Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

મહિલાએ ૨૦ વર્ષના યુવકને રેપ કેસમાં ફીટ કરાવી દીધો

લગ્નના ૪ માસમાં મહિલાએ તેનું અસલી રૂપ બતાવ્યું : મહિલાએ છોકરા પર પોતાની સાથે લગ્ન બાદ તરછોડી દેવાનો આરોપ મૂક્યો હતો, કોર્ટને મામલો અલગ લાગ્યો

મુંબઈ, તા. ૨૨ : ૨૦ વર્ષનો છોકરો ૪૨ વર્ષની મહિલા સાથે લગ્ન કરે તેવું કદાચ ફિલ્મોમાં જ જોવા મળે. પરંતુ હકીકતમાં બનેલી આવી એક ઘટનામાં મહિલાએ પોતાના 'પતિ' પર બળાત્કાર કરવાનો આરોપ મૂકતા તેને રેપ કેસમાં ફિટ કરાવી દીધો હતો. મહિલાએ છોકરા પર પોતાની સાથે લગ્ન કર્યા બાદ તરછોડી દેવાનો પણ આરોપ મૂક્યો હતો. જોકે, આ મામલે ધરપકડથી બચવા આરોપી દ્વારા દાખલ કરવામાં આવેલી આગોતરા જામીન અરજી અંગે કોર્ટમાં સુનાવણી થઈ ત્યારે કોર્ટને મામલો કંઈક અલગ જ લાગ્યો હતો.

મુંબઈની આ ઘટનામાં ૪૨ વર્ષની ફાતિમાએ (નામ બદલ્યું છે) પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના લગ્ન ૨૦૦૪માં થયા હતા, જેનાથી તેને એક દીકરો પણ છે. જોકે, સપ્ટેમ્બર ૨૦૧૮માં તેને રિષભ નામના (નામ બદલ્યું છે)૨૦ વર્ષના એક યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. જેના કારણે તેણે પોતાના પતિને છૂટાછેડા આપી દીધા હતા. રિષભે લગ્નની લાલચ આપીને પોતાના પર રેપ કર્યો હોવાનું પણ ફાતિમાએ ફરિયાદમાં જણાવ્યું હતું. એટલું જ નહીં, તે રુપિયાની જરુર છે તેમ કહી ૫૦ ગ્રામ સોનું લઈ ગયો હતો, તેમજ તેનું ટુ વ્હીલર પણ ગિરવે મૂકી આવ્યો હતો.

ફાતિમાએ જણાવ્યું હતું કે રિષભ ઓગષ્ટ ૨૦૨૦માં કાઝીને બોલાવ્યો હતો અને તેની સાથે નિકાહ પઢ્યા હતા. ત્યારબાદ તે તેની સાથે થોડા દિવસ રહ્યો હતો. જોકે, તે એક દિવસ તેને તેના પૂર્વ પતિના ઘરે છોડીને ચાલ્યો ગયો હતો. નિકાહ પઢ્યા બાદ આ વર્ષની શરુઆતના અરસામાં રિષભે ફાતિમાને એમ જણાવી દીધું હતું કે તેના પરિવારજનોને આ સંબંધ મંજૂર ના હોવાથી પોતે તેની સાથે રહી શકે તેમ નથી. એટલું જ નહીં, રિષભ પોતે ૨૬ વર્ષનો છે, પરંતુ તેણે કોર્ટમાં બનાવટી આધાર કાર્ડ જમા કરાવી પોતાની ઉંમર ૨૦ વર્ષ હોવાનો ખોટો દાવો કર્યો છે તેમ પણ ફાતિમાએ કોર્ટને જણાવ્યું હતું. ફાતિમાએ રિષભ પર મૂકેલા દાવાઓ તેમજ આક્ષેપો પર સવાલ કરતાં જણાવ્યું હતું કે આરોપીના બર્થ સર્ટિ.માં પણ લખેલું છે કે તેનો જન્મ ઓગષ્ટ ૨૦૦૦માં થયો છે. પોલીસની ઝાટકણી કાઢતા કોર્ટે જણાવ્યું હતું કે, પોલીસે માત્ર ફરિયાદી મહિલાએ જે કહ્યું તેને સાચું માની લીધું, અને છોકરાની સાચી ઉંમર જાણવા માટે તેની સ્કૂલ કે મ્યુનિસિપાલિટીના રેકોર્ડમાં પણતપાસ કરવાની તસ્દી નથી લીધી.

કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે પ્રાથમિક દ્રષ્ટિએ એ માનવું અશક્ય લાગે છે કે આરોપીએ જે મહિલાના ૧૬ વર્ષથી લગ્ન થયેલા છે, જે પોતાના પતિ સાથે રહે છે, અને જેને ૧૨ વર્ષનો દીકરો છે (વર્ષ ૨૦૧૮ અનુસાર) તેને પોતાની પ્રેમજાળમાં ફસાવી હોય. તેવામાં મહિલાએ આરોપી પર મૂકેલા લગ્નની લાલચ આપી બળાત્કાર કરવાના આરોપ પર પણ શંકા ઉપજે છે.

જો ૨૦ વર્ષના છોકરાના પ્રેમમાં પડેલી ૪૨ વર્ષની મહિલાએ પોતાના પતિને છૂટાછેડા આપી દીધા હોય, તો તે પ્રેમી દ્વારા તરછોડાયા બાદ વારંવાર પૂર્વ પતિના ઘરે કઈ રીતે ગઈ? આવામાં મહિલાએ ખરેખર પતિને તલાક આપ્યા છે કે કેમ તે પણ એક સવાલ છે, તેવું પણ કોર્ટે નોંધ્યું હતું. કોર્ટે મહિલાએ આરોપીની ઉંમર અંગે રજૂ કરેલી તારીખોને ટાંકતા એમ પણ કહ્યું હતું કે, સારું થયું જ્યારે બંને વચ્ચે સંબંધો બંધાયા ત્યારે આરોપી ૧૮ વર્ષથી વધુ વય ધરાવતો હતો. નહીંતર મહિલા સામે જ પોક્સો હેઠળ કેસ કરી તેને સજા કરવામાં આવી હોત.

વળી, આરોપી જૈન છે તેવામાં તે નિકાહ પઢવા માટે કાઝીને કેવી રીતે લઈ આવ્યો? જો તેણે લગ્ન કર્યા જ હોત તો તે કોઈ પૂજારીને લઈને આવ્યો હોત. વળી, આરોપી ઉર્દૂ જાણતો ના હોવાથી તે નિકાહનામું પણ આપી શકે તેમ નહોતો. જેથી, આ કેસમાં આરોપી સામે મૂકાયેલા આરોપો ઉપજાવી કાઢેલા છે તેવું જણાવી કોર્ટે આરોપી દ્વારા દાખલ કરવામાં આવેલી આગોતરા જામીન અરજીને મંજૂર રાખી હતી.

(8:03 pm IST)