલવારની ધાર પર ચાલવા' જેવું છે.

રાજયમાં ઘણા વેપારી મહામંડળો દ્વારા આંશિક કે સંપૂર્ણ લોકડાઉનની પહેલ કરાઈ છે, જેમાં કામકાજના કલાકો ઘટાડવાનું પણ સામેલ છે.

ઉલ્લેખનીય છે કે, મંગળવારે પીએમ મોદીએ પોતાના દેશને સંબંધોનમાં કહ્યું હતું કે, લોકડાઉન એ છેલ્લો રસ્તો છે અને તેનાથી દેશને બચાવવાનો છે. કેન્દ્રએ રાજયોમાં લોકડાઉન લગાવવું કે નહીં તેનો નિર્ણય જે-તે રાજયો પર છોડ્યો છે. ગુજરાત સરકાર પણ અગાઉ કહી ચૂકી છે કે, હાલ રાજયમાં લોકડાઉન લગાવવાનો કોઈ વિચાર નથી.

(10:19 am IST)