Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

રેમડેસિવિરને મારો ગોલીઃ ૧૦ રૂપિયાનું ડેકસામેથાસોન છે અકસીર

ગરીબોના તુટતા શ્વાસને બચાવી શકે છે સસ્તુ ઇન્જેકશનઃ રેમડેસિવિર પાછળ હજારો ખર્ચ ન કરોઃ સસ્તુ અને સર્વસુલભ ડેકસામેથાસોન ઇન્જેકશન વધુ અસરકારક છે : કોરોનાથી સંક્રમિત અને ગંભીર રીતે બિમારઃ દર્દીઓના જીવ બચી શકે છે બ્રિટનમાં પ્રારંભમાં ઉપયોગ થયો હોત તો પ૦૦૦ના જીવ બચી જાત

નવી દિલ્હી તા. રર :.. કોરોના સંક્રમિત પોતાના સગાનો જીવ બચાવવા માટે લોકો રેમડેસીવીરની મોં માંગી કિંમત ચૂકવવા તૈયાર થઇ જાય છે. જેમણે આ ઇન્જેકશન કોઇપણ પ્રકારે મેળવી લીધુ અને લગાવી પણ દીધું શું તેઓ બચી ગયા એ પણ મોટો સવાલ છે. આ બાબતે નિષ્ણાંતો કહે છે કે આ ઇન્જેકશનનો કોઇ ખાસ ફાયદો નથી એટલે આ દવાને વિશ્વ આરોગ્ય સંસ્થાએ માન્યતા નથી આપી. હાલમાં જ બ્રિટનના નિષ્ણાંતોએ દાવો કર્યો છે કે દુનિયાભર અત્યંત સસ્તી અને સરળતાથી મળતી દવા દર્દીનો જીવ બચાવવામાં મદદ કરી શકે છે.

રિસર્ચરોનું અનુમાન છે કે જો આ દવાનો ઉપયોગ બ્રિટનમાં સંક્રમણના શરૂઆતના તબકકામાં કરાયો હોત તો લગભગ પાંચ હજાર લોકોના જીવ બચાવી શકાત. ઓકસફર્ડ યુનિવર્સિટીની એક ટીમે હોસ્પીટલોમાં દાખલ ર૦૦૦ દર્દીઓને આ દવા આપી અને તુલનાત્મક અભ્યાસ એવા ૪૦૦૦ દર્દીઓ પર કર્યો જેમને દવા નહોતી અપાઇ. આ દવા અપાયા પછી જે દર્દીઓ વેન્ટીલેટર પર હતા તેમના પરથી મરવાનું જોખમ ર૮ થી ૪૦ ટકા ઓછું થયું હતું અને જેમને ઓકસીજનની જરૂર હતી તેમના પર આ જોખમ ર૦ થી રપ ટકા ઓછું થયું હતું.

રિસર્ચરો અનુસાર કોરોના સંક્રમણ શરીરમાં સોજા વધારવાની કોશીષ કરે છે. જયારે ડેકસા મેથાસેન આ પ્રક્રિયાને ધીમી કરવામાં કારગત જોવા મળ્યું છે. આ દવા સસ્તી પણ છે એટલે ગરીબ દેશો માટે ફાયદાકારક સાબીત થઇ શકે છે.

ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સ્પલાન્ટેશન સાયન્સ્ના ડીન ડોકટર પંકજ શાહનું કહેવું છે કે રેમડેસીવીરની અછતમાં  જો ડોકટર સલાહ આપે તો ગંભીર દર્દીઓને ડેકસામેથાસોનનું ઇન્જેકશન કે ગોળીઓ આપી શકાય છે. તે શ્વાસની તકલીફમાં ફાયદો કરી શકે છે. કયારેક બહુ ગંભીર દર્દીને રેમડેસીવીર અને ડેકસામેથાસોન બન્ને પણ અપાય છે.

(10:56 am IST)