Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

રાજકોટમાં આજે ૭૩ મોતઃ નવા ૨૮૦ કેસ

સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટ મુજબ ગઇકાલે ૭૭ પૈકી ૧૧ કોવીડ ડેથ થયાઃ કુલ કેસનો આંક ૨૮,૮૫૩એ પહોંચ્યોઃ અત્યાર સુધીમાં ૨૩,૫૦૦ દર્દીઓ સાજા થયાઃ રિકવરી રેટ ૮૨.૩૩ ટકા થયો

રાજકોટ, તા., ૨૨: શહેર - જિલ્લામાં  છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાની સારવાર દરમિયાન  ૭૩નાં મૃત્યુ થયા છે. જયારે બપોર સુધીમાં ૨૮૦ કેસ નોંધાયા છે.

આ અંગે તંત્રની સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ તા.૨૧નાં સવારનાં ૮ વાગ્યા થી તા.૨૨નાં સવારનાં ૮ વાગ્યા સુધીમાં છેલ્લા ૨૪ કલાકમાં શહેર-જીલ્લાના ૭૩ દર્દીઓએ દમ તોડી દીધો હતો.

 ગઇકાલે ૭૭ પૈકી ૧૧ મૃત્યુ કોરોનાને કારણે થયાનું સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટમાં જણાવ્યુ હતુ.

શહેર અને જીલ્લામાં સરકારી-ખાનગી હોસ્પિટલમાં ૧૫૦ બેડ ખાલી છે.

નોંધનીય છે કે, શહેરમાં કોરોના સંક્રમણનો આંકડો ૮૦૦ને પાર કરી ગયો છે ત્યારે શહેર - જિલ્લાનું આરોગ્ય તંત્ર ફરી હરકતમાં આવ્યું છે અને ટેસ્ટીંગ વધાર્યું છે.જેથી સંક્રમણને કાબુમાં લઇ શકાય.

દરમિયાન છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ હોસ્પિટલમાં ૭૩ દર્દીઓના મોતથી લોકોમાં ફફડાટ ફેલાયો છે.

બપોર સુધીમાં કોરોનાએ બેવડી સદી ફટકારી

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૨૮૦ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૨૮,૮૨૩ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ ૨૩,૫૦૦ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.

ગઇકાલે કુલ ૧૨,૬૩૫  સેમ્પલ લેવાયા હતા.જેમાં ૩૯૭ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૩.૧૪ ટકા થયો  હતો. જયારે ૫૧૬ દર્દીઓ સાજા થયા છે.

આજ દિન સુધીમાં ૯,૦૦,૪૭૧ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૨૮,૮૨૩ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૩.૨૦ ટકા થયો છે.

જયારે શહેરમાં હાલમાં સરકારી હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ તથા હોમ આઇસોલેશન હેઠળ અંદાજીત ૪૯૧૦  દર્દીઓ સારવાર હેઠળ છે.(૪.૧૨)

ગઇકાલે કોરોના દર્દીના આંકડામાં આર.ટી. પી.સી.આર. રીપોર્ટનાં આંકડા નહી ઉમેરાતા વિસંગતતા સર્જાઇ

રાજકોટ : ગઇકાલે મ.ન.પા. તંત્રએ સાંજે પ્રસિધ્ધ કરેલ કોરોના દર્દીના આંકડાઓમાં ભારે વિસંગતતા સર્જાઇ હતી. કેમ કે બપોરે ૧ર સુધીમાં ૩૭૯ દર્દી જાહેર કરેલ અને ત્યાર બાદ આખા દિવસનાં ૩૯૭ કેસ જાહેર થયા આમ આ આંકડાઓમાં જબરી વિસંગતતા સર્જાઇ હતી. જો કે બાદમાં તંત્ર વાહકોએ આ વિસંગતતા બાબતે સ્પષ્ટતા કરી હતી કે આ રીપોર્ટમાં આરટી પીસીઆર ટેસ્ટમાં પોઝીટીવ આવેલા દર્દીઓના આંકડા ઉમેરવાનું બાકી રહી જતા આમ બન્યુ હતું. આમ થવા પાછળ ભૂલ કે બેદરકારી હતી કે કેમ? તેવા સવાલો લોકોમાં ઉઠવા પામ્યા છે.

(3:13 pm IST)